Friday, January 2, 2009

કરી જ્યારે જ્યારે આ દુનિયાથી નેકી



રાજેશ વ્યાસ 'મિસ્કીન'

કરી જ્યારે જ્યારે આ દુનિયાથી નેકી,
અમે પણ પછી એને દરિયામાં ફેંકી.

ખરા મશ્કરા છે આ મિત્રો વિવેકી,
ખરા ટાંકણે નામ કાઢે છે ચેકી.

હજુ બાળપણનું એ તોફાની સપનું,
મને ચોરવા આવતું વાડ ઠેકી.

નથી કોઈ હોતું આ રણમાં છતાંયે,
પછી જોઉં તો જાઉં છું હુંય મહેકી.

અહીં માત્ર છે એક મૃત્યુ નિશ્ચિત,
છતાંયે રમે શ્વાસ એકી ને બેકી.

સ્મરણ બાળપણના સખાનું સહજ કૈં,
સુદામાની જેમ જ છે મિસ્કીન ટેકી.

1 comment:

its own business said...

arey jordar whaaalida maaajaa aavi gai