Tuesday, March 23, 2010

ભગતસિંહને બચાવવા ગાંધીજીએ પ્રયાસ કર્યો હતો?


અગ્રણી રાષ્ટ્રીય સામયિક 'ઇન્ડિયા ટુડે'એ માર્ચ-એપ્રિલ, 2008માં એક સર્વેક્ષણ કર્યું હતું. તેમાં વીસમી સદીના મહાન ભારતીયો વિશે દેશવાસીઓનો મત જાણવામાં આવ્યો હતો. તમે જાણો છો તેમાં મહાન ભારતીય તરીકે કોની પસંદગી થઈ હતી? સરદાર પટેલ? મહાત્મા ગાંધી? જવાહરલાલ નેહરુ? જયપ્રકાશ નારાયણ? ઇન્દિરા ગાંધી? રવીન્દ્રનાથ ટાગોર? કોંગ્રેસીજનોને પૂછો તો તેઓ જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ કહે. પણ ઇન્ડિયા ટુડેના આ સર્વેક્ષણમાં તટસ્થ દેશવાસીઓએ મતદાન કર્યું હતું.
તેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, જયપ્રકાશ નારાયણ, રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોને પાછળ પાડી 23 વર્ષની ઉંમરે હિંદુસ્તાનની આઝાદી માટે હસતાં-હસતાં ફાંસીના માંચડે ચડી જનાર ભગતસિંહની પસંદગી થઈ હતી. સર્વેક્ષણમાં 37 ટકા લોકોએ શહીદ ભગતસિંહને મહાન ભારતીય ગણાવ્યાં હતાં જ્યારે 27 ટકા મત સાથે સુભાષચંદ્ર બોઝને બીજું સ્થાન અને 13 ટકા મત સાથે મહાત્મા ગાંધીને ત્રીજું સ્થાન મળ્યું હતું. ભગતસિંહ આઝાદીની લડત દરમિયાન પણ સૌથી વધુ લોકપ્રિય ક્રાંતિકારી હતા અને આઝાદી પછી પણ સૌથી વધુ આકર્ષક શહીદ-એ-આઝમ...23 માર્ચ, 1931ના રોજ અંગ્રેજોએ સુખદેવ અને રાજગુરુ સાથે ભગતસિંહને ફાંસીના માંચડે લટકાવી દીધા ત્યારે પણ તેમની લોકપ્રિયતા ટોચ પર હતી અને આજે પણ...દર વર્ષે શહીદ દિવસ આવે છે અને એક પ્રશ્નની ચર્ચા થાય છે કે ભગતસિંહને બચાવવા ગાંધીજીએ શું કર્યું? ગાંધીજીએ ખરેખર તેમને બચાવવા પ્રયાસ કર્યો હતો?

જવાબ શોધવા ભાવનાના પ્રવાહમાં વહી ગયા વિના ઇતિહાસમાં ડોકિયુ કરવું પડે અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યાં વિના તેને સમજવો પડે. 7 ઓક્ટોબર, 1930ના રોજ અંગ્રેજ સરકારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસની સજા જાહેર કરી. તે પછી તેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઊભો થયો. સરઘસો નીકળ્યાં. અંગ્રેજ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો થયો. ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઈ લાગૂ કરવામાં આવી હોવા છતાં તેની ઐસીતૈસી કરીને સેંકડો લોકોની ભીડ ઠેરઠેર એકત્ર થવા લાગી. લાહોરમાં તમામ કોલેજોની કામગીરી ઠપ્પ થઈ ગઈ. પંડિત મદનમોહન માલવીયે વાઇસરૉયને પત્ર લખીને ત્રણેય જવાનિયાને આપવામાં આવેલી ફાંસીની સજાને કાળા પાણીની સજામાં બદલવાની માગણી કરી. ભગતસિંહની માતા વિદ્યાવતીએ પણ સેંકડો લોકોના હસ્તાક્ષર સાથે ફાંસીની સજા રોકવા માટે વિનંતી કરી હતી. આ સમયે સમગ્ર દેશવાસીઓની નજર ગાંધીજી પર ઠરી હતી. તેઓ તે સમયે આઝાદીની લડતના સૌથી મોટા નેતા હતા. તેઓ વાઇસરૉયને આ મુદ્દે સમજાવવાની ક્ષમતા ધરાવે છે તેવી અપેક્ષા દેશવાસીઓને હતી. પણ ગાંધીજી દ્વિધામાં હતાં.

તેઓ સશસ્ત્ર ક્રાંતિમાં માનતા આ યુવાનોને બચાવવા જિદ પર ઉતરે તો યુવાનોમાં ખોટો સંદેશ જવાનો ડર હતો. યુવા પેઢીમાં સશસ્ત્ર ક્રાંતિને પ્રોત્સાહન મળે અને સ્વતંત્ર્તા માટેનું આંદોલન ગેરમાર્ગે દોરાઈ જાય તેવી બીક તેમને હતી. તેઓ સત્ય અને અહિંસાના સિદ્ધાંતને છોડવા માગતા નહોતા. પરંતુ સાથેસાથે ગાંધીજીને લોકલાગણીની પણ ચિંતા હતા. જનજુવાળ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સાથે હતો. લોકો આ યુવાનોને ફાંસીની સજા ન થાય તેવું ઇચ્છતાં હતાં. આ ત્રણેય યુવા દેશભક્તોને બચાવવા પોતે કશું ન કર્યું તેવું લોકો ન સમજે ચિંતા ગાંધીજીને સતાવતી હતી. આ સ્થિતિમાં ગાંધીજીએ મધ્યમ માર્ગ અપનાવ્યો હોય તેવું લાગે છે.

ચોથી માર્ચ, 1931ના રોજ થયેલા ગાંધી-ઇર્વિન કરારમાં થયેલી સમજૂતીમાં તેમણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસીની સજાના મુદ્દાને દૂર રાખ્યો. લોકો એમ ઇચ્છતાં હતાં કે ઇર્વિન આ ત્રણેય યુવાનોને ફાંસીની સજા આપવાનો ચુકાદો રદ કરે તો જ ગાંધીજી તેમની સાથે સમજૂતી કરે. પણ ગાંધીજી માટે સત્ય અને અહિંસાનો સિદ્ધાંત સર્વોપરી હતો. તેઓ ઇચ્છતાં નહોતાં કે કોંગ્રેસ સશસ્ત્ર ક્રાંતિકારીઓ સાથે કોઈ પણ રીત જોડાય. એટલે તેમણે આ મુદ્દે વાઇસરૉય પર દબાણ ન કર્યું અને અહિંસાના સિદ્ધાંત સાથે કોંગ્રેસ કોઈ બાંધછોડ નહીં કરે તેવો સંદેશ કોંગ્રેસના કાર્યકર્તાઓને અને દેશના યુવાનોને આપ્યો. પણ તેમણે વાઇસરૉય સાથે આ મુદ્દે મૌખિક વાતચીત કરી ફાંસીની સજા થોડો સમય મોકૂફ રાખવાની વાત કરી હતી. (જુઓ ગાંધીજીનો વાઇસરૉયને પત્ર) આ પત્રમાં એક એક શબ્દ ધ્યાનપૂર્વક વાંચો તો જણાશે કે ગાંધીજીને તેમની સજા માફ કરાવવામાં બહુ રસ નહોતો તેવું લાગે છે, પણ લોકલાગણીને માન આપવા અને દેશમાં શાંતિ જાળવવા માફી બક્ષવાની અપીલ કરવામાં આવી હતી. એટલું જ નહીં જો એ શક્ય ન હોય તો તેમણે ફાંસીની સજા થોડો સમય મોકૂફ રાખવાની સલાહ વાઇસરૉયને આપી હતી. આ વાતની પુષ્ટિ વાઇસરૉય ઇર્વિને પોતે તેમના સંસ્મરણોમાં કરી છે.

ઇર્વિને પોતાના સંસ્મરણોમાં ગાંધીજી સાથે થયેલી વાતચીત વિશે જણાવ્યું છે કે ''ગાંધીએ ભગતસિંહના કેસનો ઉલ્લેખ કર્યો હતો.....તેમણે ફાંસીની સજામાં ફેરફાર કરવાની વાત કરી નહોતી. પણ વર્તમાન પરિસ્થિતિમાં થોડા સમય માટે સજાને સ્થગિત કરવાની વાત ચોક્કસ કરી હતી.'' ફાંસીની સજાના ચાર દિવસ અગાઉ 19 માર્ચના રોજ ઇર્વિન બહુ સ્પષ્ટપણે લખે છે કે ''ગાંધીએ કહ્યું કે આ નવયુવાનોને ફાંસીની સજા કરવામાં આવશે તો તેઓ રાષ્ટ્રીય શહીદ થઈ જશે અને વાતાવરણ ઉગ્ર બની જશે. ....ગાંધીએ કહ્યું કે તેમને બહુ ડર લાગે છે....મેં કહ્યું કે મને દુઃખ છે. ફક્ત ત્રણ વિકલ્પ શક્ય હતા. પહેલો, ફાંસીની સજા કરવામાં આવે. બીજો, તેને થોડો સમય ટાળવામાં આવે અને ત્રીજો, કોંગ્રેસનું કરાંચી અધિવેશન પૂર્ણ થઈ જાય ત્યાં સુધી ફાંસી અટકાવી દેવામાં આવે. પણ મેં આ કેસને પારખ્યો છે. હું નિર્ણય ફેરવી શકું તેમ નથી.''

ભગતસિંહની લોકપ્રિયતા વધતી જતી હતી. તેમને ફાંસીના માંચડે લટાકાવ્યાં પછી દેશમાં અશાંતિ ફેલાવવાનો જેટલો ડર ગાંધીજીને હતો તેના કરતાં પણ વધારે બીક અંગ્રેજ સરકારને હતી. આ કારણે જ અંગ્રેજોએ લાહોર સેન્ટ્લ જેલમાં તેમણે 24 માર્ચ, 1931ના રોજ સવારે સાત વાગે ફાંસી આપવાને બદલે 23 માર્ચ, 1931ના રોજ સાંજે સાત વાગે જ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીના માંચડે લટકાવી દીધા.....

ચલતે-ચલતેઃ ફાંસની સજાના બે કલાક અગાઉ ભગતસિંહને તેમના વકીલ પ્રાણનાથ મેહતા મળવાં આવ્યાં હતાં. મેહતાએ પૂછ્યું, ''ભગત, તું કેમ છે?'' ભગતસિંહે કહ્યું, ''હંમેશની જેમ ખુશ છું.'' મેહતાએ કહ્યું, ''તારી અંતિમ ઇચ્છા શું છે?'' ભગતસિંહે કહ્યું, ''ફરી આ જ માતૃભૂમિમાં જન્મ લેવા માગું છું જેથી તેના ચરણોમાં સેવા સમર્પિત કરી શકું.''

No comments: