Wednesday, March 10, 2010

એમ એફ હુસૈન, તસ્લિમા અને દંભી ધર્મનિરપેક્ષોની દોરંગી દુનિયા...


છેલ્લાં બે અઠવાડિયામાં બે ઘટનાઓ એવી બની જેમાં દંભી ધર્મનિરપેક્ષોના ચહેરા પરથી નકાબ ઉતરી ગયો. તમે આ બંને ઘટનાઓ પર થોડું મંથન કરશો તો ભારતમાં ધર્મનિરપેક્ષતાનો ઝંડો લઈને ફરતાં કથિત બુદ્ધિજીવીઓની વિકૃત માનસિકતાનો ચિતાર મળી જશે. સૌ પહેલાં દંભી ધર્મનિરપેક્ષોના મનપસંદ ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈન અર્થાત્ એમ એફ હુસૈનની વાત કરીએ.

હુસૈન મિયાએ છેવટે કતારની નાગરિકતા સ્વીકારી કરી લીધી અને ભારતનો પાસપોર્ટ સુપ્રત કરી દીધો. તેમણે કતારના રાજવંશે નાગરિકતાની ઓફર કરી હોવાનો ઘટસ્ફોટ ચેન્નાઈથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'એ કર્યો હતો. તેની જાણકારી મળતાં જ દેશભરમાં સ્વયંપ્રસ્થાપિત બુદ્ધિજીવીઓએ નિસાસા મૂકવાનું શરૂ કરી દીધું હતું. આ લોકો અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની દુહાઈ દઈ હુસૈનસાહેબને હેમખેમ ભારત પાછાં લઈ આવવાની વણમાગી સલાહ પણ સરકારને આપતાં હતાં. મુસ્લિમોની રીઝવવાની એક પણ તક જતી ન કરનાર મનુજીની સરકારે પણ હુસૈન મિયાને સ્વદેશ પાછાં ફરવાની વિનંતી કરી હતી. કેન્દ્ર સરકારે હુસૈન મિયાને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી હતી.

હવે આ જ સરકાર અને આ જ ધર્મનિરપેક્ષ બુદ્ધિધનોનું વલણ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારને જ લગતી એક બીજી ઘટનામાં કેવું હતું તે જુઓ. આ ઘટના બાંગ્લાદેશના બહાદુર કટ્ટર મુલ્લા-મૌલવીઓ જેનું શિર કલમ કરવાનો ફતવો બહાર પાડ્યો છે તે લેખિકા તસ્લિમા નસરિન સાથે સંબંધિત છે. વાત એમ છે કે તસ્લિમાએ વર્ષ 2007માં બુરખા પ્રથાનો વિરોધ કરતો એક લેખ લખ્યો હતો. કર્ણાટકના કન્નડ અખબાર 'પ્રભા'એ આ લેખનો કન્નડ અનુવાદ ગયા રવિવારે પ્રકાશિત કર્યો હતો. તેના વિરોધમાં કર્ણાટકના કટ્ટર મુસ્લિમોના ટોળેટોળાં અખબારની ઓફિસ પર તૂટી પડ્યાં. પેટ્રોલ બોંબ ફેક્યા. મન મૂકીને તોડફોડ કરી પણ અભિવ્યક્તિની આઝાદીનો ઝંડો લઈને ફરતાં કથિત ધર્મનિરપેક્ષ તત્વો ક્યાંય દેખાયા નહીં.

એટલું જ નહીં અભિવ્યક્તિની સ્વતંત્ર્તાના નામે હિંદુ દેવીઓના નગ્ન ચિત્રો દોરનાર હુસૈન મિયાને ભારતમાં સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપનાર મનુજીની સરકારે તસ્લિમાની અભિવ્યક્તિની સ્વતંત્ર્તાના મુદ્દે એક હરફ સુદ્ધાં ન ઉચ્ચાર્યો. કદાચ મુસ્લિમ મતબેંક નારાજ થઈ જવાની બીક લાગતી હશે. તમને જાણીને નવાઈ લાગશે કે કન્નડ અખબાર પ્રભામાં પ્રકાશિત થયેલા લેખ વિશે મુસ્લિમ મુલ્લા-કઠમુલ્લાઓને જાણકારી આપીને ઉશ્કેરનાર એક ઉર્દૂ દૈનિક 'સિયાસત' છે, જેની કર્ણાટક આવૃત્તિનું સંચાલન બીજું કોઈ નહીં પણ સોનિયા ગાંધીની ધર્મનિરપેક્ષ કોંગ્રેસના નેતા રોશન બેગ કરે છે.

(કુ)ચિત્રકાર હુસૈનને બચાવવા ચાર પગે થઈ જતાં ધર્મનિરપેક્ષો તસ્લિમાની બાબતે આગળ કેમ ન આવ્યાં? હુસૈનના પક્ષમાં ધર્મનિરપેક્ષોનું ચાર પગે થવું અને તસ્લીમાના મામલે ચૂપકીદી સેવવી, તેનો શું અર્થ છે? તમે વિચાર કરો કે હુસૈન મામલે હિંદુ સંગઠનોનો જંગલીઓનું ટોળું સમૂહ કહેનાર આ ધર્મનિરપેક્ષોની જમાત કન્નડ અખબાર પર હુમલો કરનાર કટ્ટર મુસ્લિમોના ટોળા વિશે એક હરફ સુદ્ધાં ઉચ્ચારતી નથી. દલિતો અને મુસ્લિમોના બચાવમાં ચાર પગે થઈ જનારા અને કથિત બુદ્ધિજીવીઓની જમાતમાં ગુજરાતમાં પણ નાનીસૂની નથી. છેલ્લાં થોડા સમયથી આવા (કુ)બુદ્ધિજીવીઓ અને તેમના ચમચા-ચમચીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે....

1 comment:

Chirag Panchal said...

ekdam sachot vaat ne ekdam saral sabdo ma kahi didhi, mast article che.