Thursday, January 1, 2009

મેં કોઈ RESOLUTION નહીં લેવાનું RESOLUTION લીધું


RESOLUTION એટલે શું કરવું અને શું ન કરવું તેનો મક્કમ નિર્ધાર. ગ્રેગેરિયન કેલેન્ડરના નવા વર્ષની શરૂઆતમાં તમે શું ન કરવાનું નક્કી કર્યું તેવો પ્રશ્ન ગુજરાતી આવડતું હોવા છતાં પારકી મા અંગ્રેજીનું ધાવણ ધાવતા એક વ્યક્તિએ (મિત્ર નથી) મને પૂછ્યો. એટલે મેં તેને દરેક વ્યક્તિએ ગમે ત્યારે લેવા જેવું એક RESOLUTION સંભળાવી દીધું. આ RESOLUTION ગુજરાતી અને ઉર્દૂના એક ઉમદા શાયર આદિલ મન્સૂરીની એક સુંદર રચના છેઃ

ગર્વ ગૌરવ ગુમાન છોડી દે
તારા હોવાનું ભાન છોડી દે

ક્યાં કહું છું સ્વામાન છોડી દે
પણ અહંકારભાન છોડી દે

માન મોભે ને સ્થાન છોડી દે
દિલનું કહેવાનું માન છોડી દે

ધરતી ને આસ્માન છોડી દે
આ જગત છે સ્મશાન છોડી દે

તીર સાથે કમાન છોડી દે
તેં જે તાક્યાં નિશાન છોડી દે

દેહ સાથે જહાન છોડી દે
જીર્ણ જૂનાં મકાન છોડી દે

સર્વ વિધિવિધાન છોડી દે
કર્મથી સાવધાન છોડી દે

કેમ રાખે છે બાન છોડી દે
આખ્ખી દુનિયાના જાન છોડી દે

છુટ્ટી છોડી દે તારી નૌકાને
સઢ હલેસાં સુકાન છોડી દે

સાત આકાશ રહી ગયાં પાછળ
બસ હવે તો ઉડાન છોડી દે

મૌન મંજિલ પહોંચતાં પહેલાં
શબ્દ સૌ દરમિયાન છોડી દે

આ સુંદર રચના તેને સંભળાવી ત્યારે તે પોપટ હવામાં માથું ધુણાવતો હતો. પછી મેં તેને કહ્યું કે, આજ પછી કોઈ દિવસ મને RESOLUTIONનું પૂછતો નહીં, કારણ કે મેં કોઈ RESOLUTION નહીં લેવાનું RESOLUTION લીધું છે.

No comments: