Tuesday, December 29, 2009

નૌચામી નારાયણ...


માર્ક ટ્વેઇને કહ્યું છે કે, પુરુષ સેક્સને માણવા પર બહુ ધ્યાન આપે છે અને તેનો પૂરેપૂરો આનંદ માણવા તે તેના ચારિત્ર્ય અને તેની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકવા તૈયાર થઈ જાય છે. તેમની વાત સાચી હોવાનો પુરાવો આપણા એક કુખ્યાત ભારતીયે આપી દીધો. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રંગીન મિજાજ માટે હંમેશા ચર્ચાસ્પદ રહેલાં નારાયણ દત્ત તિવારી એક સાથે ત્રણ મહિલા સાથે રાજભવનમાં કામલીલા કરતાં કેમેરામાં દેખાય છે. તેમાં એક મહિલા તિવારીડોસાના પગ પર છે અને બીજી મહિલા તેમના વક્ષસ્થળની આસપાસ. વાઇગ્રાના બ્રાન્ડ એમ્બેસેડર બનવાને સૌથી વધારે લાયક તિવારીનો ભૂતકાળ પણ ફુલગુલાબી છે.

કામપુરુષ તિવારી હંમેશા જુદી જુદી મહિલાઓ સાથે સંબંધોના કારણે ચર્ચામાં રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં તેઓ મુખ્યમંત્રી હતા તે સમયના કિસ્સાઓ પણ તે દિવસોમાં ચર્ચાતા હતા. તેમનો એક કિસ્સો તો કોંગ્રેસીઓમાં બહુ જાણીતો છે. તેઓ 1988માં ઉત્તરપ્રદેશના ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યાં હતાં. આ શાસનકાળ દરમિયાન એક સમયે બપોરે સાડા બારની આસપાસ તે પોતાના મંત્રીઓ સાથે કોઈ મુદ્દે ચર્ચા કરી રહ્યાં હતાં. આ બેઠક પૂરી થયા પછી તરત જ એક મહિલાઓનું પ્રતિનિધિમંડળ તેમને મળવા આવ્યું હતું. તલપાપડ તિવારીએ તેમને તરત જ ચેમ્બરમાં બોલાવી અને સૂચના ન મળે ત્યાં સુધી ડિસ્ટર્બ ન કરવાનો આદેશ આપ્યો હતો. પછી આ લાંબી બેઠક ચાલી હતી...અનેક સ્ત્રીઓ સાથે એકસાથે સેક્સ માણવાના તિવારી શોખીન છે તેવું તાજેતરમાં જ જાહેર થયેલી કામલીલા પરથી જાણવા મળ્યું છે ને...

તિવારી 2002થી 2007 દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા ત્યારે એક નેપાળી યુવતી સારિકા પ્રધાન સાથેના સંબંધો ચર્ચાસ્પદ બન્યાં હતાં. 23 વર્ષીય સારિકા તેમના કરતાં ત્રણ ગણી વધારે ઉંમરના તિવારી સાથે દરેક સમારંભમાં હાજર રહેતી. સારિકા દિવસે હાથમાં હાથ નાંખીને તેમની સાથે ચાલતી અને રાત્રે...તેનો બદલો પણ તેને મળ્યો. તેને તિવારી મહાશયે રાજ્યકક્ષાની મંત્રી બનાવી દીધી હતી. આ સારિકા પ્રકરણને લઇને ઉત્તરાખંડના એક પ્રસિદ્ધ લોકગીતકાર નરેન્દ્ર સિંહ નેગીએ 'નૌચામી નારાયણ' નામે લોકનૃત્ય પર આધારિત વીસીડી તૈયાર કરી હતી. 2006માં જાહેર થયેલી આ વીસીડીનો પ્રચાર ઉત્તરાખંડના ગામેગામ થયો હતો. તેમાં તિવારી જેવા જ દેખાતા એક વ્યક્તિને અનેક ગોપીઓ સાથે નૃત્ય કરતાં દેખાડવામાં આવ્યો હતો. ઉત્તરાખંડમાં 2007માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજયમાં આ વીસીડીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ઉજ્જવલા શર્માના પુત્ર રોહિત શેખરે તો તિવારીના અનૌરસ પુત્ર હોવાનો દાવો પણ કર્યો હતો. ઉત્તરાખંડની એક પૂર્વ મહિલા મંત્રી અને કેટલાંક ઉદ્યોગપતિઓની પત્નીઓ સાથે પણ તિવારીનાં સંબંધો ચર્ચાસ્પદ રહ્યાં છે. એક દાયકા અગાઉ તેઓ દિલ્હીથી વાયા રોડ લખનૌ જતાં હતાં ત્યારે તેઓ ત્રણ દિવસ લાપતા થઈ ગયા હતા અને તે પછી તેઓ ઉત્તરપ્રદેશના ગજરૌલાના એક બંગલામાં એક મહિલા સાથે રોકાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. આ મહિલા પણ તેમના જેવી જ રંગીન અને ચર્ચાસ્પદ છે.

ચલતે-ચલતેઃ પુરુષ સ્ત્રીઓનું હાથનું રમકડું છે-વિક્ટર હ્યુગો

No comments: