Saturday, December 26, 2009
મુસ્લિમો માટે અનામત વ્યવસ્થા યોગ્ય છે?
ઇતિહાસની ભૂલોમાંથી આપણે બોધપાઠ શીખતાં નથી ત્યારે તેનું પુનરાવર્તન થાય છે. અત્યારે હિંદુસ્તાનમાં તે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે જેમાંથી પીછો છોડાવવા આપણે દેશનું વિભાજન સુદ્વાં સ્વીકારી લીધું હતું. વિભાજન પછી બંધારણીય સભાની બેઠકો યોજાઈ ત્યારે નેતાઓએ મુસ્લિમ લીગ કે મુસ્લિમ સમાજને સંતુષ્ટ કરવા બ્રિટિશ શાસન દરમિયાન કરેલી તમામ ભૂલોનો સ્વીકાર કરી તેના પર પસ્તાવો કર્યો હતો. તેમાંથી એક ભૂલ છે ધર્મના આધારે અનામત. 1909માં ધર્મના આધારે શરૂ થયેલી વ્યવસ્થાનું પરિણામ 1947માં હિંદુસ્તાનના લોહિયાળ વિભાજન સ્વરૂપે મળ્યું હતું.
યુપીએ સરકાર મુસ્લિમો માટે અલગથી અનામત વ્યવસ્થા કરવા વિચારી રહી છે. સત્તામાં આવ્યા પછી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે મુસ્લિમ મતબેંકને જીતવા એક પછી એક જાહેરાતો કરી છે. વડાપ્રધાને તો દેશના સ્રોતો પર મુસ્લિમોનો પહેલો અધિકાર લઘુમતી સમાજનો હોવાનો દાવો સુદ્ધાં કરી દીધો છે. મુસ્લિમોના ઉત્થાન માટે 'વડાપ્રધાન 15 સૂત્રીય કાર્યક્રમ'ની જાહેરાત થઈ, સચ્ચર સમિતિની રચના થઈ અને હવે મુસ્લિમો માટે શિક્ષણ અને નોકરીઓમાં અનામત લાગૂ કરવાની વાત ચાલી રહી છે.
રંગનાથ મિશ્ર પંચે તમામ સરકારી નોકરીઓમાં 15 ટકા જગ્યા લઘુમતીઓ માટે અનામત રાખવાની ભલામણ કરી છે. તેમાંથી 10 ટકા મુસ્લિમો અને પાંચ ટકા જગ્યા અન્ય લઘુમતીઓને ફાળવવાની સૂચના આપી છે. પંચે 27 ટકા અન્ય પછાત વર્ગોમાં કોટામાંથી 8.4 ટકા જગ્યા પણ લઘુમતીઓને ફાળવવાની ભલામણ કરી છે. તેમાં છ ટકા મુસ્લિમો અને 2.8 ટકા જગ્યા અન્ય લઘુમતીઓને મળે તેવી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે.
અનામતની વ્યવસ્થા બંધારણના કલમ 330થી 340 સુધી કરવામાં આવી છે, પણ તેનો આશય સદીઓથી દલિતો સાથે હિંદુ સમાજમાં તેમની સાથે થયેલા ભેદભાવને ભરપાઈ કરવાનો છે. આ માટે અનુસૂચિત જાતિ સાથે સંબંધિત 1950ના આદેશમાં અનુસૂચિત જાતિઓને હિંદુઓ પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે. પાછળથી તેમાં શીખો અને બૌદ્ધોને સામેલ કરાયા છે. મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને પારસીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા નથી. થોડા સમય પહેલાં જૈન સમાજે લઘુમતી વર્ગમાં સ્થાન મેળવવા સંબંધિત અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી તો કોર્ટે તેને ફગાવી દીધી હતી. કોર્ટનું માનવું હતું કે આ પ્રકારની વ્યવસ્થાથી સામાજિક ભેદભાવ વધશે. હવે મુસ્લિમોને પણ અનુસૂચિત જાતિ-જનજાતિની સમકક્ષ દરજ્જો આપવાની માંગણી થઈ રહી છે અને દંભી ધર્મનિરપેક્ષ પક્ષો અને લોકો તેનું સમર્થન કરી રહ્યાં છે.
ભારતના બંધારણમાં ધર્મના આધારે અનામતની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી નથી. ધર્મના આધારે અનામત વ્યવસ્થા પર બંધારણ સભામાં જોરદાર દલીલ થઈ હતી. મહાત્મા ગાંધી ધર્મના આધારે અનામતના વિરોધી હતા. બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલે પણ ધર્મના આધારે અનામતનો વિરોધ કર્યો હતો. સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં કાઝી સૈયદ કરીમુદ્દીને મુસ્લિમે ધર્મના આધારે અનામતનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ત્યારે સરદાર પટેલે તેનો જવાબ આ શબ્દોમાં આપ્યો હતોઃ ''મિત્રો, તમે તમારો દ્રષ્ટિકોણ બદલો અને બદલાયેલી પરિસ્થિતને અનુરૂપ બનો....તમે જે ઇચ્છતાં હતાં તે બધું મળી ગયું છે. તમને એક અલગ રાજ્ય મળી ગયું છે અને યાદ કરો, તે માટે તમે બધા જવાબદાર છો, નહીં કે તેઓ જે અત્યારે પાકિસ્તાનમાં છે. તમે પાકિસ્તાન માટે આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તમને તે મળી ગયું. હવે તમારે શું જોઇએ છે? મને કંઈ સમજણ પડતી નથી. હિંદુઓની બહુમતીવાળા પ્રદેશોમાં તમે લઘુમતીઓના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. દેશનું વિભાજન થઈ ગયું. હવે તમે ફરી મને કહો છો કે નાના ભાઈનો પ્રેમ મેળવવા હું તે બાબતોનો ફરી સ્વીકાર કરું જેથી વિભાજીત ભારતનું ફરી એક વખત વિભાજન થાય. મહેરબાની કરીને તમે એટલું સમજો કે, અમારી પાસે વિવેકબુદ્ધિ છે.''
સરદાર પટેલે 28 ઓગસ્ટ, 1947ના રોજ સંસદમાં આ વક્તવ્ય બંધારણ સભાની બેઠકમાં આપ્યું હતું. બંધારણ સભા તે સમયે સંસદની ભૂમિકા ભજવતી હતી. અત્યારે તે જ સંસદમાં ધર્મના આધારે અનામતની ભલામણ કરતો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. સત્તા અને મતની લાલચમાં આપણા રાજકારણીઓ બંધારણા સભાના સંકલ્પોને ભૂલી જવા થનગની રહ્યાં છે. 13 ટકા મુસ્લિમ મતોને મેળવવા ચાલતી ગળાકાપ સ્પર્ધામાં રાષ્ટ્રનો ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય ગૌણ થઈ ગયા છે.
ધર્મના આધારે અનામત વ્યવસ્થા ઊભી કરવા બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે. એટલે મુસ્લિમો માટે અનામતની વ્યવસ્થા પાછલા બારણેથી કરવા સચ્ચર સમિતિ અને રંગનાથ મિશ્ર પંચે સંયુક્ત સ્વરૂપે એક ફોર્મ્યુલા શોધી કાઢી છે. સામાજિક-આર્થિક પછાતપણાના આધારે મુસ્લિમોને અનામત આપવાની તૈયારી થઈ રહી છે. ઇસ્લામમાં જાતિ વ્યવસ્થા કે અસ્પૃશ્યતાને સ્થાન નથી. મુસ્લિમ ધાર્મિક નેતા અને પરંપરાગત રાજકીય નેતૃત્વ પણ તેને સ્વીકાર કરતું નથી. પછી પછાત મુસ્લિમો અને દલિત મુસ્લિમો જેવી વાતોમાં કેટલું તથ્ય છે? મુસ્લિમ લેખકો અને દંભી ધર્મનિરપેક્ષવાદીઓનું માનવું છે કે, ભારતમાં ઇસ્લામનો પ્રસાર તલવારના જોરે નહીં પણ તેના સમતાવાદી ચારિત્ર્યના કારણે થયો છે. આ વાત સાચી હોય તો એક સમતાવાદી સમાજ અને ધર્મમાં માનતા લોકો માટે અનામત વ્યવસ્થા શું યોગ્ય છે?
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
આપણી લોકશાહીની આ એક કરૂણ કમનસીબી છે.ધર્મ, જાતિ, કે કોઇપણ પ્રકારના ઓઠા નીચે અનામત દરજ્જાની માગણી કરવી અયોગ્ય છે. આપણા બંધારણના મૂળભૂત સિધ્ધાંતોની વિરુધ્ધ છે.અને આ "લઘુમતી" શું છે ? દેશની વસ્તીમાં બીજા નંબરે જે ધર્મ પાળવામાં આવે તે લઘુમતી કેમ કહેવાય ? લોકશાહીમાં 100 ની સંખ્યામાં 49 સુધીના બધા લઘુમતી જ કહેવાયને !ધર્મને નામે એકવાર દેશના ટુકડા કર્યા પછી ભાષાને નામે ભાગ પાડ્યા. હજી કોઇને કોઇ બહાના હેઠળ ભાગલા પાડવાનું અને પડાવવાનું ચાલુ જ છે. ઝારખંડ,હરિયાણા, ઉત્તરાંચલ, અરુણાચલ, હવે તેલંગણા, રાયલસીમા, સૌરાષ્ટ્ર .. ! પછી ઠાકરે- યાદવ-માયાવતીઓ ભેગા મળીને "શીબૂસોરેનવાળી" કરીને ગાદીમાં ભાગ પડાવશે ! KBD !(કોના બાપની દિવાળી)
Post a Comment