Friday, January 30, 2009

ગાંધીજીના હત્યારાઃ અલગારી ગોડસે ને રંગીન આપ્ટે

(મહાત્મા ગાંધી હત્યા કેસના આરોપીઓનો ગ્રૂપ ફોટો. તેમાં ઊભા રહેલા (ડાબેથી) શંકર કિસ્તૈયા, ગોપાલ ગોડસે, મદનલાલ પાહવા, દિગમ્બર બાગડે. બેઠેલા (ડાબેથી) નારાયણ આપ્ટે, વી ડી સાવરકર, નથુરામ ગોડસે, વિષ્ણુ કરકરે)

નમસ્તે ગાંધીજી! ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતાં આ બે પવિત્ર શબ્દો બોલી નથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીજીના નાજુક હાડપિંજર પર ત્રણ અચૂક ગોળીબાર કર્યાં હતા. ગોડસેને કેટલાંક ઇતિહાસકારો ભારતીય ઇતિહાસના સૌથી વધારે ધૃણિત ખલનાયકોમાંનો એક માને છે. પણ તે અર્ધસત્ય છે. ઇતિહાસની સાચી સમજ ધરાવતા માનવતાપ્રેમીઓએ તેને જેટલો ધિક્કાર્યો છે તેટલો જ પ્રેમ તેને વિભાજનવાદી વિકૃત માનસ ધરાવતા અને સત્તાભૂખ્યાં કોમવાદી રાજકારણીઓએ કર્યો છે. આજે પણ ગોડસેને પોતાનો આદર્શ માનતા અને ગાંધીજીની હત્યાને વાજબી ઠેરવતાં બુદ્ધિહીનોનો આ દેશમાં તૂટો નથી. ગાંધીજીની હત્યા કરવા બદલ ફાંસીની સજા પામેલા નથુરામ ગોડસે અને તેના સાથીદાર નારાયણ આપ્ટે વિપરીત સ્વભાવ ધરાવતા સાથીદારો હતા. ગોડસે ઝનૂની, જક્કી અને અલગારી હતો તો આપ્ટે તકવાદી, સૂરા અને સુંદરીઓનો શોખીન હતો. તેમનો મકસદ એક હતો-ગાંધીજીની હત્યા કરવાનો, પણ તેમની જીવન જીવવાની શૈલીમાં કોઈ જ સમાનતા નહોતી. એક પૂર્વ હતો તો બીજો પશ્ચિમ.

ગોડસે ઝનૂની અને ધુની હતો. પૂના શહેરમાં તે ત્રણ બાબતો માટે જાણીતો હતો-તેના રાજકારણ, તેની સાધુ જેવી રહેણીકરણી અને તેના કોફી તરફના લગાવ માટે. કોફી પીવા માટે તે માઇલો સુધી ચાલ્યો જતો. ગોડસેના પિતા પોસ્ટમેન હતા અને પંદર રૂપિયાના પગારમાં નોકરી કરતા હતા. તેમણે પોતાના દીકરામાં સનાતની બ્રાહ્મણના સંસ્કાર સીંચ્યા હતા. નથુરામને જનોઈ દેવામાં આવી, પછી તેમણે તેને ઋગ્વેદ અને ગીતા શીખવાની ફરજ પાડી હતી. બધા ચુસ્ત બ્રાહ્મણની જેમ તે શાકાહારી હતા. બ્રાહ્મણ સિવાય અન્ય કોઈ સાથે ભોજન લેતા નહીં. જમતાં પહેલાં તે સ્નાન કરીને ચોખ્ખાં ધોયેલાં કપડાં પહેરતા. તે કપડાં પણ એવી જગ્યાએ સૂકવવામાં આવતાં જ્યાં કોઈ ગધેડું, ભૂંડ કે રજસ્વલા સ્ત્રી તેને સ્પર્શી ન જાય. સારા બ્રાહ્મણની માફક તે જમણા હાથની આંગળીઓથી જ ખાતા અને જમતાં પહેલાં બ્રહ્માર્પણ માટે કોળિયા જુદા મૂકતા.

ગોડસે આ સનાતની વાતાવરણમાં ઉછર્યો હતો અને તેનામાં રહસ્યવાદનો રસ જાગૃત થયો। તેના કુટુંબને પુત્ર જિંદગીમાં અનેરી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે તેવું લાગતું હતું. પણ ગોડસે મોટો થયો ત્યારે તેવું કશું થયું નહીં. તે મેટ્રિકની પરીક્ષામાં અંગ્રેજીનીમાં નાપાસ થયો હતો એટલે યુનિવર્સિટીનું શિક્ષણ લઈ શક્યો નહીં. શાળા છોડ્યા પછી જુદી જુદી નોકરી કરતો રહ્યો. ફળો વેચવાથી માંડીને ટાયરો સાંધવા સુધીનાં જુદાં જુદાં કામ પર તેણે હાથ અજમાવ્યો હતો. અમેરિકન મિશનરીઓના એક જૂથે તેણે દરજીનું કામ શીખવ્યું હતું અને 1947 સુધી તે એ ધંધો જ કરતો હતો. પરંતુ તેને સાચો રસ રાજકારણમાં હતો અને સૌથી મોટી આશ્ચર્યની બાબત એ છે કે તે શરૂઆતમાં ગાંધીજીનો અનુયાયી બન્યો હતો.

તેણે સવિયન કાનૂનભંગ ચળવળમાં ભાગ લઈ પ્રથમ જેલયાત્રા કરી હતી। પણ તે પછી તેને ધીમેધીમે તેને ગાંધીજીનો વિચારોનો મોહભંગ થયો અને 1937માં તેણે ચિતપાવન બ્રાહ્મણ વીર સાવરકરને ગુરુ બનાવ્યાં હતા. તે સાવરકર સાથે આખા હિંદમાં ફર્યો હતો. તેમના આધિપત્ય હેઠળ તે ખીલી ઊઠ્યો હતો. સાવરકરના હિંદુત્વના વિચારોનો અભ્યાસ કરી ગોડસે સારો લેખક અને વક્તા બની ગયો હતો.

નારાયણ આપ્ટે તેના સાથીદાર નથુરામ ગોડસેની વિચારધારા કરતાં બિલકુલ વિપરીત હતી। આપ્ટે સામાજિક જીવડો હતો જ્યારે ગોડસે એકાકી જિંદગી પસંદ કરતો. તે પોતાની નૈતિકતામાં સહેજ પણ ચલિત થતો નહીં, જ્યારે આપ્ટે તકવાદી હતો. ગોડસે સંન્યાસી જેવો હતો. કોફી પીવા સિવાય તેને બીજી કોઈ લત નહોતી. તેન દરજીની દુકાનની સામેની એક ચાલમાં તે સાધુની જેમ રહેતો. તેમાં એક કાથીના ખાટલા સિવાય કંઈ નહોતું. જ્યારે આપ્ટે મોજથી જીવતો. તેને સુંદર વાનગીઓ અને વ્હીસ્કીના ઘૂંટ તરફ તેમજ જીવનના અન્ય વૈભવ-વિલાસમાં રસ હતો. તે ફોર્ડ ગાડીમાં જ ફરતો હતો. સાવરકરના પ્રભાવ હેઠળ ગોડસેને હિંદુ ધર્મની ધાર્મિકતામાંથી રસ ઊડી ગયો હતો, જ્યારે આપ્ટે મંદિરના દર્શને રોજ જતો. તેને જ્યોતિષ અને હસ્તરેખાઓમાં અપાર શ્રદ્ધા હતી.

આ બધાથી વિશેષ બંને વચ્ચે સ્ત્રીઓ તરફના વલણમાં મોટો ફરક હતો। આપ્ટેને કોઈ સ્ત્રીના સમાગમની તક મળી જાય તો તે છોડતો નહીં. તે પરણેલો હતો, પરંતુ તેનું પ્રથમ બાળક વિકૃત અંગોવાળું જન્મ્યું હતું એટલે તેને એવો વહેમ હતો કે તેની પત્ની પર કોઇની મેલી નજર પડી છે. પછી તેણે પત્ની સાથેના જાતીય સંબંધો બંધ કર્યા હતા, પણ તેનો બદલો તે બીજે વાળી લેતો. જ્યારે ગોડસેને સ્ત્રીઓ તરફ અણગમો હતો. પોતાની માતા સિવાય અન્ય કોઈ સ્ત્રીની હાજરી તેનાથી સહન થતી નહોતી. તે સૌથી મોટો પુત્ર હોવા છતાં લગ્ન કરવાનો ઇનકાર કરી ગૃહત્યાગ કરી દીધો હતો. 28 વર્ષે ગોડસેએ બ્રહ્મચર્યવ્રત લીધું હતું, પણ તે પહેલાં તેણે એક વખત જાતીય સંબંધ અનુભવ્યો હતો-સજાતીય સંબંધ. તેમાં ભાગીદાર તેના રાજકીય ગુરુ વીર સાવરકર થયા હતા.

3 comments:

Unknown said...

really informative...I really don't know 90 percent information of this article...bravo, keep it up...continue write informative piece

NIKHIL DARJI said...

નથુરામ ગોડસેના પુરા આર્ટીકલ માટે ફેબ્રુઆરી 2008નો પાના 13 પરનો આર્ટીકલ વાચી જવો

Nitin said...

કેયુરભાઇ "ગોડસેએ એક વખત જાતીય સંબંધ અનુભવ્યો હતો-સજાતીય સંબંધ. તેમાં ભાગીદાર તેના રાજકીય ગુરુ વીર સાવરકર થયા હતા." આ વાતનો ઉલ્લેખ બીજે કયાં જોવા મળશે.