Sunday, December 27, 2009

મારા 'પર્સન ઓફ ધ યર'....


વર્ષ 2009 વિદાય થઈ રહ્યું છે...અખબારો, વિવિધ મેગેઝિન, જુદી જુદી મનોરંજન ચેનલ અને મોટે ભાગે હાસ્યાસ્પદ સમાચારો આપતી આપણી ન્યૂસ ચેનલો પર 'પર્સન ઓફ ધ યર'ની સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે. તેમાં મોટા ભાગની ચેનલોએ તેમની જાહેરાતના સ્રોત સમાન ઉદ્યોગપતિઓ, અભિનેતાઓ, ફાઇવ સ્ટાર હોટેલમાં બેસીને સમાજની ચિંતા કરતાં સેલિબ્રિટી સમાજસેવકોમાંથી પર્સન ઓફ ધ યરની પસંદગી કરવાના વિકલ્પો દેશની વિકલ્પહીન જનતા સમક્ષ મૂકી દીધા છે. પણ આ બધા વચ્ચે એક અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'એ પરોક્ષ રીતે આપણને લોકશાહી માટે મૂંગા મોઢે લડતા 'પર્સન ઓફ ધ યર'ની ભેટ ધરી દીધી છે.

કટોકટીમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટે જેહાદ (ધર્મયુદ્ધ) જગાવનાર આ અખબારે લોકશાહીમાં ભ્રષ્ટ રાજકારણીઓ અને પોલીસ અધિકારીના ગણવેશમાં છુપાયેલા એક શેતાન વચ્ચેની સાંઠગાંઠ સામે લગભગ બે દાયકાથી લડતા એક 'કોમનમેન'ની લડાઈને આપણી સમક્ષ પ્રક્ટ કરી છે. આ કોમનમેન એટલે આનંદ પ્રકાશ. પાંચ ફૂટ કરતાં થોડી વધારે ઊંચાઈ ધરાવતા પ્રકાશ પોતાના કે પોતાના પરિવારજનોને થયેલા અન્યાય સામે લડતા નથી. પોતાના માટે તો સહુ લડે છે, પણ સાચો મનુષ્ય તે છે જે બીજા માટે લડે છે, સમાજ માટે લડે છે.

પ્રકાશે તેમની દિકરી આરાધનાની ખાસ બહેનપણી સ્વ. રુચિકા ગિરહોત્રાને થયેલા અન્યાય સામે જેહાદ જગવી છે. એસ પી એસ રાઠોર નામના એક બેશરમ, ધૃષ્ટ અને નાલાયક પોલીસ અધિકારીએ રુચિકાને સતત ત્રણ વર્ષ માનસિક પજવણી કરી આત્મહત્યા કરવા મજબૂર કરી હતી. આ રાક્ષસ રાઠોર અને તેને છેલ્લાં બે દાયકાથી છાવરનાર ભ્રષ્ટશાહી સામે પ્રકાશ લડી રહ્યાં છે. આ લડાઈ માટે રુચિકાના પરિવારની જેમ પ્રકાશ અને તેમના પરિવારને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ મુશ્કેલીઓ પર ઉડતી નજર કરીએ...

આનંદ પ્રકાશ હરિયાણા એગ્રિકલ્ચર માર્કેટિંગ બોર્ડમાં ચીફ એન્જિનીયર હતા. રુચિકાની લડાઈ હાથમાં લીધા પછી નિર્લજ્જ રાઠોરે તેની વગ વાપરી વારંવાર દૂર દૂરના સ્થળે બદલી કરાવી અને પ્રકાશ પરિવારનું એકથી બીજા સ્થળે સતત સ્થળાંતર...વારંવાર દિકરી આરાધનાને રાઠોરના ગુંડાઓની કનડગત..રુચિકા જેવી જ હાલત કરવાની ચેતવણી...સરકાર તરફથી ફરજિયાત નિવૃત્તિ આપી દેવી...રાઠોર અને રાજકારણીઓની આ સાંઠગાંઠ સામે અદાલતમાં બાંયો ચઢાવી.....એક તરફ સરકાર સામે નોકરી માટેની લડાઈ તો બીજી તરફ રુચિકાને ન્યાય મળે તે માટેની લડત..કોર્ટની બહાર સેટલમેન્ટ કરવાની ધમકી...તમે જાણો છો તેમણે અત્યાર સુધી કેટલી વખત કોર્ટના ચક્કર માર્યા છે? 450થી વધુ વખત...ફિલ્મ 'દામિની'માં સની દેઓલ બોલે છે તે સંવાદ યાદ આવી જાય છે..તારીખ પે તારીખ ઔર રહે જાતી હૈ સિર્ફ તારીખ...પણ આટલી બધી તારીખ પડવા છતાં પણ છેલ્લાં બે દાયકાથી રુચિકા માટેની લડાઈના જુસ્સામાં ઓટ આવી નથી...તે કહે છે કે જો આ બધી બાબતોથી તમે ગભરાઈ જશો કે કંટાળી જશો તો લડાઈ નહીં લડી શકો...ખરેખર સત્ય અને ન્યાય માટેની લડાઈ સમય, ધૈર્ય, ખંત, જુસ્સો અને મર્દાનગી માગી લે છે.

મારા 'પર્સન ઓફ ધ યર' તો આનંદ પ્રકાશ છે...જે લોકશાહી માટે લડી રહ્યાં છે, અન્યાય સામે અવાજ બુલંદ કરવાની સમાજને પ્રેરણા આપી રહ્યાં છે, સત્ય માટે સહન કરી રહ્યાં છે, ભ્રષ્ટાચાર પર ભારે પડી રહ્યાં છે, રાજકારણીઓનો અસલી ચહેરો ઉજાગર કરી રહ્યાં છે અને એક વાહિયાત અને લંપટ પોલીસ અધિકારીને તેનો અસલી ચહેરો દેખાડી રહ્યાં છે....મિત્રો તમારા 'પર્સન ઓફ ધ યર' કોણ છે?

ચલતે-ચલતેઃ સચ્ચાઈથી ઇશ્વર ખુશ થાય છે અને મેં સચ્ચાઈના માર્ગે ચાલવાવાળાને ભટકતા જોયા નથી-શેખ સાદી

No comments: