ગુજરાતી સાંભળીએ,
ગુજરાતી બોલીએ,
ગુજરાતી વાંચીએ,
ગુજરાતી લખીએ,
ગુજરાતી જીવીએ.
આ પંચશીલ સૂત્રોના પ્રણેતા વિપુલ કલ્યાણી એટલે ગુજરાતી માતૃભાષાના જતન માટે જીવતા અને જીવવાની પ્રેરણા આપતા વિદેશમાં વસતા સવાયા ગુજરાતી. વિલાયતની 'ગુજરાત સાહિત્ય અકાદમી'ના મહામંત્રી વિપુલ કલ્યાણી બ્રિટનમાં ગુજરાતી માસિક સામયિક 'ઓપિનિયન'ના તંત્રી છે. 'નિરીક્ષક' વિચારપત્રના તંત્રી પ્રકાશ ન શાહના ઘરે તેમની સાથે ગુજરાતી ભાષા અને સાહિત્ય પર થયેલી વાતચીતઃ
પંચશીલ સૂત્ર...
પાકિસ્તાનમાં 1980ના દાયકામાં મોહમ્મદ પીલાણી ગુજરાતી સામયિક 'મેમણ ન્યૂઝ' ચલાવતા હતા। તેઓ આર્થિક રીતે સદ્ધર હતા. સામયિકનું સંપાદકીય કામકાજ અન્ય કોઈ વ્યક્તિ સંભાળે પણ પીલાણને ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ પ્રેમ. તેઓ ક્યારેક-ક્યારેક સામયિકમાં લેખ પણ લખતા. એક વખત તેમણે તેમના લેખમાં 'ગુજરાતી વાંચીએ', 'ગુજરાતી સાંભળીએ' અને 'ગુજરાતી લખીએ' આ ત્રણ સૂત્રો આપ્યાં. મને તે ખૂબ પસંદ પડી ગયા. પણ તેમાં અમે થોડો સુધારો કર્યો. પીલાણી સાહેબના સૂત્રોમાં બીજા લોકોને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ રાખવાનું કહેવામાં આવતું પણ તેમાં વ્યક્તિએ પોતે ગુજરાતી ભાષા માટે કશું કરવાનું નહોતું. એટલે અમે તેમાં 'ગુજરાતી બોલીએ', 'ગુજરાતી જીવીએ'-એમ બે સૂત્ર જોડી દીધા. આ રીતે આ પંચશીલ સૂત્રનો જન્મ થયો.
મળી મળી મને માતૃભાષા ગુજરાતી...
ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે, આપણા વારસાની ભાષા છે। મારા બાપદાદાનું વતન જામનગર પણ મારો પ્રાથમિક અભ્યાસ જામખંભાળિયામાં. તે સમયે મારા શિક્ષક કાંતિભાઈ અને હેડમાસ્ટર એમ પી ભટ્ટે ગુજરાતી ભાષા પ્રત્યે મારી પ્રીત બાંધી. તમને કયા વિષયમાં રસ પડશે તેનો સૌથી મોટો આધાર તમારા પ્રાથમિક શિક્ષકો પર છે અને મને શિક્ષકો હંમેશા ઉત્તમ મળ્યાં છે. મેં ઉચ્ચ માધ્યમિક શિક્ષણનો અભ્યાસ પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયામાં મેરુ પર્વતની તળેટીમાં અરુસામાં કર્યો. ત્યાં મને રણજીત દેસાઈ અને બાલકૃષ્ણ દેસાઈ જેવા શિક્ષકો મળ્યાં જેમણે ગુજરાતી ભાષા પ્રત્યેના મારા પ્રેમમાં વૃદ્ધિ કરી. અત્યારે હું ગુજરાતી ભાષા પ્રત્યે જે કાંઈ ફરજ અદા કરું છું તે આ શિક્ષકોની દેણગી છે.
માતૃભાષા એટલે આત્મવિશ્વાસ...
કહેવાય છે કે, જે વ્યક્તિ પાસે પોતાની માતૃભાષાની સારી જાણકારી હોય તે અન્ય ભાષા સારી રીતે અને ઝડપથી શીખી શકે. માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની? માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. આ વાત અભ્યાસો પરથી સાબિત પણ થઈ છે.
ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતીઓમાં 1970ના દાયકામાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરતાં હતા. પણ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે જે બાળકને પોતાના માતૃભાષામાં શિક્ષણ મળે છે તે આગળ જતાં વધુ સારો અભ્યાસ કરી શકે છે. યુરોપીયન યુનિયનના દેશોના લોકો પણ પોતાના બાળકોને જર્મન, ફ્રેન્ચ જેવી પોતાની મૂળ ભાષામાં શિક્ષણ આપી રહ્યાં છે.
વીસમી સદીમાં ગુજરાતના ત્રણ જાણીતા સાક્ષર મહામાનવ ગાંધી, મોહમ્મદ અલી ઝીણા અને ટોચના સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ પોતાનો અભ્યાસ ગુજરાતીમાં કર્યો. આ ત્રણેયનું ગુજરાતી આલા દરજ્જાનું. અલબત્તા ઝીણાને પાછળથી ગુજરાતીનો મહાવરો છૂટી ગયો હતો. પણ કહેવાનો અર્થ એ છે કે, આ ત્રણેયનો પાયો માતૃભાષા ગુજરાતી હતો તેમ છતાં તેઓ અંગ્રેજીનાં સારામાં સારા જાણકાર હતા.
મનોચિકિત્સકોનું માનવું છે કે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા સારી રીતે સમજી શકે તે સરેરાશ ચારથી પાંચ ભાષા ઝડપથી શીખી શકે। માતૃભાષા આપણો વારસો છે અને તે આત્મવિશ્વાસ પ્રદાન કરે છે.
ગુજરાતી ભાષાનું ભવિષ્ય...
ગુજરાતી ભાષાના ભવિષ્ય વિશે કોઈ પણ ધારણા બાંધવી મુશ્કેલ છે, પણ તેનો આધાર ચોક્કસ વર્તમાન સ્થિતિ અને સંજોગો પર છે અને હાલની સ્થિતિ સારી નથી તે હકીકત છે। આપણે આપણી જ મા (માતૃભાષા)થી દૂર થઈ રહ્યાં છીએ. ગુજરાતમાં જ વસતા ગુજરાતીઓમાં અંગ્રેજી પ્રત્યેનો મોહ વધતો જાય છે. અહીં અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આપણા વેપારીઓ હવે હિસાબના ચોપડા પણ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં લખે છે. ગુજરાત સરકારનો વ્યવહાર સુદ્ધાં અંગ્રેજીમાં થાય છે. કહેવાનો અર્થ એ નથી કે તમારે અંગ્રેજી શીખવું ન જોઇએ. પણ મને નિરંજન ભગતનો એક વિચાર અત્યંત પસંદ છે જે દરેક ગુજરાતીએ પોતાના જીવનમાં ઉતારવો જોઇએઃ 'માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી'
ગુજરાત સરકારઃ ન દિશા, ન દૃષ્ટિ.....
ગુજરાત સરકારને તો અંગ્રેજીનું ઘેલું લાગ્યું હોય તેવું લાગે છે. આ સરકાર પાસે માતૃભાષાના સંવર્ધન માટે ન તો કોઈ દિશા છે ન કોઈ દૃષ્ટિ. હકીકતમાં રાજ્ય સરકારે વારસાની ભાષાના સંવર્ધન માટે યોગ્ય કદમ લેવા જોઇએ. તેના માટે ગુજરાતી સાક્ષરોને પ્રોત્સાહન આપવું જોઇએ.
વૈશ્વિકરણ અને પ્રાદેશિક ભાષાઓ.....
વૈશ્વિકરણે છેવાડાના માણસનો દાટ વાળ દીધો છે. તેમાં સામાન્ય માણસની કોઈ ચિંતા નથી. ચિંતા છે ધનિકો અને ઉદ્યોગપતિઓની. આપણે વાત ભાષાની કરીએ તો વૈશ્વિકરણે પ્રાદેશિક ભાષાના મૂળિયા હચમચાવી દીધા છે. કોઈ પણ ભાષાના મૂળમાં રોજગારી અને અર્થતંત્ર હોય છે. વૈશ્વિકરણમાં અંગ્રેજીનું પ્રભુત્વ વધતું જાય છે. રોજગારી અને અર્થતંત્ર અંગ્રેજી આધારિત છે. એટલે સ્વાભાવિક રીતે લોકોનો ઝુકાવ તેની તરફ વધી રહ્યો છે. પણ તેનો ભાગ માતૃભાષાઓ બની રહી છે. અધૂરામાં પૂરું આ માતૃભાષાઓને સરકાર અને અર્થતંત્રનું પીઠબળ રહ્યું નથી એટલે પડતાં પર પાટું. ગુજરાતની યુનિવર્સિટીઓ પણ અમેરિકન યુનિવર્સિટીઓનું આંધળું અનુકરણ કરી રહી છે અને ધનિકો તથા બિનનિવાસી ભારતીય (એનઆરઆઈ)ના સંતાનોની બની ગઈ છે.
બ્રિટનમાં ગુજરાતી ભાષા.....
કેન્દ્ર સબળ હશે તો પરિઘે કામ થશે। ગુજરાતમાં વસતા ગુજરાતીઓ પોતાની માતૃભાષાનું કેવું જતન કરે છે તેને આધારે વિદેશમાં ગુજરાતી ભાષાની દશા અને દિશા નક્કી થશે. બ્રિટનમાં પહેલી ગુજરાતી પ્રાથમિક શાળાની શરૂઆત વર્ષ 1964માં થઈ હતી. તે પછી 1990ના દાયકા સુધી ગુજરાતી શાળાઓની સંખ્યા વધતી જતી હતી. ત્યાં સુધી આ શાળાઓમાં એકાદ લાખ ગુજરાતીઓએ ગુજરાતી ભાષામાં જ શિક્ષણ લીધું હતું. પણ ધીમેધીમે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ત્યાં વસતા ગુજરાતીઓ પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું વધારે પસંદ કરી રહ્યાં છે.
બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અકાદમી.....
બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અકાદમીની શરૂઆત 12મી ફેબ્રુઆરી, 1977ના દિવસે થઈ હતી। તેને હવે ત્રણ દાયકા પૂરાં થઈ ગયા છે. અકાદમી અંતર્ગત ગુજરાતી ભાષાના સંવર્ધન માટે નિયમિતપણે કાર્યક્રમો યોજે છે. અમારી પાસે 60થી 70 કવિ-લેખકો છે જેમાં દીપક બારડોલીકર, અદમ ટંકારવી, યોગેશ પટેલ, બળવંત નાયક અત્યંત પ્રતિભાશાળી છે.
વર્તમાન ગુજરાતી સાહિત્ય.....
સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ બંનેમાં વાંચન ઘટ્યું હોય તેવું મને લાગે છે। સર્જકોમાં જોઇએ તેવી સજ્જતા વર્તાતી નથી। તેની પાછળ શિક્ષણનું કથળતું જતું સ્તર જવાબદાર છે. એક સમયે લોકશિક્ષકો અને મહાજનો ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપતાં હતા. લોકો સુધી ગુજરાતી સાહિત્યને પહોંચાડવાનું એક મિશન હતું, એક દૃષ્ટિ હતી, સમજણ હતી. આજે ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો પડકાર વધી રહ્યો છે. ગુજરાતી ભાષા માટે મિશનની ભાવના સાથે ગણ્યાં-ગાંઠ્યાં માણસો કામ કરે છે અને જે લોકો કમિશનથી કામ કરે છે તે પણ પોતાના કાર્ય પ્રત્યે વફાદાર નથી.
મહેન્દ્ર મેઘાણીઃ આશાનો દીપ.....
ગુજરાતી ભાષાના અંધકારમય ભવિષ્યમાં મહેન્દ્ર મેઘાણી આશાનો દીપ છે। તે ઠેરઠેર અત્યંત સફળ પુસ્તકમેળા યોજી ગુજરાતી ભાષાનો દીપ પ્રજ્જવલિત રાખવાનો ઉત્તમ પ્રયાસ કરી રહ્યાં છે. તેમના પુસ્તકમેળામાં ગુજરાતી ભાષામાં જ પ્રસિદ્ધ થયેલા પુસ્તકોનું વેચાણ થતું જોઇએ ત્યારે ગુજરાતી સાહિત્યની ચિંતા થોડી હળવી થઈ જાય છે.
મનપસંદ ગુજરાતી સાહિત્યકારો.....
ગાંધીજી, મનુભાઈ પંચોળી, ર। વ. દેસાઈ, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, ઉમાશંકર જોશી, ન્હાનાલાલ. મનુભાઈ પંચોળીની તમામ કૃતિઓ અને ઉમાશંકર જોશીની કવિતા બહુ ગમે. કવિતામાં ઊંડો રસ છે. દુઃખ છે કે અત્યારે કવિતા બનતી જ નથી.
સમકાલીન મનપસંદ ગુજરાતી સર્જકો.....
ગુજરાતી ડાયસ્પોરાના વલ્લભી નાઢા, દીપક બારડોલીકર, કૃષ્ણ આદિત્ય વગેરે। ઉપરાંત પન્ના નાયક અને રાજેન્દ્ર પટેલના સર્જનો પણ વાંચવા ગમે છે. મનોજ જોશીના સર્જનો મીઠા લાગે છે.
ઉમાશંકર જોશી અને ઝવેરચંદ મેઘાણીની કૃતિનો વિરોધ કરનારા.....
ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીએ ઉમાશંકર જોશી અને ઝવેરચંદ મેઘાણીની કૃતિઓમાં દલિતવર્ગ માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ થયો હોવાથી તેને અભ્યાસક્રમમાંથી દૂર કરી છે તેવું સાંભળ્યું ત્યારે ખરેખર દુઃખ થાય છે। આ મહાન સાહિત્યકારોનું સાહિત્ય તત્કાલિન સમાજનું પ્રતિબિંબ રજૂ કરે છે. સાહિત્યકારો સમાજની સુંદરતા અને તેના બિભત્સ ચિત્રની સાચા સ્વરૂપે રજૂઆત કરી છે. મને તો આ વિવાદની ફિલસૂફી સમજાતી નથી. મને એવું લાગે છે કે આ વિરોધ નબળા કેળવણીકારોની ખોટી કૂદાકૂદ છે. હકીકતમાં આ કૃતિઓને અભ્યાસક્રમમાંથી દૂર કરવાને બદલે તેમાંથી સારું કે નરસું શું ગ્રહણ કરવું તેનો નિર્ણય યુવાન વિદ્યાર્થીઓ પર છોડી દેવો જોઇએ.
ગાંધીજીના લખાણોના કોપીરાઈટ અને તેની સાથે ચેડાં થવાની શક્યતા...
'ગાંધીકથા'નો દીપ પ્રજ્જવલિત કરતાં નારાયણ દેસાઈએ ગાંધીજીના લખાણોનો વ્યાવસાયિક ઉદ્દેશ માટે જ ઉપયોગ થવાના જોખમ પર એક-બે દિવસ પહેલાં જ ચિંતા વ્યક્ત કરી છે। થોડા દિવસ પહેલાં જાણીતા ઇતિહાસકાર રીઝવાન કાદરીએ ગાંધીજીની આત્મકથામાં નવજીવન પ્રકાશને ફેરફાર કર્યા હોવાની ફરિયાદ કરી છે। ગાંધીજીના કોપીરાઇટ હવે પૂર્ણ થઈ ગયા છે અને કોઈ પણ પ્રકાશક તેને પ્રકાશિત કરવા સ્વતંત્ર હોવાથી 'ગાંધીજીના અક્ષરદેહ' સાથે ચેડાં થવાની ચિંતા વધારે છે। થોડા વર્ષ પહેલાં તેની સાથે ચેડાં પણ થયા છે। કેન્દ્ર સરકારે ગાંધીજીના અક્ષરદેહનું હિંદી અને અંગ્રેજીમાં પુનર્મુદ્રણ કર્યું ત્યારે તેમાંથી અમુક ભાગ દૂર કરવાની ફરિયાદો થઈ હતી. તે સમયે સરકારે નારાયણ દેસાઈ સહિત અગ્રણી ગાંધીજનોની એક સમિતિ રચી હતી. પણ તે પછી કંઈ થયું નહોતું. ખરેખર સરકારે આ અક્ષરદેહને મૂળ સ્વરૂપે ફરી પ્રકાશિત કરી પોતાની ભૂલ સુધારી લેવી જોઇએ.
સાહિત્ય સમાજનું દર્પણ.....
સાહિત્ય સમાજનું દર્પણ છે. સાહિત્યકારો સમાજની વર્તમાન સ્થિતિનો ચિતાર આપે છે. સાહિત્ય અને સમાજ વચ્ચે બહુ મોટો અને ગાઢ સંબંધ છે. સમાજને સુસંગત રાખવાની જવાબદારી સાહિત્યકારોની છે અને તેમાંથી રામાયણ અને મહાભારત જેવા આદિગ્રંથોનું સર્જન થયું છે.