Thursday, December 4, 2008

મિત્રતા એક મહેંકતું ફૂલ છે જે ક્યારેય સાચા મિત્રો વચ્ચે કરમાતું નથીમિત્રતા એક એવું પુષ્પ છે જેની સુગંધ સાચા મિત્રો વચ્ચે સદાય પ્રસરતી રહે છે. સાચી મિત્રતાની ગાંઠ અનેક કસોટીમાંથી જેમ જેમ પસાર થાય છે તેમ તેમ તે વધુને વધુ મજબૂત થાય છે. ઘણી વખત અનેક ગેરસમજણ મૈત્રીનું પારખું કરવા આવે છે. પણ જો મિત્રો સાચા હ્રદયથી મૈત્રી ઝંખતા હોય તો એક દિવસ જરૂર ગેરસમજણરૂપી દિવાલ ધસી પડે છે.
સચિન દેસાઈ. મેં અભ્યાસ કરવા અને કારકિર્દી બનાવવા અમદાવાદમાં પગ મૂક્યો ત્યારે મારી સૌપ્રથમ મિત્રતા સચિન સાથે થઈ હતી. તે અત્યંત અંતર્મુખી અને છોકરીઓ કરતાં પણ વધારે શરમાળ. દોઢેક વર્ષ પહેલાં કેનેડા ચાલ્યો ગયો. મને મળ્યો પણ નહીં અને ભારતની કદાચ કાયમ માટે વિદાય લઉં છું તેવો એક ફોન પણ કર્યો નહીં. અમે બંને એકબીજાથી નારાજ હતા. આઠેક વર્ષની અમારી ગાઢ મિત્રતા પર ગેરસમજણોનાં પડ જામી ગયાં હતાં. તેને એમ કે હું તેને વિદાય આપવા જઇશ અને મને વિશ્વાસ હતો કે તે કેનેડા જતાં પહેલાં ફોન કરશે. તેની માન્યતા ખોટી પડી અને મારો વિશ્વાસ ઉઠી ગયો.
મને બરોબર ગુસ્સો આવ્યો. હવે હદ થઈ ગઈની લાગણી અનુભવતો હતો. હવે જ્યારે તે ભારત આવશે તો પણ તેને નહીં બોલાવું એવું નક્કી કરી લીધું. જ્યારે અભ્યાસ કરવા અને કારકિર્દી બનાવવા અમદાવાદમાં પગ મૂક્યો તે દિવસથી અમારી વચ્ચે મિત્રતા હતી. દરરોજ ઓછામાં ઓછા છથી આઠ કલાક સાથેને સાથે જ હોઇએ. અનેક ફિલ્મો સાથે જોઈ છે.
મને બરોબર યાદ છે કે અમે 'કભી ખુશી કભી ગમ' જોવા શિવ થિયેટરમાં ગયા હતા.કરણ જોહરની આ ફિલ્મ પણ 'કુછ કુછ હોતા હૈ' જેવી સુંદર ફિલ્મ હશે તેવી ધારણા સાથે ગયેલા પણ અમે ખૂબ કંટાળી ગયેલા. લાંબી અને કંટાળાજનક પારિવારીક ફિલ્મમાં ફસાઈ ગયાની લાગણી અનુભવતા હતા. જોકે મારો કંટાળો સચિનની અકળામણે દૂર કરી દીધેલો. ફિલ્મના ક્લાઇમેક્સમાં રૂક રૂક ખાન તરીકે જાણીતો શાહરૂખ ખાન બોલીવૂડના સાચા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની માફી માંગે છે તેવું દશ્ય હતું. સચિન ખુરશીમાં ઊંચોનીચો થતો મને કહેતો કે જલદી જલદી બચ્ચન આ તોતડાને માફ કરી દે તો સારું. આ લખ્યું ત્યારે પણ મને તેની તે અકળામણ યાદ આવતા હસવું આવે છે. તે જ રીતે અમે 'કહોના પ્યાર હૈ' જોવા ગયેલા. બરોબર ઇન્ટરવલની પહેલાં પહેલાં મને બાથરૂમ લાગી. પાછો આવ્યો ત્યારે આખા થિયેટરમાં અંધારું હતું અને હું અમે જ્યાં બેઠાં હતા તે લાઇન ચૂકી આગળ વધી ગયો. અચાનક તે ઊભો થયો અને જોરથી બોલ્યો, 'ઓયે, ક્યાં જાય છે?' તેનું આ વિધાન સાંભળી હું તો હસી પડ્યો પણ સાથેસાથે અમારી આજુબાજુ બેઠેલા બીજા દર્શકો પણ ખડખડાટ હસી પડ્યાં હતા.
તે કેનેડા પહોંચ્યો પછી એક જ મહિનાની અંદર મને ફોન કર્યો. તે સમયે તેને બરોબર ગાળો ભાંડવાની ઇચ્છા થઈ ગઈ. પણ સાચી મિત્રતાની ગાંઠ તમામ ગુસ્સો ઓગાળી નાંખે છે. હું કંઈ બોલી શક્યો નહીં. મારી આંખો ભીની થઈ ગઈ અને કેનેડા જતાં પહેલાં કહ્યું પણ નહીં તેની ફરિયાદ કરી. એક ફોન તો મને કરવો હતો તેવી ફરિયાદ અમે બંનેએ એકબીજાએ કરી. થોડી વાતચીત કરી અને ફરી આઠેક મહિના અમારી મિત્રતા વચ્ચે ઇન્ટરવલ આવી ગયો.
નારાજગી દૂર થવાની શરૂઆત થઈ હતી પણ સંપૂર્ણપણે ગુસ્સો ઓગળતા છથી આઠ મહિના થયા. ફરી અમે બંનેએ ઓર્કુટ પર એકબીજાને ખોળી કાઢ્યાં. ધીમેધીમે વાદ-સંવાદ શરૂ થયો અને છેલ્લાં છથી આઠ મહિનામાં મૈત્રી ફરી પૂરબહારમાં ખીલી ગઈ.

No comments: