Monday, March 8, 2010

રાહુલ મહાજન કા સ્વયંવરઃ 21મી સદીમાં 10મી સદીના વિચારો...


'તે ત્રણેય છોકરીઓ મને પ્રેમ કરે છે, પણ હું જેને પ્રેમ કરું છું તેની સાથે લગ્ન કરીશ.' આ શબ્દો છે ભાજપના ભૂતપૂર્વ ખજાનચી સ્વ. પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજનના. તે સપૂત છે કે કપૂત તેનો ફેંસલો તમારી વિવેકબુદ્ધિ પર છોડું છું. ડિમ્પીના ગળામાં વરમાળા પહેરાવ્યાં પછી રાહુલબાબા ગર્વ સાથે બોલે છેઃ''આ શોના ઓડિશન દરમિયાન તે મને કહ્યું હતું કે તું પાંચ વર્ષની હતી ત્યારથી લગ્ન કરવાનું સ્વપ્ન સેવી રહી છે. એટલે કે 16 વર્ષથી મારી રાહ જુએ છે.' 21 વર્ષની ડિમ્પી અને 34 વર્ષનો અધગધો (મને બાપના પૈસા તાગડધિન્ના કરતાં મોટા હોંઠવાળા અધાગધા જ લાગે છે) રાહુલ મહાજન!

એનડીટીવી ઇમેજીન પર આ શો ચાલુ થયો ત્યારે મને એમ હતું કે રાહુલ મહાજનના ભૂતકાળને ધ્યાનમાં રાખીને એક અબજથી વધારે વસતી ધરાવતા આ દેશમાં વધુમાં વધુ 100 યુવતીઓ તેની સાથે લગ્ન માટેની અરજી કરવાનું સાહસ કરશે. રાખી સાવંત સાથે લગ્ન કરવા સેંકડો યુવાનો અરજી કરે તેમાં કોઈ નવાઈ નથી. તે વિવાદો સર્જવા જાણીતી છે પણ રાહુલ મહાજનની જેમ અસામાન્ય મનોસ્થિતિ ધરાવતી નથી. રાખ સાવંતે કદાચ જાણીજોઈને પબ્લિસિટી સ્ટંટ કર્યા છે, પણ રાહુલ મહાજનની જેમ ગુનાહિત અને કલંકિત ઇતિહાસ ધરાવતી નથી. જોકે આશ્ચર્ય વચ્ચે સેંકડો યુવતીઓએ રાહુલ મહાજનને વરમાળા પહેરાવવા અરજી કરી. નવાઈ લાગી અને ગાંડા અને ગાંડીઓના ગામ ન હોય, તે તો દરેક ગામમાં હાજર જ હોય તેનો પુરાવો મળી ગયો. આ શોમાં ફક્ત ડીમ્પીએ જ નહીં પણ એક અન્ય સ્પર્ધક યુવતી પ્રિયદર્શિની સિંહે પણ કહ્યું કે, ''તે 14 વર્ષની હતી ત્યારથી તે રાહુલને તેના મનનો માણિગર માને છે.''

ડિમ્પીના અદાઓ અને વિધાનોમાં પ્રેમ ઓછો હતો અને નાટક વધારે હતું. તે કોઈ ફિલ્મમાં કામ કરી રહી હોય તેવું લાગતું હતું. કદાચ એવું પણ બને કે અનેક યુવતીઓ રાહુલ મહાજનને માધ્યમ બનાવી ટીવીની દુનિયામાં પગપેસરો કરવા માગતી હોય. ડિમ્પીએ એવું દેખાડવાનો પ્રયાસ કર્યો કે તે બહુ બહાદુર છે. કોઈ પણ પરિસ્થિતિમાં હિમ્મત હારી જતી નથી અને તેના ચહેરા પર હાસ્ય ફરકતું રહે છે. કદાચ તેને આ બહાદુરીની જરૂર છે. રાહુલ મહાજન સાથે લગ્ન પછી તેની જરૂર પડે તો નવાઈ નહીં. તેણે એવું કહ્યું કે, ''તે સંયુક્ત પરિવારમાં રહેવા માગે છે. તે બહુ મહત્વાકાંક્ષી નથી અને આ લગ્ન તેના માટે 'ડ્રીમ કમ ટ્રુ' છે.''

ડિમ્પીએ જે વાત કરી તેના મુદ્દા ખાસ ધ્યાનમાં લેવા જેવા છે. ખરેખર આ શોનું હાર્દ જ ડિમ્પીની પસંદગી અને તેની વાતો છે. તે જ સંદેશ છે. આ શોમાં વારંવાર એવું સ્થાપિત કરવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ બહુ મહત્વાકાંક્ષી ન હોવું જોઈએ અને તેના માટે પતિ પરમેશ્વર છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના બરોબર બે દિવસ પહેલાં આ શોમાં મહિલાઓને ગૂંગી ગુડિયા તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ શોની સ્ક્રીપ્ટ લખનારે વારંવાર એવું સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો કે છોકરી બાળપણથી જ લગ્ન કરવાનું સ્વપ્ન સેવે છે!

શરૂઆતમાં રાષ્ટ્રીય મહિલા પંચે આ શોનો વિરોધ કર્યો હતો, પણ ખબર નહીં ચેનલવાળાઓએ શું સેટિંગ કર્યું કે સંગઠન સાથે જોડાયેલી બધી મહિલાઓ ચૂપ થઈ ગઈ. મેરા ભારત મહાનના મહાન સંગઠનો કદાચ બૂમબરાડા પણ સેટિંગ માટે જ પાડતાં હોય તો તેનું આશ્ચર્ય ન થવું જોઈએ. 21મી સદીમાં રજૂ થતાં આ શોમાં દસમી સદીના વિચારો રજૂ કરવામાં આવ્યાં અને મહિલાઓનો ગૂંગી ગુડિયા તરીકે રજૂ કરવામાં આવી. કદાચ હવે એવું પણ બને કે આ જ ચેનલ હવે રાહુલનું જીવતું જગતિયું કરવાનો શો રાખે અને તેમાં ડિમ્પીને સતી કરવા માટેની વકીલાત કરે...ડિમ્પી ભલે સતી ન થાય ટીઆરપી તો વધવાની જ છે ને.....

આ શોમાં રાહુલની ઇમેજ સુધારવા જોરદાર પ્રયાસ કરવામાં આવ્યો. એક આખા એપિસોડમાં રાહુલના ભૂતકાળ સાથે સંબંધિત સવાલો પૂછવામાં આવ્યાં. તેમાં આ રાજકુમારે અન્ય સેલિબ્રિટીઓની જેમ તેના શરમજનક ભૂતકાળ માટે મીડિયાને દોષિત ઠેરવ્યું. આ એપિસોડમાં રાહુલે તેની ભૂતપૂર્વ પત્ની શ્વેતા સિંહ વિશે કહ્યું કે, ''શ્વેતા હજુ પણ મારી મિત્ર છે. મારા જન્મદિવસે સૌથી પહેલો ફોન તેનો જ આવે છે.'' ધનિકોને હડાહડ જૂઠ્ઠાણું બોલવાનો જન્મજાત અધિકાર હોય છે! શ્વેતાએ એક મુલાકાતમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, ''રાહુલ આ શોની ટીઆરપી વધારવા માટે રાહુલ મને બોલાવવામા માગતો હતો. એટલું જ નહીં હું તૈયાર થવું તો ફરીથી મારી સાથે જ લગ્ન કરવા માગતો હતો.'' આ માટે શ્વેતાને મોટી રકમ પણ ઓફર કરવામાં આવી હતી. પણ શ્વેતા તો ગધાપચીસીથી પરિચિત હતી....

ચલતે-ચલતેઃ બોલીવૂડના સ્વયંપ્રસ્થાપિત સુપરસ્ટાર અને સ્રૈણ ડોન શાહરૂખ ખાનનું સૌથી જાણીતું ફિલ્મી નામ શું છે?

2 comments:

Parag Dave said...

ચેનલોને આ પ્રકારના ધડ-માથાં વગરના કાર્યક્રમો બનાવવાનું પ્રોત્સાહન પણ આપણો કહેવાતો પ્રગતિશીલ સમાજ જ આપે છે. આ શો નો એકપણ એપિસોડ જોવાનું મને ક્યારેય મન થયું જ નથી, પરંતુ બે દિકરીઓની સાથે બેસીને આ શો એક ધ્યાનથી જોઇ રહેલા એક દંપત્તિને જોયા પછી મને લાગ્યું કે આ સમાજ રાહુલ જેવા અનેકના સ્વયંવર વિના વિઘ્ને પાર પાડી શકે તેમ છે. સુંદર રજૂઆતના કારણે વાંચનનો આનંદ આવ્યો...હજુ તો ન્યૂઝ ચેનલો આ બંને ઢીંગલા-ઢીંગલીના હનિમૂનના કવરેજ માટે દોડશે અને ટૂંક સમયમાં બંનેના છૂટાછેડાનો કેસ ફાઇલ થશે અને એક વર્ષ બાદ આ લગ્ને લગ્ને કુંવારો રાહુલ ફરી સ્વયંવર માટે ટીવીના પડદે આવશે ત્યારે પણ એને સુંદર કન્યા મળી જ રહેશે અને લોકો તો ત્યારે પણ ટીવી સામે ચોંટેલા રહેશે.

Vijay said...

khubaj saras che bhai samajva jevu che

Regard
Vijay Thakkar

Lohanamilan.com