આજે રાષ્ટ્રવીર સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે એટલે સવારે નવ વાગે ટાઉનહોલની સામે સ્થિત તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ હતો. એક તરફ બાળકો ગુલાબના ગોટા સ્વામીજીને અર્પણ કરતાં હતા તો બીજી તરફ તેમના જેટલી જ વયના અને કેટલાંક તેમનાં કરતાં કદાચ નાની વયનાં ભૂલકાં ભીખ માગતા હતા. તેમને તો કદાચ ખબર પણ નહોતી કે આ પ્રતિમા કયા મહાનુભવની છે. શાળાએ જવાને બદલે ભીખ માગવાની મજબૂરી !
દરરોજ રોડ પર ભીખ માગતા, વગર પૂછ્યે ગાડીના કાચ લૂછી તેના માલિકોની રહેમનજર મેળવવા માગતા, બૂટપોલિશની થેલી હાથમાં લઈ ઠેરઠેર ફરતાં સેંકડો બાળકો નજરે પડે છે। તેમને જોઈને તરત જ વિવેકાનંદના વચનામૃત યાદ આવે છે. તે કહેતાં કે, ''હિંદમાં હજારો માણસો ભૂખથી મરી રહ્યાં છે; લાખો ભૂખ્યા હિંદીઓ રોટી માટે પોકાર પાડી રહ્યાં છીએ. તેઓ આપણી પાસે રોટલો માગે છે, જ્યારે આપણે પાણાં આપીએ છીએ.''
હા, આપણે પાણાં આપીએ છીએ। લાચાર અને નિઃસહાય બાળકો એક રૂપિયાની આશાએ કારનો કાચ લૂછી આપે છે અને તેમાં ઇસ્ત્રીટાઇટ કપડાં પહેરી બેઠેલો કારનો માલિક તેને ન સંભળાય તેવી ગાળ આપે છે. તેને એક રૂપિયો ના દે તો કાંઈ નહીં પણ કમ-સે-કમ ગાળ ન સંભળાવે તો ન ચાલે? મજબૂરીનો શિકાર બનેલા આ બાળકો સુસભ્ય અને સંસ્કારી દેખાતા સ્વાર્થી સમાજની ગાળો ખાવા ટેવાઈ ગયા છે. તે તો આગળ જઈને બીજી કારનો કાચ લૂછવાં લાગે છે. તે એમ માનતો હશે કે ધનિકો અને સુખીસંપન્ન પરિવારોની આ જ સભ્યતા છે અને મોટેભાગે તે જ વાસ્તવિકતા છે.
હિંદુસ્તાનમાં ધાર્મિક નિર્દયોની કોઈ કમી નથી। ગુજરાત તેમાં પણ કદાચ નંબર વન છે. અહીં જેટલાં સંપ્રદાયો ફૂલ્યાં-ફાલ્યાં છે તેટલાં કદાચ કોઈ બીજા રાજ્યમાં જોવા નહીં મળે. છાશવારે કોઈ બાવો કે અમ્મા ગુજરાતમાં ધામા નાંખે છે અને તેમની પાછળ ઘેટાં દોડાદોડ કરે છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે ગુજરાતીઓ ધાર્મિક છે. પણ તે મહદ્ અંશે અધકચરી છે. ગુજરાતીઓ સ્વાર્થી ધાર્મિકો છે. તેમનો ધર્મ તો અર્થ અને રાજકારણ સાથે જોડાયેલો છે. મોટાભાગના ધાર્મિક ગુજરાતીઓ ધર્મને ખાતર ધર્મ કે માનવતા એ જ ધર્મને માનતા નથી, પણ પ્રસિદ્ધિ અને પોઝિશન અપાવે તે ધર્મ તેવી માન્યતા સાથે જ કોઈ સંપ્રદાયમાં ધામા નાંખે છે.
સ્વામી વિવેકાનંદના ધર્મનાં મૂળમાં રાષ્ટ્રનું ચિંતન હતું। તેઓ દેશમાંથી ગરીબી દૂર કરવા ધર્મને સાધન બનાવવા માગતા હતા. તેના બદલે આપણે ધર્મને સમાજમાં આપણી પહોંચ વધારવાનું માધ્યમ બનાવી દીધું. આપણા નેતાઓ ધર્મનો ઉપયોગ પોતાની ખુરશી ટકાવવા કરી રહ્યાં છે અને દિવસે ચોખ્ખાં ઘીની લાડુડી ખાતાં સાધુ-સંતો રાતે એર-કન્ડિશન્ડ ઓરડામાં રંગરેલિયા મનાવી રહ્યાં છે. રાજકારણીઓ અને ધાર્મિક આગેવાનો ધર્મના નામે બુદ્ધિહીન અને સ્વાર્થી પ્રજાને ઘેનમાં રાખી શોષણ કરી રહ્યાં છે.
વિવેકાનંદ કહેતાં કે, ''હિંદમાં જે પૂજારી પૈસા માટે ઉપદેશ કરે છે તે પોતાની જ્ઞાતિ ગુમાવે છે અને લોકો એના પર થૂંક છે।'' અત્યારે કદાચ વિવેકાનંદનો આત્મ રડતો હશે. તેમને થતું હશે કે તે કેટલાં ખોટા હતા. અત્યારે તો સાધુ-સંતો નિર્લજ્જ થઇને ઉઘરાણું કરી રહ્યાં છે, કુબેરની જેમ તેમના ભંડારો છલકાઈ રહ્યાં છે અને તેના પર થૂંકવાને બદલે લોકો તેમની ઘેરઘેર પધરામણી કરી રહ્યાં છે.
ક્યાં સ્વામી વિવેકાનંદનું તત્વચિંતન અને ક્યાં આજનાં ચોખ્ખી ઘી ખાઈને ખાઇબદેલા ભગવા વસ્ત્રોધારી દલાલોનો ધર્મ?
No comments:
Post a Comment