Wednesday, December 30, 2009

પાર્લામેન્ટ વાંઝણી છે....


પાર્લામેન્ટ વાંઝણી છે. આ શબ્દ આકરો છે, છતાં બરોબર લાગૂ પડે છે. હજુ સુધી પાર્લામેન્ટે પોતાની મેળે એક પણ સારું કામ કર્યું નથી. જો તે વાંઝણી ન હોય તો આમ થવું જોઇએઃ

* લોકો તેમાં સરસમાં સરસ મેમ્બરો ચૂંટીને મોકલે.
* મેમ્બરો વગર પગારે જાય અને લોકકલ્યાણનું કામ કરે.
* તેનું કામ એવું સરળ હોય કે દહાડે દહાડે તેનું તેજ વધારે દેખાય ને લોકોની ઉપર તેની અસર થતી જાય.
તેને બદલે થાય છે શું?

* પાર્લામેન્ટના મેમ્બરો આડંબરિયા અને સ્વાર્થી જોવામાં આવે છે.
* સૌ પોતાનું ખેંચે છે.
* માત્ર ધાસ્તીને લીધે જ પાર્લામેન્ટ કંઈ કામ કરે છે. આજ કર્યું હોય તે કાલે રદ કરવું પડે છે. એક પણ વસ્તુ પાર્લામેન્ટે ઠેકાણે પાડી હોય એવો દાખલો જોવામાં આવતો નથી.
* મોટા સવાલોની ચર્ચા પાર્લામેન્ટમાં ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા બેઠા ઝોલાં ખાય છે. એક મહાન લેખકે તેને 'દુનિયાની વાતૂડી' એવું નામ આપ્યું છે.
* મેમ્બરો જે પક્ષના હોય તે પક્ષ તરફ પોતાનો મત વગર વિચારે આપે છે, આપવા બંધાયેલા છે. તેમાં કોઈ અપવાદરૂપે વિરોધી મત રજૂ કરે તો તે મેમ્બરના ભોગ સમજવા.
* જેટલો વખત અને પૈસા પાર્લામેન્ટ ગાળે છે તેટલો વખત અને પૈસા થોડા સારા માણસોને મળે તો પ્રજાનો ઉદ્ધાર થઈ જાય. આ પાર્લામેન્ટ તો પ્રજાનું રમકડું છે, ને તે રમકડું પ્રજાને બહુ ખરચમાં નાખે છે.

આ વિચારો મારા અંગત છે તેમ ન માનશો. મોટા અને વિચારવાન અંગ્રેજો તેવો વિચાર કરે છે. એક મેમ્બરે તો એમ જ કહ્યું કે પાર્લામેન્ટ ધર્મિષ્ઠ માણસને લાયકની નથી રહી.
(સ્રોતઃ હિંદ સ્વરાજ)

No comments: