Friday, December 26, 2008

સંપૂર્ણ જન ગણ મન... રાષ્ટ્રગાન અને તેનો વિવાદ


97 વર્ષ પહેલાં એટલે કે 27 ડીસેમ્બર, 1911ના રોજ કલકત્તા ખાતે યોજાયેલા કોંગ્રેસ મહાસભાના વાર્ષિક અધિવેશનમાં પહેલી વખત હિંદુસ્તાનના રાષ્ટ્રગાન જન ગણ મન॥નું ગાન થયું હતું। ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે મૂળ બંગાળમાં રચેલું આ રાષ્ટ્રગાન સામાન્ય રીતે સંક્ષિપ્તમાં ગવાય છે અને મોટેભાગે આપણે તેને જ અનુસરીએ છીએ। આપણે જે પદનો ગાન કરીએ છીએ તે નીચે મુજબ છેઃ

જન ગણ મન અધિનાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા,
દ્રાવિડ, ઉત્કલ બંગ,
વિન્ધ્ય, હિમાચલ, યમુના, ગંગા,
ઉચ્છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે
તવ શુભ આશિષ માગે
ગાહે તવ જય ગાથા
જન ગણ મંગલ દાયક જય હે
ભારતભાગ્ય વિધાતા
જય હે, જય હે, જય હે
જય જય જય જય હે.

હવે તેના બાકીના પદ જાણીએઃ

પતન-અભ્યુદય-વન્ધુર-પંથા,
યુગયુગ ધાવિત યાત્રી,
હે ચિર-સારથી,
તવ રથ ચક્રેમુખરિત પથ દિન-રાત્રિ,
દારુણ વિપ્લવ-માઝે
તવ શંખધ્વનિ બાઝે,
સંકટ-દુઃખ-શ્રાતા,
જન-ગણ-પથ-પરિચાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે।

ઘોર-તિમિર-ઘન-નિવિડ-નિશીથ,
પીડિત-મૂર્ચ્છિત-દેશે,
જાગ્રત દિલ તવ અવિચલ મંગલ,
નત નત-નયને અનિમેષે,
દુઃસ્વપ્ન આતંકે,
રક્ષા કરિજે અંકે,
સ્નેહમયી તુમિ માતા,
જન-ગણ-દુઃખત્રાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે।

રાત્રિ પ્રભાતિલ ઉદિલ રવિચ્છવિ.
પૂરબ-ઉદય-ગિરિ-ભાલે, સાહે વિહન્ગમ, પૂણ્ય સમીરણ
નવ-જીવન-રસ ઢાલે,
તવ કરુણારુણ-રાગે
નિદ્રિત ભારત જાગે
તવ ચરણે નત માથા,
જય જય જય રાજેશ્વર જય હો,
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે।

સ્વતંત્ર ભારતના રાષ્ટ્રગાન તરીકે જન ગણ મન...શું યોગ્ય છે? આ પ્રશ્નને લઇને આજે પણ દેશના બૌદ્ધિકો એકમત નથી। જ્યારે આ ગીતની રચના થઈ ત્યારે બ્રિટનના શહેનશાહ જ્યોર્જ પંચમ ભારતના પ્રવાસે આવ્યા હતા અને ગુરુદેવે આ ગાન તેમની સ્તુતિમાં લખ્યું હોવાનું મનાય છે. કોંગ્રેસ મહાસભાએ સન 1911માં કલકત્તામાં યોજાયેલા છવ્વીસમા અધિવેશનમાં તેનું પહેલી વખત ગાન કર્યું. આ જ અધિવેશનમાં મહાસભાએ શહેનશાહને આવકાર આપતા અને તેમનો આભાર માનતા ઠરાવ પણ પસાર કર્યા હતા જેના લીધે ઉપરોક્ત માન્યતા વધુ દ્રઢ બની હતી.

આ ઠરાવો શું કહે છે તે જાણીએઃ

''શહેનશાહને આવકાર-નામદાર શહેનશાહની રાજગાદીને તથા વ્યક્તિ તરીકે તેમને અને મહારાણીને આ મહાસભા પોતાની નમ્ર ફરજ તરીકે માનપૂર્વક આવકાર આપે છે અને આશા રાખે છે કે, હિંદની તેમની મુલાકાતથી આ દેશને કાયમનો લાભ થશે।''

''બંગભગ-નામદાર શહેનશાહે કૃપાવંત થઈને બંગાળના ભાગલામાં સુધારો જાહેર કર્યો છે તે માટે મહાસભા તેમનો ખૂબ ભાવ અને નમ્રતાપૂર્વક આભાર માને છે. હિંદી સરકારે તેની ભલામણ કરી અને હિંદી વજીરે તે મંજર રાખી તે માટે મહાસભા તેમનો પણ આભાર માને છે. આ પગલાથી દેશમાં શાંતિ સ્થાપવાના કામમાં ખૂબ મદદ થશે અને નામદાર લોર્ડ હાર્ડિંજ અને લોર્ડ ક્રૂનાં નામો, આ સમાધાનભરી નીતિ માટે, હિંદી પ્રજા સદા યાદ કરશે.''
(સ્રોતઃ ગૂજરાત વિદ્યાપીઠ પ્રકાશિત વિઠ્ઠલદાસ મગનલાલ કોઠારી સંપાદિત 'મહાસભાના ઠરાવો')

કોંગ્રેસ મહાસભાના આ ઠરાવોને કારણે જન ગણ મન..ની રચના શહેનશાહના ગુણગાન ગાવા માટે ગુરુદેવે કરી હશે તે વાતને તત્કાલિન વર્તમાનપત્રોએ પણ પુષ્ટિ આપી હતી. 28મી ડીસેમ્બર, 1911ના અંકમાં 'સ્ટેટ્સમેન'એ લખ્યું હતું કે,
''The Bengali poet Babu Rabindranath Tagore sang a song composed by him specially to welcome the Emperor.''

'ઇંગ્લીશમેન'એ પણ આવો જ સૂર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,
''The proceedings began with the singing by Babu Rabindranath Tagore of a song specially composed by him in honour of the Emperor।''

તો 'ઇન્ડિયન'એ તો કોંગ્રેસ મહાસભાએ આ ગાન શહેનશાહને આવકારવા જ ગાયું હતું તેવું સ્પષ્ટ જણાવતાં લખ્યું હતું કે,
''When the proceedings of the Indian National Congress began on Wednesday 27th December 1911, a Bengali song in welcome of the Emperor was sung. A resolution welcoming the Emperor and Empress was also adopted unanimously.''

જોકે રવીન્દ્રનાથ ટાગારે આ રાષ્ટ્રગાન પરમ કૃપાળુ પરમાત્માને સમર્પતિ કર્યું હોવાનું કહ્યું હતું। આ રાષ્ટ્રગાનના ગાયનની અવધિ લગભગ 52 સેકન્ડ છે. અમુક પ્રસંગે રાષ્ટ્રગાનની પ્રથમ અને અંતિમ પંક્તિઓ સાથે સંક્ષિપ્ત સ્વરૂપે ગાવામાં આવે છે જેમાં લગભગ 20 સેકન્ડ થાય છે. બંધારણસભાએ જન ગણ મન॥ને ભારતના રાષ્ટ્રગાન સ્વરૂપે 24 જાન્યુઆરી, 1950ના રોજ સ્વીકાર્યું હતું. તેને સર્વપ્રથમ 27 ડીસેમ્બર, 1911ના રોજ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ ગાનમાં પાંચ પદ છે.

એક આડ વાત કરી લઇએ. રવીન્દ્રનાથ ટાગોર વિશ્વની એકમાત્ર વ્યક્તિ છે જેમની રચનાને એકથી વધુ દેશોમાં રાષ્ટ્રગાનનો દરજ્જો પ્રાપ્ત છે. તેમની એક બીજી કવિતા 'અમારા શોનાર બાંગ્લા' બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન છે. તેને ગુરુદેવે બંગભંગની ચળવળ દરમિયાન સન 1906માં લખ્યું હતું. અંગ્રેજોએ ધર્મને આધારે બંગાળના ભાગલા પાડ્યા ત્યારે આ ગીતે બંગાળમાં એકતાનું વાતાવરણ ઊભું કર્યું હતું. પાકિસ્તાનના રાક્ષસી પંજામાંથી સન 1972માં છૂટકારો મેળવ્યા પછી બાંગ્લાદેશે આ ગીતની પ્રથમ દસ પંક્તિઓનો રાષ્ટ્રગાન સ્વરૂપે સ્વીકાર કર્યો હતો.

No comments: