Monday, March 8, 2010

સ્ત્રીઓના અધિકાર વિષે એકે બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી...


જે રૂઢિ અને કાયદાના ઘડતરમાં સ્ત્રીનો કશો હિસ્સો નહોતો ને જેને માટે કેવળ પુરુષ જ જવાબદાર છે તે કાયદા ને રૂઢિના જુલમ નીચે સ્ત્રી કચડાતી આવી છે. અહિંસાના પાયા પર રચાયેલી જીવનની યોજનામાં પુરુષને પોતાનું ભાવિ નિર્માણ કરવાનો જેવો ને જેટલો અધિકાર છે તેવો ને તેટલો જ પોતાનું ભાવિ નક્કી કરવાનો હક સ્ત્રીને છે. પણ અહિંસક સમાજની વ્યવસ્થામાં જે અધિકાર કે હક મળે છે તે કોઈ ને કોઈ ફરજ કે ધર્મના પાલનમાંથી ફલિત થાય છે. તેથી એ વાત પણ સ્વીકારવી જોઈએ કે સમાજમાં વર્તવાના કે વહેવાર કરવાના નિયમો સ્ત્રી ને પુરુષ બંને પરસ્પર સહકાર ને સમજૂતીથી નક્કી કરે. એ નિયમોના પાલનને માટે બહારની કોઈ સત્તાની જબરદસ્તી કામ ન આવે.

સ્ત્રીઓની સાથેના પોતાના વર્તનમાં કે વહેવારમાં પુરુષોએ આ સત્યને પૂરેપૂરું ઓળખ્યું નથી. સ્ત્રીને પોતાની મિત્ર કે સાથ ગણવાને બદલે પુરુષે પોતાને તેનો સ્વામી કે ધણી માન્યો છે. પોતાની ધણિયાણીઓને મનરમાડો કરવાની ઢીંગલીઓ કે ભોગવિલાસનું સાધન માનવાને બદલે તેમને સેવાના સમાન કાર્યમાં સન્માન્ય સાથીઓ ગણવી. ગામડાંઓમાં સ્ત્રીઓ પોતાના પુરુષવર્ગની સામે બરાબર ટક્કર લે છે અને કેટલીક બાબતોમાં તો એમના પર સરસાઈ ભોગવે છે, ને દોર ચલાવે છે. પણ બહારથી આપણને જોનાર કોઈ પણ તટસ્થ માણસ કહેશે કે આપણા આખા સમાજમાં સ્ત્રીને કાયદાથી ને રૂઢિથી જે દરજ્જો મળે છે તે ઘણી ખામીવાળો છે અને તેમાં ધરમૂળથી સુધારો કરવાનો જરૂર છે.

કાયદાઓ ઘડવાનું કાર્ય ઘણે ભાગે પુરુષોને હસ્તક રહેલું છે, પણ તેણે હંમેશા વિવેદદ્રષ્ટિ વાપરેલી જોવામાં આવતી નથી..સ્ત્રીઓના અધિકાર વિષે એકે બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી. મારા મત પ્રમાણે કાયદાએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જાતની અસમાનતા રાખવી જોઈએ નહીં. જેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ છૂટ સ્ત્રીઓને ભોગવવાનો હક છે.

ગાંધીગંગાઃ દીકરા અને દીકરી વચ્ચે કોઈ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ

No comments: