Wednesday, December 31, 2008

CATCHY POLITICAL SLOGANS


ભારતમાં લોકશાહી એટલે શું? છેલ્લાં કેટલાંક વર્ષોથી તે માત્ર બહુમતી મેળવવાની અને યેન-કેન પ્રકારે સત્તા મેળવવાની રમત છે। અબ્રાહમ લિંકને લોકશાહીને લોકોની, લોકો માટે અને લોકો દ્વ્રારા ચાલતી શાસનવ્યવસ્થા ગણાવી હતી, પણ અફસોસ ભારતમાં તે શાસકોની, શાસકોના વંશજો માટેની અને પ્રજાને માથે પડેલા શાસકોના ફરજંદો દ્વારા ચાલતી રાજ્ય વ્યવસ્થા થઈ ગઈ છે. અહીં અત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા રાજકીય પક્ષોનું એકમાત્ર ધ્યેય સત્તા છે અને સત્તા મેળવવાનો પાયાનો એકમ સામાન્ય નાગરિકનો મત છે. આ મત મેળવવા રાજકીય નેતાઓ દરરોજ નીતનવું તરકટ રચે છે અને નવો સ્વાંગ સજે છે.

મત મેળવવા માટે રાજકીય પક્ષોનું સૌથી અસરકારક હથિયાર કયું? રાજકીય સૂત્રો. લોકોની રાજકીય માન્યતાઓને મજબૂત કરવામાં આકર્ષક રાજકીય સૂત્રો (catchy political slogans) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં પણ ફિલ્મરસિક ભારતીય પ્રજા પર તો આ પ્રકારના સૂત્રો જાદુઈ અસર કરે છે. જેમ હિન્દી ફિલ્મ ઉદ્યોગની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ 'શોલે'નો એક ડાયલોગ 'અરે ઓ કાલિયા, કિતને આદમી થે?' લોકજીભે ચડી ગયો છે તેમ રાજકીય પક્ષોએ પોતાનો સ્વાર્થ સાધવા સમયે-સમયે વહેતા મૂકેલા સૂત્રોએ પ્રજામાં અત્યંત લોકપ્રિય બન્યાં હતા. દેશના જાણીતા મેગેઝિન 'ઇન્ડિયા ટુડે'એ પોતાના '33rd ANNIVERSARY SPECIAL ISSUE'માં સ્વતંત્ર ભારતમાં સૌથી વધારે જાણીતા થયેલાં દસ રાજકીય સૂત્રો આપ્યાં છે. તેમાંથી કોઈ જનતા જનાર્દનનું મન જીતવા સફળ રહ્યાં તો કોઈને પોતાનું ધ્યેય પાર પાડવામાં ધોબીપછાડ મળી હતી.

''ઓછું બોલો ને કામ વધુ કરો''
ઇન્દિરા ગાંધી પહેલી વખત 1966માં વડાપ્રધાન બન્યાં ત્યારે તેમણે આ સૂત્ર વહેતું મૂક્યું હતું। તે સમયે તેઓ કોંગ્રેસના વડીલ નેતાઓમાં ગૂંગી ગુડિયા તરીકે જાણીતા હતા, પરંતુ તેમણે કોંગ્રેસના વડીલ નેતાઓને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા. મોરારજી દેસાઈ, કામરાજ, જયપ્રકાશ નારાયણ જેવા વડીલ નેતાઓ તેમના રાજકીય કાવાદાવા જોઈ મોંમા આંગળા નાંખી ગયા હતા. ઓછું બોલો અને કામ વધુ કરો હકીકતમાં તેમનો જીવનમંત્ર હતો. જ્યાં એક શબ્દથી કામ પતી જતું હોય ત્યાં વધારે શબ્દોનો ઉપયોગ ન કરવાની કળા તેમની પાસેથી દરેકે શીખવા જેવી છે.

''ઇન્દિરા હટાવો દેશ બચાવો''
ઇન્દિરા ગાંધીએ કટોકટી હટાવીને ચૂંટણીઓ જાહેર કરી ત્યારે 1977માં જયપ્રકાશ નારાયણે આ સૂત્ર આપ્યું હતું અને કટોકટી પછી કોંગ્રેસવિરોધી રાજકારણીઓએ મીઠું-મરચું ભભરાવી કટોકટીની અસર વિશે જે સાચી-ખોટી માહિતીનો ધોધ વરસાવ્યો હતો તેનાથી ભરમાયેલી પ્રજાના ભ્રમમાં આ સૂત્રે વધારો કર્યો હતો અને ઇન્દિરા ગાંધીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

''એક શેરની, સો લંગૂર, ચિકમગલુર, ચિકમગલુર''
1978માં યોજાયેલી પેટાચૂંટણીમાં ઇન્દિરા ગાંધી દેવરાજ ઉર્સે ચિકમગલુરના લોકોને આ સૂત્ર આપ્યું હતું જેમાં મોરારજી દેસાઈના નેતૃત્વમાં એકત્ર થયેલા શંભુમેળામાં ભેગા થયેલા વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને તેમણે લંગૂર કહ્યાં હતા અને ઇન્દિરા ગાંધીને સિંહણ ગણાવ્યાં હતા.

''દલિત-મુસ્લિમ ભાઈ ભાઈ''
મંડલ પંચે 1981માં આ સૂત્ર આપ્યું હતું, જેનો ઉપયોગ કેસરિયા બ્રિગેડ આજે પણ કરે છે.

''જબ તક સુરજ ચાંદ રહેગા, ઇન્દિરા તેરા નામ રહેગા''
ઇન્દિરા ગાંધીની 1984માં હત્યા થયા પછી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે આ નારો આપ્યો હતો જેના કારણે ઇન્દિરા ગાંધીની હત્યાના કારણે લોકોમાં રાજીવ ગાંધી પ્રત્યે ઊભી થયેલી લાગણીમાં ઊભરો આવ્યો હતો અને કોંગ્રેસનો લોકસભાની 400 કરતાં વધારે બેઠકો પર વિજય થયો હતો.

''હમ સૌગંધ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાયેંગે
રામના નામે જનતાની છેતરપિંડી કરી સત્તાના સૂત્રો હસ્તગત કરવા ભાજપે આ પ્રતિજ્ઞા 1989માં લીધી હતી। તે પછી ભાજપ દેશનો બીજો મોટો રાજકીય પક્ષ બની ગયો અને રામભક્તો રામમંદિર બનવાની રાહ જોતાં રહ્યાં. રામમંદિર માટે રથયાત્રા કાઢી નાયબ વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચી જનાર અડવાણી હવે બાબરી ઢાંચાનું પતન થયું તે દિવસને પોતાના જીવનનો સૌથી કમનસીબ દિવસ ગણાવે છે. બિચારા રામભક્તો!

''બારી, બારી, સબ કી બારી, અબ કી બારી, અટલ બિહારી''
ભાજપે 1996ની સામાન્ય ચૂંટણીઓમાં લખનૌની રેલીમાં આ નારો આપ્યો હતો અને અટલ બિહારી વાજપેયીને વડાપ્રધાન બનવાની એક તક આપવા જનતા જનાર્દનને અપીલ કરી હતી। તે ચૂંટણીઓમાં તો ભાજપને દિલ્હીની ગાદી સર કરવાનો મેળ ન પડ્યો, પણ 1998 અને 1999ની સામાન્ય ચૂંટણીઓ પછી બે વખત વાજપેયી વડાપ્રધાન થયા. ત્યારબાદ સામાન્ય જનતાને સમજાયું કે આ તો મોટી ભૂલ થઈ ગઈ. જનતાની આ લાગણી લોકસભામાં રજૂ કરતાં લાલૂપ્રસાદ યાદવે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ''જવાહરલાલ નહેરુએ એક વખત કહ્યું હતું કે, અટલ એક વખત ભારતના વડાપ્રધાન જરૂર બનશે. હવે તો તે બે-બે વખત વડાપ્રધાન બની ગયા છે, મહેરબાની કરીને હવે તો આ દેશની જનતાને છૂટકારો આપે.'' અને 2004માં જનતાએ જ છૂટકારો મેળવી લીધો.

''જાત પર ના પાત પર, મોહર લગેગી હાથ પર''
આ સૂત્ર પી વી નરસિંહરાવે 1996ની સામાન્ય ચૂંટણીઓમાં આપ્યો હતો, પણ બિગબુલ હર્ષદ મહેતાનું શેરબજારનું કૌભાંડ, ઝારમુખ મુક્તિ મોરચાનું કૌભાંડ, સુખરામનું ટેલીકોમ કૌભાંડ જેવા ગોટાળામાં કોંગ્રેસનું કોકડું વળી ગયું હતું.

''ઇન્ડિયા શાઇનિંગ''
વર્ષ 2003ના અંતે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભામાં વિજય થતાં ભાજપના નેતાઓ વધુ પડતા છકી ગયા હતા અને હવે તો આખું ભારત અમારી મુઠ્ઠીમાં જ છે તેવા વહેમમાં આવી ગયા હતા. આ કારણે તેમણે વર્ષ 2004માં સામાન્ય ચૂંટણીઓ વહેલી કરાવી અને પ્રમોદ મહાજને આ સૂત્ર વહેતું કર્યું હતું. પણ જનતા સમજી ગઈ હતી કે છેલ્લાં પાંચ વર્ષમાં ભારત કરતાં ભાજપના નેતાઓની આર્થિક સ્થિતિમાં સુધારો વધારે થયો છે. સંપૂર્ણપણે બહુમતી મેળવવાનો દાવો કરતાં ભાજપને ધોબીપછાડ મળી હતી.

1 comment:

Anonymous said...

Wish You a very Happy and prosperous New Year!

Team Admin,
BLOGKUT