Monday, November 24, 2008

અલ્લાહ મહેરબાન તો ધોની પહેલવાન


કહેવાય છે કે, જબ ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. આજકાલ ખુદા ભારતીય ક્રિકેટ ટીમના યુવા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર વારી ગયા હોય તેવું લાગે છે. તેનો પુરાવો ક્રિકેટપ્રેમીઓને ફરી એક વખત બેંગ્લોરમાં મળી ગયો. ગઇકાલે ત્યાં ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે ચોથી એકદિવસીય મેચ રમાઈ હતી. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી આ મેચમાં નસીબની દેવીએ ધોનીને સાથ આપ્યો.
ભારતે પહેલાં દાવમાં 22 ઓવરમાં 166 રન બનાવ્યાં હતા. ડકવર્થ-લૂઇસના નિયમ મુજબ અંગ્રેજોને એટલી જ ઓવરમાં 198 રન કરવાનો લક્ષ્યાંક મળ્યો. તેમણે આ લક્ષ્યાંક પાર પાડવાનો પ્રયાસ પણ કર્યો અને 22 ઓવરમાં 178 રન બનાવ્યા પણ છેવટે જીત તો ભારતની જ થઈ. તેનો કેપ્ટન પીટરસન વિચારતો હશે કે ભારત જેટલી જ ઓવરમાં અમે વધુ રન બનાવ્યાં તો પણ આબરૂના પાળિયા જ થઈ ગયા.
ધોનીનો નસીબ અત્યારે સોળે કળાએ ખીલ્યું છે. તે ટીમમાં આવ્યો અને નસીબજોગે ગાંગુલીના વળતાં પાણી શરૂ થયા. તે પછી તેના પ્રતિસ્પર્ધી યુવરાજે ગાંગુલી પ્રત્યે વફાદારી દાખવી અને કિમ શર્મા તથા દીપિકા પાદુકોણે જેવી અભિનેત્રીઓ સાથે તેના પ્રેમપ્રકરણો ચગતાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેને કેપ્ટન જેવી જવાબદારી નહીં સોંપવાનો નિર્ણય કર્યો.
ધોનીને નસીબ કેવું સાથે આપે છે તેનો વધુ એક દાખલો આપણને ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં મળી ગયો છે. વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયેલા ક્રિકેટના મહાકુંભ સમાન વિશ્વકપમાં રાહુલ દ્રવિડની આગેવાની હેઠળ ભૂંડા હાલે ભારતીય ટીમનો પરાજય થયો હતો. તે પછી સચિન, ગાંગુલી અને દ્રવિડ વિનાની ભારતીય ટીમ ધોનીની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ રમવા ગઈ. ત્યારે ભારતીય ક્રિકેટપ્રેમીઓ સહિત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને ધોની મંડળી પાસેથી કોઈ મોટી અપેક્ષા નહોતી. પણ ધોનીની મંડળી યેન-કેન પ્રકારે ફાઇનલમાં પહોંચી ગઈ જ્યાં તેનો મુકાબલો આપણા પારંપરિક હરિફ પાકિસ્તાનની ટીમ સામે હતો. તેમાં પાકિસ્તાન જીતવાની અણી ઉપર હતું ત્યારે મિસ્બાહની વિકેટની પાછળ ફટકો મારવાની લાલચે ભારતને વિજયની ભેટ ધરી દીધી. તે પછી આ ખોટા ફટકાનો અફસોસ મિસ્બાહના ચહેરા પર જોવા જેવો હતો. તેણે એક મુલાકાતમાં કહ્યું હતું કે, ''મેં સામેથી વિજયનો કોળિયો ભારતની ટીમના મોંમાં મૂકી દીધો હતો.''
એક આડ વાત કરી લઇએ. બેંગ્લોરમાં જે ઇંગ્લેન્ડને ડકવર્થ-લૂઇસનો નિયમ વાહિયાત લાગ્યો હશે તે જ નિયમના કારણે વર્ષ 1992માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં રમાયેલા પાંચમા વિશ્વકપની સેમી-ફાઇનલમાં ઇંગ્લેન્ડનો દક્ષિણ આફ્રિકા સામે વિજય થયો હતો.
22 માર્ચ, 1992ના રોજ સીડનીમાં રમાયેલી આ સેમી-ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે પહેલો દાવ લઈ 45 ઓવરમાં છ વિકેટના ભોગે 252 રન બનાવ્યાં હતા. તે સમયે દક્ષિણ આફ્રિકાની ટીમ વિશ્વકપ જીતવા માટે ડાર્ક હોર્સ ગણાતી હતી અને ઇંગ્લેન્ડને પછાડી દેશે તેવી પૂરેપૂરી શક્યતા હતા. આફ્રિકાના બેટ્સમેનોએ 42.5 ઓવરમાં છ વિકેટના ભોગે 231 રન બનાવી લીધા હતા. બરોબર તે સમયે જ મેઘરાજાની સવારી આવી પહોંચી અને આફ્રિકાના નસીબ પર પાણી ફરી વળ્યું. વરસાદના કારણે 12 મિનિટ રમત બંધ રહી પણ આ સમય આફ્રિકા માટે કમનસીબ પુરવાર થયો. મેચ ફરી શરૂ થઈ ત્યારે ડકવર્થ-લૂઇસના નિયમ મુજબ આફ્રિકાને જીતવા એક બોલમાં 22 રનનો અશક્ય લક્ષ્યાંક ધરી દેવામાં આવ્યો.
ભલભલી સારી ટીમની મહેનત પર પાણી ફેરવી દેનારો ડકવર્થ-લૂઇસ નિયમ ફ્રેન્ક ડકવર્થ અને ટોની લૂઇસની જોડીએ બનાવ્યો હતો. તેમાંથી ફ્રેન્ક ડકવર્થ કન્સલ્ટન્ટ સ્ટેટેસ્ટિશ્યિન હતો અને રોયલ સ્ટેટેસ્ટિકલ સોસાયટીના માસિક ન્યૂઝ મેગેઝિન આરએસએસ ન્યૂઝના એડિટર હતા તો ટોની લૂઇસ બ્રિસ્ટલની વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડ યુનિવર્સિટી ખાતે કમ્પ્યુટર સ્ટડીઝ અને મેથેમેટિક્સ વિભાગના મેથેમેટિક્સના લેકચરર હતા તેમજ ઓપરેશનલ રીસર્ચ સોસાયટીના પશ્ચિમ શાખાના ચેરમેન હતા.

No comments: