Thursday, January 1, 2009

મહેફિલ જામશે ને જામ છલકાશે...


થોડા દિવસ પહેલાં મારા 'દિલના નેક' (દિલના નેક બંદા બહુ ઓછા હોય છે, હા તેવા હોવાનો દેખાડો કરનારા તમને હજારો મળશે) મિત્ર દિવ્યેશ નાગરે એક સરપ્રાઇઝ આપી। તેણે મને કહ્યું કે 'મરીઝ'ની ગઝલો મને ગમે છે. તેની પાસેથી મને આ પ્રકારની અપેક્ષા નહોતી, પણ તેની પસંદગી જાણી મને ખૂબ જ આનંદ થયો. પછી તેણે મને મરીઝનો ગઝલો બ્લોગ પર મૂકવાનું કહ્યું, એટલે મારો આનંદ બેવડાયો. થયું, હાશ મારા બ્લોકની તે મુલાકાત તો લેશે. હુ..ર..રે..હા..હા..હા..હા ! તેના સૂચનથી નવા વર્ષની શરૂઆતથી 'મહેફિલ' શરૂ કરીએ છીએ જેમાં ક્યારેક આંખોમાં ખુશીના તો ક્યારેક ગમના આંસૂડા લાવી દેતી જુદી જુદી સુંદર ગઝલ રજૂ થશે. શરૂઆત દિવ્યેશના મનપસંદ શાયર મરીઝની એક સુંદર ગઝલથી કરીએ. હા, મને આવી સુંદર પ્રેરણા આપવા બદલ થેન્ક યુ દિવ્યેશ.........

વ્યસન હોવું જોઈએ...

મરીઝ

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,
કેવું અધૂરું એનું જીવન હોવું જોઈએ.

ફૂલોમાં કેમ શ્રેષ્ઠ છે ફૂલો કપાસના!
એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ.

મોઘમ હશે જો પ્રેમ તો તે પણ નહીં રહે,
ના માગજે કે સ્પષ્ટ સૂચન હોવું જોઈએ.

આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,
એવું કશું નથી કે વચન હોવું જોઈએ.

જીવનમાં લાખ ઘટના બને છે ભલે બને,
એમાંથી એક બેનું મનન હોવું જોઈએ.

કોઈ અગમ્ય ડરથી ઊપડતા નથી કદમ,
બસ આટલામાં એનું સદન હોવું જોઈએ.

આવું સરસ ન હોય વાતાવરણ કદી,
કોઈને સાથ તારું મિલન હોવું જોઈએ।

પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે,
જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.

આંસુ ઢળીને હોઠ પર આવી ગયા 'મરીઝ',
પીવાને માટે મારું રુદન હોવું જોઈએ.


No comments: