'ભરતી ઓસરે પછી જ ખબર પડે કે દરિયામાં કેટલા નિર્વસ્ત્ર લોકો તરતા હતા?' આ વાક્ય અમેરિકાના જાણીતા ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટનું છે. શેરબજાર વિશે કરેલી આ ટીપ્પણીનો અર્થ એ છે કે, શેરબજારમાં જેટલી તેજી વધારે તેટલું જ નાણાકીય ગોટાળાનું જોખમ વધારે. આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ એક કહેવત છે કે, 'નાગાને નહાવાનું શું અને નિચોવવાનું શું!' આ કહેવત શેરબજારોમાં કામ કરતાં અનેક શેરદલાલનો લાગૂ પડે છે.
શેરબજારોમાં શેરદલાલો સ્વરૂપે અનેક નાગા લોકો છે જે લોકોના પૈસે તાગડધિન્ના કરે છે અને મંદી આવતાં હાથ ઊંચા કરી લોકોની રાતાપાણીની કમાણી ડૂબાડી દે છે. ચાલુ મંદીમાં અમેરિકાના લાખો રોકાણકારોને રાતા પાણીએ રડાવનારા આવો જ એક શેરદલાલ બર્નાર્ડ મૈડોફ છે, જે તાજેતરમાં જ ટૂંકી જેલ યાત્રાની મજા માણી આવ્યાં પછી એક કરોડના જામીન પર છૂટી ગયો છે. તેણે કેવી રીતે 50 અબજ ડોલરનો ગોટાળો કર્યો છે તે વાત જાણવા જેવી છે.
આ મૈડોફ અમેરિકાના સાત શેરબજારોમાં સૌથી પ્રતિષ્ઠિત નાસ્ડેકના પૂર્વ ચેરમેન હતો. મૈડોફનો ગોટાળો 50 અબજ ડોલર એટલે લગભગ અઢી લાખ કરોડ રૂપિયાનો હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવે છે, પણ તેનાથી વધારે હોય તો નવાઈ નહીં.
અમેરિકાની પોલીસે મૈડોફ મહાશયને ઝડપી લીધા ત્યારે તેમણે જે વાત કરી તે સાંભળીને લાખો રોકાણકારોના પગતળેથી જમીન સરકી ગઈ છે. ''શેરોની લે-વેચનો મારો ધંધો તો એકાદ દાયકા પહેલાં જ ડૂબી ગયો હતો.'' મૈડોફની આ કબૂલાત સાંભળી અમેરિકાની તપાસ એજન્સીઓને પહેલાં તો તેની વાતમાં કોઈ સચ્ચાઈ લાગી નહોતી. જો ધંધો ડૂબી ગયો હતો તો પછી મૈડોફે આટલા મોટાપાયે શેરોની લે-વેચ ચાલુ કેવી રીતે રાખી? આ પ્રશ્નના જવાબ પરથી જ તમને અંદાજ આવી જશે કે સામાન્ય માણસે રાત-દિવસ એક કરી ભેગા કરેલા નાણા કેવી રીતે ડૂબી ગયા? મૈડોફે કહ્યું હતું કે, ''મારો પોતાનો ધંધો ડૂબી ગયો પછી હું મારા જૂનાં ગ્રાહકોને તેમના રોકાણ પર રીટર્નની ચૂકવણી નવા ગ્રાહકોના રોકાણમાંથી કરતો હતો.'' પણ થયું એવું કે ચાલુ મંદીમાં શેરબજારમાં નવા ગ્રાહકોનું આગમન બંધ થઈ ગયું અને જૂનાં ગ્રાહકોએ રીટર્નથી સંતુષ્ટ રહેવાને બદલે પોતાનું મૂળ રોકાણ પરત મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. આ સંજોગામાં મૈડોફ પાસે હાથ ઊંચા કરી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
અર્થશાસ્ત્રમાં આ પ્રકારના ગોરખધંધા 'પોજી સ્કીમ' નામે ઓળખાય છે. 1929થી શરૂ થયેલી મહામંદી પહેલાં અમેરિકામાં ચાર્લ્સ પોજી નામનો એક ઇટાલિયન બિગબુલ પકડાઈ ગયો હતો. તે લોકોને એક જ વર્ષમાં તેમની રકમ 20થી 30 ટકા વધારી દેવાની લાલચ આપતો હતો. તેનો ધંધો થોડા વર્ષ તો આરામથી ચાલ્યો અને લોકો પણ પોતાના નાણા પર બેંકો કરતાં ચારગણું વ્યાજ મેળવી ખુશ હતા. આટલું સારું વ્યાજ મેળવીને પોતાની મુદ્દલ પરત મેળવવાનું કોણ વિચારે! પણ પોજીની ભવ્ય ઇમારતનો પાયો નવા ગ્રાહકોની સતત આવક પર નિર્ભર હતો. તેને ત્યાં નાણાં મૂકવા નવા ગ્રાહકોની લાઇન લાગતી હતી અને તેમની જમા રકમમાંથી તે જૂનાં ગ્રાહકોને વ્યાજની ચૂકવણી કરતો હતો. પણ 1929ની મંદીમાં પોજીના સ્વપ્નમહેલનો કડડભૂસ થઈને તૂટી પડ્યો. નવા ગ્રાહકો આવતાં બંધ થઈ ગયા અને જૂનાં ગ્રાહકોએ પોતાની મુદ્દલ માંગવાનું શરૂ કરતાં પોંજીનો પિરામીડ જમીનદોસ્ત થઈ ગયો. પોજી જેવી રમત જ મૈડોફે અમેરિકાના રોકાણકારો સાથે રમી હતી.
1960ના દાયકામાં પાર્કમાં ફુવારા લગાવવાનો ધંધો કરતા બર્નાર્ડ મૈડોફે 5,000 ડોલરનું રોકાણ કરી શેરદલાલીનું કામ શરૂ કર્યું. 1990માં પહેલી વખત તેણે સાઇડ બિઝનેસ સ્વરૂપે લોકોના નાણાનું રોકાણ કરવાનું કામ શરૂ કર્યું અને 2005માં મૈનહટનમાં એક ભવ્ય ઓફિસ સાથે હેજ ફંડની શરૂઆત કરી. જે રીતે પોજીએ ઇટાલિયન હોવાનો ફાયદો ઉઠાવ્યો હતો તે જ રીતે મૈડોફે પોતાને યહૂદી હોવાનો લાભ અમેરિકાની આર્થિક તાકાતની કરોડરજ્જુ ગણાતા યહૂદીઓને વિશ્વાસ જીતીને ઉઠાવ્યો. 1990 પછી મૈડોફની કંપનીએ લોકોને તેમના રોકાણ પર દર વર્ષે 11 ટકા રીટર્ન આપ્યું હતું. અમેરિકામાં એક સમયે એવી પરિસ્થિતિ હતી કે મૈડોફને ત્યાં નાણા જમા કરાવવા માટે મોટા-મોટા લોકો ભિખારીઓની જેમ આજીજી કરતા હતા, પણ દસ લાખ ડોલરથી ઓછી રકમનો તેને ત્યાં સ્વીકારવામાં આવતો નહોતો.
અમેરિકા અને યુરોપના દેશોમાં મંદીએ લોકોને ધોળા દિવસે તારા દેખાડી દીધા છે ત્યારે તેમાં હવે મૈડોફ સ્વરૂપે એક નવું પરિમાણ જોડાઈ ગયું છે. અસલી ચિંતા એ છે કે અમેરિકા અને યુરોપમાં એક નહીં અનેક મૈડોફ પોતાના ગોરખધંધા ચલાવતા હોવાની શક્યતા છે. સામાન્ય માણસોને મોંઘવારી અને બેરોજગારીની સાથે હવે આ પ્રકારના ગોટાળાની એક નવી આફતનો પણ સામનો કરવો પડશે.
Thursday, December 25, 2008
અમેરિકાનો બિગબુલ બર્નાર્ડ મૈડોફ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment