Thursday, January 29, 2009

સનથ જયસૂર્યા - શ્રીલંકાનો બુઢ્ઢો શેર


હિપ હિપ હુરે! ભારતીય ક્રિકેટ ટીમે નવા વર્ષની શરૂઆત જીત સાથે કરી. નસીબવાન અને ચહેરા પરથી જ પહેલવાન લાગતા ધોનીની ટીમે પહેલી વન-ડેમાં યજમાન શ્રીલંકા સામે છ વિકેટે વિજય મેળવી પાંચ વન-ડેની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. થોડા દિવસોના બ્રેક પછી મેચ જોવાનો વધુ આનંદ આવ્યો. ખાસ કરીને સનથ જયસૂર્યાની બેટિંગ જોવાની વધુ મજા પડી. પોતાના પુનરાગમન માટે ઝઝૂમતા એક ઘરડા સિંહના સંઘર્ષને જોવાનો લ્હાવો મળ્યો.
39 વર્ષ અને 212 દિવસની ઉંમરે વન-ડે ક્રિકેટમાં સદી મારનાર તે સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો. આ પહેલાં આ વિક્રમ જ્યોફ બોયકોટના નામે હતો. તેણે 39 વર્ષ અને 51 દિવસની ઉંમરે ઓસ્ટ્રેલિયા સામે વર્ષ 1979માં 105 રન ફટકાર્યા હતા. ભારતમાં સૌથી મોટી ઉંમરે વન-ડે ક્રિકેટમાં સદી ફટકારવાનો વિક્રમ સુનિલ ગાવસ્કરના નામે છે.
'લિટલ માસ્ટર' તરીકે જાણીતા સુનિલે 38 વર્ષ અને 113 દિવસની ઉંમરે ન્યુઝીલેન્ડ સામે 103 રન ફટકાર્યા હતા. તે તેની વન-ડે ક્રિકેટ કારકિર્દીની પ્રથમ સદી હતી. પોતાની કારકિર્દીની અંતિમ ચરણમાં પહોંચેલા સુનિલ ગાવસ્કરને એક જ ઇચ્છા હતી કે સંન્યાસ લે તે પહેલાં વન-ડે ક્રિકેટમાં એક સદી ફટકારવી અને તે ઇચ્છા ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પૂરી થઈ ગઈ. 1987ના રીલાયન્સ વિશ્વકપની તે મેચ હતી જેનું આયોજન ભારત અને પાકિસ્તાને સંયુક્તપણે કર્યું હતું. આ મેચમાં સુનિલની પહેલી વન-ડે સદી અને ચેતન શર્માની હેટ્રિકના કારણે યાદગાર બની ગઈ છે. તેમાં ચેતન શર્માએ ન્યુઝીલેન્ડના ત્રણ બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા હતા.
ખેર, આપણે જયસૂર્યાની વાત કરીએ. તેણે આ વન-ડેમાં 13,000 રન પણ પૂર્ણ કર્યાં. આવી સિદ્ધ મેળવનાર વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન છે. તેની પહેલાં આ સિદ્ધિ સચિને મેળવી છે. જયસૂર્યા ફિનિક્સ પંખી જેવો છે. 1989થી ક્રિકેટમાં પા પા પગલી માંડનાર આ ક્રિકેટરને સફળતાના શિખરો સર કરવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. 1996થી સુધી તો ક્રિકેટની સામાન્ય જાણકારી ધરાવતા લોકો તેનું નામ પણ જાણતા નહોતા, પણ તે વર્ષે ભારત-પાકિસ્તાન-શ્રીલંકામાં સંયુક્તપણે રમાયેલા વિશ્વકપમાં તેણે પહેલી 15 ઓવર રીસ્ટ્રિક્ટેડ ફિલ્ડિંગની ગોઠવણીવાળી ઓવરમાં તેણે ધુંઆધાર બેટિંગનું પ્રદર્શન કરી અનેક સારા બોલરોને ધોળે દિવસે તારા દેખાડી દીધા.
આ બોલરોમાં આપણો મનોજ પ્રભાકર પણ સામેલ હતો. નવી દિલ્હીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વિશ્વકપની લીગ મેચ રમાઈ હતી. તેમાં જયસૂર્યાએ મનોજ પ્રભાકરની એવી ધોલાઈ કરી કે તે ફાસ્ટર બોલરમાંથી સ્પીનર થઈ ગયો હતો. આ રીતે પ્રભાકરની કારકિર્દી પૂરી કરવાની શરૂઆત જયસૂર્યાએ કરી હતી.
જયસૂર્યાના વળતા પાણી વર્ષ 2004 પછી શરૂ થયા હતા. બધાને એમ લાગતું હતું કે તેની કારકિર્દી પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે. વર્ષ 2006માં તેણે સંન્યાસ પણ લઈ લીધો હતો. જોકે તેણે પોતાનો નિર્ણય ફેરવી ફરી ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તે પછી ફરી તેણે સારો દેખાવ કર્યો છે.
દંબુલાના દંગલમાં તેણે 28મી વન-ડે સદી ફટકારી છે. આ પહેલાં 27મી સદી તેણે ગયા વર્ષે ભારત સામે જ ફટકારી હતી. ભારત સામે રમવાનો તેણે કાયમ આનંદ ઉઠાવ્યો છે. તેણે વન-ડે કિક્રેટમાં સૌથી વધુ સદી અને સૌથી વધારે રન ભારત સામે જ બનાવ્યાં છે. તેની કારકિર્દીનો સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને અસ્ત થતો સૂર્ય હંમેશા વધુ ખીલે છે.
જયસૂર્યાએ ગઇકાલે 13,000 રન પૂર્ણ કર્યાં તો મુરલીએ વન-ડે ક્રિકેટમાં 500 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી. તેણે વન-ડે કિક્રેટ કારકિર્દીમાં કુલ 501 વિકેટ ઝડપી છે અને હવે તે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બનવાથી માત્ર બે પગલાં દૂર છે. આ વિક્રમ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસિમ અક્રમના નામે છે જેણે કુલ 502 વિકેટ ઝડપી છે. મુરલી બાકીની ચાર વન-ડેમાં આ સિદ્ધિ મેળવી લેશે તે નક્કી છે.

1 comment:

Ketan Rupera said...

...Ane mane yaad chhe tyan sudhi ae match Manoj Prabhakar ni chhelli one day match bani rahi hati!