Tuesday, January 27, 2009

હૂં ગિરફતારે ઉલફતે સૈયાદ, વર્ના બાકી હૈ તાકતે પરવાઝ...


પ્રેમ એક એવું સુંદર દર્દ છે જેની પીડા સહેવાની પણ એક મજા છે. દુનિયાનો તે એકમાત્ર એવો રોગ છે જેની દવા દર્દ પોતે છે. પ્રેમમાં પડેલ પંખીને કાં તો દિલબરનો સાથ જોઇએ કાં પછી તેની યાદ જોઇએ. દિલબરની યાદ પીડા પણ આપે છે અને સાથેસાથે તેનું શમન પણ કરે છે. પીડા અને વિયોગ જ જેની દવા છે તેવા રોગનું નામ જ પ્રેમરોગ છે. પ્રેમની જાળ જ એવી છે જેમાંથી પ્રેમીઓ બહાર નીકળવાનું પસંદ કરતાં નથી. એટલે તો સમી સાંજે જ્યારે ફૂલ બીડાય છે ત્યારે મધુકર તેમાંથી બહાર નીકળવાને બદલે તેની બાહોમાં જ સમાઈ જઈ અંતિમ શ્વાસ લેવાનું પસંદ કરે છે. પ્રેમી સ્વૈચ્છિક બંદી છે જેને પ્રેમરૂપી કારાવાસમાં રહેવાનું ગમે છે. એટલે તો ગાલિબે કહ્યું છે કેઃ

હૂં ગિરફતારે ઉલફતે સૈયાદ,
વર્ના બાકી હૈ તાકતે પરવાઝ.
સૈયાદના માધ્યમ વડે ગાલિબે પ્રેમીઓની સ્વૈચ્છિક કારાવાસની માનસિકતા રજૂ કરી છે. તેઓ કહે છે કે, જેણે મને બંદી બનાવ્યો છે, જેણે મને ક્યારેય ન ભૂલાય તેવું દર્દ આપ્યું છે, યા ખુદા આ તો કેવી કસોટી છે કે અમે તેના જ પ્રેમમાં પાગલ થઈ ગયા છીએ, તેની જ નશીલી આંખોમાં ખોવાઈ ગયા છીએ. નહીંતર હજુ પણ મારામાં ઊડવાની શક્તિ બાકી છે. ગુલામીની જંજીરોમાં જકડાઈ રહેવું કોઇને ન ગમે, પણ પ્રેમ એક એવી અવસ્થા છે જેની જંજીરોને ફેંકવી કોઇને ન ગમે. પ્રેમીઓ ખુદાને આ બેડીઓ વધુને વધુ મજબૂત કરવાની બંદગી કરે છે, પ્રેમરસ વધુ ઘોળવાની ઇબાદત કરે છે.
સામાન્ય રીતે તમને જે બંદી બનાવે કે ગુલામ બનાવવા માગે તેના પ્રત્યે તમને ગુસ્સો ચઢે છે. તમને કોઈ રોગ થાય તો તમે તેને ધિક્કારો છો, તેમાંથી ઝડપથી છૂટકારો મેળવવા પ્રયાસ કરો છો, પણ પ્રેમ એવું પાગલપન છે જેમાં તમને બંદી બનાવનાર દિલબરનો સાથ ઝંખો છો. તેના દીદાર થાય તે માટે ખુદાને બંદગી કરો છો. મનોવિજ્ઞાન 'સ્ટોકહોમ સિન્ડ્રોમ' નામ ધરાવતી એક માનસિક અવસ્થા છે જેમાં મુક્ત થયેલી વ્યક્તિ અપહરણ કરનારની પ્રશંસા કરવા લાગે છે. પ્રેમીઓ પણ કદાચ આ જ માનસિક અવસ્થામાં આવી જતા હોય છે.
તેઓ તેમને પોતાની ઝુલ્ફોમાં કેદ કરનાર દિલબરના જ વખાણ કરવા લાગે છે. એવું નથી કે તેઓ તેમાંથી છૂટવા સમર્થ નથી. હકીકતમાં તેઓ પોતાની તમામ ક્ષમતાનો ઉપયોગ તેમાં જકડાઈ રહેવા જ કરે છે. તાકતે પરવાઝ (ઊડવાની કે બંદીગૃહમાંથી છૂટવાની શક્તિ)નો ઉપયોગ કર્યા વિના જ પ્રેમી પોતાના દિલબરને તાબે થઈ જાય છે.


No comments: