Monday, December 1, 2008

શિવરાજ પાટિલઃ ચકૂર કા રાજા પર ગાંધી-નહેરુ પરિવાર કા સેવક


ભારતના સૌથી જૂનાં રાજકીય પક્ષ કોંગ્રેસમાં અત્યારે તમામ પગલાં ગાંધી-નહેરુ પરિવારના સર્વેસર્વા મેડમ સોનિયા અર્થાત સોનિયા એન્ટોનિયો માઇનો પ્રત્યેની વફાદારીને આધારે જ લેવાય છે. તેનું સૌથી ગંદુ અને તાજું ઉદાહરણ ચીપી ચીપીને બોલતાં અને હિંદી ફિલ્મનો હીરો એક જ ગીતમાં ત્રણથી ચાર વખત વસ્ત્રો બદલે તેમ આતંકવાદી હુમલા વચ્ચે પણ વારંવાર વસ્ત્રો બદલતાં શિવરાજ પાટિલ છે. દેશના કદાચ સૌથી નબળાં ગૃહમંત્રી પુરવાર થયેલા પાટિલ સાહેબની રાજકીય સફર જાણવા જેવી છે. તેના પરથી ગાંધી-નહેરુ પરિવાર પોતાના વફાદારોને કેવી રીતે સાચવે છે તેનો પરિચય મળશે.
શિવરાજ કાકા સૌપ્રથમ વર્ષ 1980માં સાતમી લોકસભામાં ચૂંટાઈ આવ્યાં હતા. તે સમયે જનતા સરકારની આંતરિક ફાટફૂટના કારણે જનતા જનાર્દનમાં 'ઇન્દિરા પાછાં આવે છે'ની લહેર દેશભરમાં ફરી વળી હતી. આ લહેરમાં પાટિલ મહોદયે લોકસભામાં પ્રવેશ કરી લીધો. ઇન્દિરા સરકારમાં તેમને 1980થી 1982 સુધી રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી બનાવવામાં આવ્યાં. તે પછી એક વર્ષ તેમને વાણિજ્ય મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો. આ બંને મંત્રાલયમાં શ્રીમાન પાટિલ બહુ ખાસ ઉકાળી શક્યાં નહીં એટલે તેમને સાયન્સ એન્ડ ટેક્નોલોજી, એટોમિક એનર્જીની જવાબદારી સોંપવામાં આવી. હકીકતમાં તેમને આ જવાબદારી તેમની પૃષ્ઠભૂમિને આધારે સોંપવામાં આવી હતી. તેઓ વિજ્ઞાન શાખામાં સ્નાતકની પદવી મેળવી હતી.
પરંતુ અફસોસ 'ચકૂરના રાજા' (તેમનો જન્મ મહારાષ્ટ્રના લાતૂર જિલ્લાના ચકૂરમાં થયો છે) તે લડાઈ પણ હારી ગયા. તે દરમિયાન ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને ભાવનાત્મક વાતાવરણમાં યોજાયેલી ચૂંટણીમાં તેમના પુત્ર અને ભોળા સજ્જન રાજીવ ગાંધી વડાપ્રધાન થયા. હવે શિવરાજ પાટિલની જવાબદારી તેમના માથે આવી ગઈ. ઇન્દિરાજીના અવસાન પછી શિવરાજ પાટિલે બહુ દોડાદોડી કરી હતી. તેનો બદલો રાજીવ ગાંધીએ આપ્યો, પણ મંત્રીપદ ન આપ્યું. તેમણે શિવરાજને સીએસઆઇઆર (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક અને ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ)ના પ્રમુખ બનાવી દીધા. બોફોર્સ કૌભાંડમાં રાજીવ સરકારનું પતન થયું અને પછી અનામત આંદોલનના જનક સ્વ. વી પી સિંહની સરકાર બની. અગિયાર મહિનાના શાસન પછી સિંહ સરકારનું પતન થયું અને રામમનોહર લોહિયાના પટ્ટશિષ્ય ચંદ્રશેખર અલ્પકાળ માટે વડાપ્રધાન થયા. આ દરમિયાન પાટિલ સાહેબ ગાંધી-નહેરુ પરિવારની સેવા કરતાં રહ્યાં.
મે, 1991માં રાજીવ ગાંધીની હત્યા થઈ અને અગિયારમી લોકસભામાં પી વી નરસિંહરાવની સરકાર બની. મૌનીબાબા તરીકે જાણીતા નરસિંહરાવ બહુ કાબેલ વહીવટકર્તા હતા. તેઓ પાટિલ સાહેબની હોંશિયારીથી સારી રીતે વાકેફ હતા. તેઓ જાણતા હતા કે શિવરાજબાબુ 10, જનપથની સેવા કરવા અને સૂટબૂટમાં રહેવા સિવાય કંઈ કરી શકે તેમ નથી. પણ ગાંધી-નહેરુ પરિવારના વફાદારને સરકારમાં ન લઇને તેઓ સોનિયા ગાંધીને નારાજ કરવા માંગતા નહોતા. એટલે તેમણે વચલો રસ્તો કાઢી પાટિલ સાહેબને લોકસભાના અધ્યક્ષ બનાવી ઇસ્ત્રીટાઇટ કપડાં પહેરીને સાંસદોનો શાંતિ રાખવાની આજીજી કરવાનું કામ સોંપી દીધું. 1991થી 1996 સુધી તેમણે સાંસદોનો ભઇસાબબાપા કર્યાં હતા.
તે પછી કોંગ્રેસની સરકાર છેક વર્ષ 2004માં બની. આ લોકસભાની ચૂંટણીમાં પાટિલ મહોદય હારી ગયા હતા. પણ સોનિયા માઇનોની મહેરબાનીથી તેમને ગૃહ મંત્રાલયની મહત્વપૂર્ણ જવાબદારી મળી. પણ તેના માઠાં ફળ આખા દેશને ચાખવાં પડ્યાં.

No comments: