Thursday, January 22, 2009

શૈલેશ ગાંધીઃ ગાંધીવાદીઓના ધોતિયા ઢીલા કરતો ગાંધીવાદી


સિદ્ધાંતોની વાત કરવી બહુ સરળ છે, પણ તેને જીવનમાં ઉતારવા બહુ અઘરાં છે. ગાંધીજીના સિદ્ધાંતો વિશે જાહેરમાં પ્રવચનો કરી કે અખબારોમાં ન સમજાય તેવી ગાંધીજી પરના લેખો લખી વાહ વાહ લૂંટનારા તો તમને અનેક મળી જશે પણ ખરેખર તેને જીવનમાં ઉતારનારા કેટલાં? જે લોકો ગાંધીજીના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતાર્યા હોવાનું એલાન કરતાં હતા તેઓ પણ હવે સમજી ગયા છે કે બાપૂના નીતિ-નિયમોને જીવનમાં ઉતારવા છપ્પનની છાતી જોઇએ, નહીં કે મુન્નાભાઈ જેવા મગતરાઓની.
પોતાના હંમેશા ગાંધીજીના પરમ ભક્ત તરીકે ઓળખાવતા શૈલેશ ગાંધી કેન્દ્રીય સૂચના પંચના કમિશનર નહોતાં બન્યાં તે પહેલાં તેમણે ગાડી, બંગલો જેવી કોઈ સરકારી સુવિધા નહીં લેવાનું અને પગાર પેટે માત્ર એક રૂપિયો ટોકન લેવાના બણગા ફૂંક્યા હતા. પણ આ મહાશય કમિશનર બન્યાં પછી તેમની જીવનશૈલી ગાંધીને બદલે નહેરું જેવું થઈ ગઈ છે. તેમના આ બદલાયેલા સ્વરૂપને જોઇને તેમના નામની ભલામણ કેન્દ્ર સરકારને કરનારા અણ્ણા હજારે જેવા સામાજિક કાર્યકર્તાઓના તો ધોતિયા ઢીલા થઈ ગયા છે.
વાત એમ છે કે, ગયા વર્ષે જુલાઈ મહિનામાં કેન્દ્રીય સૂચના પંચમાં સરકાર ચાર નવા કમિશનરોની નિમણૂંક કરવાની હતી. આ બાબતની જાણકારી પ્રાપ્ત થતાં સૂચના અધિકારના ક્ષેત્રમાં કાર્યરત લોકો સક્રિય થઈ ગયા. તેમનું માનવું હતું કે, સૂચના કમિશનરોનું વલણ સરકારના ટટ્ટુઓ જેવું હોવાથી રાઇટ ટૂ ઇન્ફોર્મેશન (માહિતીના અધિકાર)નો જોઇએ તેવો લાભ જનતા જનાર્દનને મળતો નથી. એટલે આ બધા સમાજના પહેરેદારોએ કેન્દ્ર સરકારને એક ચિઠ્ઠી લખી અને ચાર નામની ભલામણ કરી તેમાંથી કોઈ એકની કેન્દ્રીય સૂચના પંચના કમિશનર તરીકે નિમણૂંક કરવા વિનંતી કરી. આ ચારેમાંથી જેની નિમણૂંક થશે તેઓ એક પણ સરકારી લાભ નહીં લે અને દર મહિને માત્ર એક રૂપિયો ટોકન પગાર લેશે તેવું વચન પણ સમાજના રખેવાળોએ સરકારને આપ્યું હતું.
આ પત્ર અણ્ણા હજારે, અરવિંદ કેજરીવાલ અને સંદીપ પાંડે વગેરે સામાજિક કાર્યકરોએ વડાપ્રધાન મનમોહન સિંઘ, કોંગ્રેસના સર્વેસર્વા સોનિયા ગાંધી, વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી (આમ તો આડવાણી) અને રાજ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણને મોકવ્યો હતો. આ પત્ર વાંચીને વડાપ્રધાન સહિત બધા નેતાઓ તો રાજીના રેડ થઈ ગયા હતા. તેમને ખાતરી થઈ ગઈ હતી કે આપણે બાપૂના નિયમોનું પાલન કરીએ કે ના કરીએ પણ આ દેશમાં ગાંધીસિદ્ધાંતોને વરેલા લોકો હજુ પણ છે.
સરકારે સામાજિક કાર્યકતાઓએ સૂચવેલા ચાર નામમાંથી શૈલષ ગાંધીની ગયા વર્ષે 18મી સપ્ટેમ્બરે નિમણૂંક કરી દીધી. 62 વર્ષીય શૈલેષ બાબુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મુંબઈના સ્નાતક છે. થોડો સમયે તેમણે પોતાનો ઉદ્યોગ-ધંધો ચલાવ્યો, પણ પછી તેમને ગાંધીજીના જીવનકવનમાંથી સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના જાગી. ધંધાને રામરામ કરી દીધા અને માહિતી અધિકારના કાયદાની લડતમાં જોડાઈ ગયા. આ લડત દરમિયાન તેમની વાતોથી હજાર અને સંદીપ પાંડે અંજાઈ ગયા અને તેમણે સરકારને કેન્દ્રીય સૂચના પંચના કમિશનર બનાવવાની ભલામણ કરી. પણ અત્યારે શૈલેષ બાબુને સૂટબૂટમાં સરકારી ગાડીમાં ફરતાં જોઈ આ બધા મોંમા આંગળા નાંખી ગયા છે.
શૈલેષ બાબુ અત્યારે સરકારી બંગલામાં જ રહે છે. સરકારી ગાડીમાં જ શૈલુની ગાડી પોમ પોમ ચાલે છે. હા, તેમની પ્રામાણિકતા પર તો આપણને બધાને માન થવું જોઇએ. શૈલુએ પોતાના ગાંધીવાદી મિત્રોને ચિટ્ઠી લખીને જણાવ્યું છે કે, ''મિત્રો, મને માફ કરજો. મેં સરકારી બંગલા, પગાર જેવા કોઈ ફાયદા નહીં લેવાનું વચન આપ્યું હતું. હવે તેને જતું નહીં કરવાનો નિર્ણય લીધો છે. હું જાણું છું કે મારા આ કદમથી મારા કેટલાંક મિત્રો નિરાશ થશે, પણ વચન આપીને મેં મોટી ભૂલ કરી હતી અને હવે સરકારી ભાડા-ભથ્થાં લઇને તેને સુધારી રહ્યો છું.''
તેમના આ એકરારથી અણ્ણા હજારે તો સ્તબ્ધ થઈ ગયા છે. તેમને કદાચ થતું હશે કે,
હમકો અપનોને ભી લૂંટા, ગૈરો મેં કહાં દમ થા,
હમારી કિશ્તી ડૂબી વહાં જહાં પાની હી કમ થા.


હજારે પોતાની નિરાશા વ્યક્ત કરતાં કહે છે કે, ''તેમની પાસેથી બહુ આશા હતી. પણ તેમણે અમારા બધાનું સ્વપ્ન રોળાઈ ગયું છે. સવાલ એ છે કે, હવે લોકો ભરોસો કોના પર કરે?''

No comments: