Tuesday, December 29, 2009

ગાંધીજી બોલે તો..


* છાપાનું એક કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવાનું છે. તેનું બીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરી હોય તે પેદા કરવાનું છે અને ત્રીજું કામ લોકોમાં એબ હોય તે ગમે તેટલી મુસીબતો પડે તોપણ બેધડક થઈ બતાવવાનું છે. અખબારોએ લોકલાગણી કેટલેક દરજ્જે બતાવવી પડશે, નહીં હોય તો તેવી પેદા કરવાનો પ્રયત્ન કરવો પડશે અને ખામી હશે તો તેને વખોડવી પડશે.

* જે પગથિયેથી આપણે ચડ્યા છીએ તે પગથિયાને પાટુ ન મારવી એ ડહાપણ છે. જો તે પગથિયું કાઢી નાખીએ તો આખી સીડી પડી જાય એ યાદ રાખવાનું છે. આપણે બચપણમાંથી જુવાનીમાં આવીએ છીએ ત્યારે બચપણનો તિરસ્કાર કરતા નથી, પણ તે દહાડા પ્યારથી સંભારીએ છીએ. ઘણાં વરસ સુધી અભ્યાસ કરી મને કોઈ શીખવે ને તે ઉપરથી હું જરા વધારે જાણી લઉં તો કંઈ મારા શિક્ષક કરતાં હું વધારે જ્ઞાની નહીં ગણાઉં. મારા શિક્ષકને તો મારે માન આપવું જ પડશે.

* જે જુવાનિયા પોતાનાં માબાપની ઠંડી પ્રકૃતિથી કંટાળે ને તેઓ પોતાની સાથે ન દોડે તો ગુસ્સે થાય, તેઓ પોતાનાં માબાપનો અનાદર કરે છે. સ્વરાજ ભોગવવા ઇચ્છતી પ્રજા પોતાના વડીલોનો તિરસ્કાર કરી શકતી નથી. આપણામાંથી માન આપવાની ટેવ જાય ત્યારે આપણે નકામા થઈ પડવાના. સ્વરાજ પીઢ માણસો ભોગવી શકે છે, નહીં કે ઉચ્છૃંખલ માણસો.

* હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીની નીચે કરે છે ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન પર જોવામાં આવે છે.

* અસંતોષ બહુ ઉપયોગી વસ્તુ છે. જ્યાં સુધી માણસ પોતાની ચાલુ સ્થિતિમાં રાજી રહે ત્યાં સુધી તેને તેમાંથી નીકળવાનું સમજાવવું એ મુશ્કેલીની વાત છે. તેથી દરેક સુધારાની પૂર્વે અસંતોષ હોવો જોઇએ. ચાલુ ચીજનો અણગમો પેદા થાય ત્યારે જ તેને નાખી દેવાનું મન થાય.
(સ્રોતઃ હિંદ સ્વરાજ)

2 comments:

kapil said...

very good
there are really needy thoughts the young generation need it. thanks for spreading.

કેયૂર કોટક said...

મિત્ર રજની અગ્રાવત અને ફોલોઅર નહીં પણ ફ્રેન્ડ બનેલા કપિલ વ્યાસે ગાંધીના વિચારના પ્રસારના પ્રયાસને બિરદાવ્યો. તેમનો ખૂબ આભાર. તેમની વાત સાચી છે ગાંધીવિચારના પ્રસારનું મહત્વ દિવસે ને દિવસે વધતું જાય છે. હજુ જેમ જેમ સમય જશે તેમ તેમ ગાંધીવિચારની જરૂરિયાત વધતી જશે. હિંદ સ્વરાજ વાંચી રહ્યો છું. તેમાંથી ગાંધીજીના વિચારો રજૂ કરતો રહીશ.....