Monday, January 12, 2009

આપો તો આટલું આપો રે !


રવીન્દ્રનાથ સાથે વાચનયાત્રા
સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી
કિંમતઃ રૂ. 30

મહેન્દ્ર મેઘાણી સંપાદિત પુસ્તકો એટલે સાહિત્યરસિકો માટે લગડી. ગુજરાતી વાચકોને રવીન્દ્રનાથના પદ્ય અને ગદ્યનો પરિચય મળી રહે તે માટે ઝવેરચંદ મેઘાણી, નગીનદાસ પારેખ, સુરેશ જોષી, જુગતરામ દવે, મહાદેવ દેસાઈ, કુન્દનિકા કાપડિયા જેવા વિવિધ લેખકોએ કરેલા એંશીએક અનુવાદો આ પુસ્તકોમાં રજૂ કરવામાં આવ્યાં છે. આ પુસ્તકનું આચમન કરનારને ગુજરાતીમાં પ્રાપ્ય રવીન્દ્રનાથનાં પુસ્તકોનું પાન કરવાની હોંશ થશે. નમૂના માટે રવીન્દ્રનાથની એક કવિતા અને એક લેખનો અનુવાદ રજૂ કર્યો છે.

આપો તો આટલું આપો રે !
ભીડું મારી ભાંગો એવી કંઈ
કે હું તો જાચના જાચું નહિ !
આપો તો આટલું આપો રે, (2)
કદી હું ભીડથી બીઉં નહિ !

દુઃખોની લાયમાં ટાઢક દઈ
દિલાસો ના દો તો કંઈ નહિ;
આપો તો આટલું આપો રે, (2)
દુઃખોને જીતું સહી લઈ.

તમે મને તારજો તારણહાર !
કે એવી જાચના જાચું નહિ;
આપો તો આટલું આપો રે, (2)
તરું પણ થાકે ના મારી દેહી !

ભાર મારો હળવો કરી દઈ,
દિલાસો ના દો તો કંઈ નહિ;
આપો તો આટલું આપો રે, (2)
બધોયે ભાર શકું હું વહી.

હશે જ્યારે સુખનો ઉજ્જવળ દિન,
લળી લળી નીરખીશ તારું વદન;
દુઃખની જ્યારે રાત થશે ને
ભૂલશે સકળ મહી;
તે વારે આટલું આપો રે,
આપો તો આટલું આપો રે,
તમો પર આસ્થા તૂટે નહિ !

અનુ. જુગતરામ દવે

* * * * *
કોઈ આપણા પ્રત્યે કશો અન્યાય ન કરે એવો નિયમ નથી

આપણા ઉપાસનાના મંત્રમાં આવે છે : સુખકરને નમસ્કાર, કલ્યાણકરને નમસ્કાર. પણ આપણે સુખકરને જ નમસ્કાર કરીએ છીએ, કલ્યાણકરને હંમેશા નમસ્કાર કરી શકતા નથી. કલ્યાણકર કંઈ કેવળ સુખકર જ નથી, તે દુઃખકર પણ છે. એટલે દુઃખભીરુ વેદનાકાતર આપણે દુઃખથી પોતાને બચાવવા માટે જાતજાતનાં આવરણ રચીએ છીએ. તેથી શું થાય છે? સત્યના પૂર્ણ સંસ્પર્શથી આપણે વંચિત રહીએ છીએ.

ધની વિલાસી લોકો બધી મહેનતથી પોતાને બચાવીને કેવળ આરામમાં મગ્ન રહે છે. એથી તેઓ પોતાને પાંગળા બનાવી દે છે, પોતાના હાથ-પગ ઉપર તેઓનો અધિકાર રહેતો નથી. જે બધી શક્તિઓ લઈને તેઓ પૃથ્વીમાં જન્મ્યા હતા, તે બધી કામના અભાવે પૂરો વિકાસ પામી શકતી નથી, ચીમળાઈ જાય છે, વિકૃત થઈ જાય છે.

પૃથ્વીમાં આવીને જે વ્યક્તિએ દુઃખ ન જોયું તેને ઈશ્વર તરફથી તેનો પૂરો હિસ્સો ન મળ્યો, તેનું ભાથું ઊણું રહી ગયું સમજવું.

જે માણસ મિત્રની પાસેથી કદી આઘાત પામતો નથી, માત્ર સ્નેહ-સન્માન જ પામે છે તે હતભાગી મિત્રતાના પૂરા આસ્વાદથી વંચિત રહે છે - મિત્રો તેના સંબંધમાં પૂરેપૂરા મિત્રો બની શકતા નથી.

જગતમાં આપણો આ દુઃખનો હિસ્સો સંપૂર્ણ ન્યાયસંગત હોય જ એમ બનતું નથી. જેને આપણે અન્યાય કહીએ છીએ, અનુચિત કહીએ છીએ, તેનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. અન્યાય અને અનુચિતનો પણ આપણે યોગ્ય રીતે સ્વીકાર કરી શકીએ, એવું આપણામાં સામર્થ્ય હોવું જોઈએ.

પૃથ્વીમાં આપણે ભાગે જે સુખ આવે છે તે પણ શું એકદમ બરાબર હિસાબસર આવે છે ? ઘણી વાર આપણે ગાંઠથી જે દામ ચૂકવીએ છીએ તેના કરતાં વધારે ખરીદ કરી બેસતા નથી ? પણ ત્યારે આપણે કદી એવો વિચાર નથી કરતા કે આપણે એને લાયક નથી। બધું જ ખાસ્સા અસંકોચપૂર્વક બથાવી પાડીએ છીએ ! શું દુઃખની વખતે જ માત્ર ન્યાય-અન્યાયનો હિસાબ મેળવવાનો ? બરાબર હિસાબસર આપણને કોઈ જ વસ્તુ મળતી નથી.

તેનું એક કારણ છે. ગ્રહણ અને વર્જનની મારફતે જ આપણા પ્રાણની ક્રિયા ચાલતી હોય છે. આપણા પ્રાણનો, આપણી બુદ્ધિનો, આપણા સૌંદર્યબોધનો, આપણી મંગલ પ્રવૃત્તિનો, ખરું જોતાં આપણી સમસ્તા શ્રેષ્ઠતાનો મૂળ ધર્મ જ એ છે કે તે માત્ર લેશે નહિ, ત્યાગ પણ કરશે.

સંસારમાં આપણને કેવળ ન્યાય હોય તો જ મળે, કોઈ આપણા પ્રત્યે કશો અન્યાય ન કરે એવો નિયમ નથી. સંસારમાં ન્યાયની સાથે અન્યાય ભળેલો હોય એ આપણા ચારિત્ર્યને માટે અત્યંત આવશ્યક છે. નિઃશ્વાસ-પ્રશ્વાસની ક્રિયાની પેઠે આપણા ચારિત્ર્યમાં એવી એક સ્વાભાવિક શક્તિ હોવી જોઈએ જેથી આપણે જે આપણું પ્રાપ્ય હોય તેટલું અનાયાસે ગ્રહણ કરીએ અને જે ત્યાજ્ય હોય તેટલું વિના ક્ષોભે ત્યાગી શકીએ.

આથી સમગ્ર મન-પ્રાણથી તૈયાર થાઓ - જેઓ સુખકર છે તેમને પ્રણામ કરો અને જેઓ દુઃખકર છે તેમને પણ પ્રણામ કરો - તો જે સ્વાસ્થ્ય મળશે, શક્તિ મળશે - જેઓ શિવ છે, જેઓ શિવતર છે તેમને જ પ્રણામ કર્યા ગણાશે.

અનુ. નગીનદાસ પારેખ

No comments: