Tuesday, November 18, 2008

ભારતનું લોહિયાળ વિભાજન




અંગ્રેજો આવ્યા. તેમણે ભારતનાં અનેક રાજા-રજવાડાંને એક કરી હિંદુસ્તાનનો નકશો તૈયાર કર્યો. પરંતુ જ્યારે અંગ્રેજો ભારત છોડીને જશે ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે સાંસ્કૃતિક રીતે અખંડ હિંદુસ્તાનનાં લોહિયાળ ભાગલા પડી જશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વર્ષ 1942માં જ્યારે અંગ્રેજોને ભારત છોડવાનું આહ્વવાન કર્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ''હિંદુસ્તાનને ઇશ્વરના ભરોસે છોડી દો..કાં અરાજકતાને હવાલે કરી દો.'' ત્યારે તેમને ખ્યાલ પણ નહોતો કે અંગ્રેજો ભારતને અલવિદા કહેશે ત્યારે હિંદુસ્તાન ખરેખર તેના ઇતિહાસની સૌથી મોટી અરાજકતાનું સાક્ષી બનશે. અંગ્રેજો લાલ કિલ્લો છોડીને ચાલ્યાં ગયા અને હિંદુસ્તાનમાંથી ભારત અને પાકિસ્તાન નામનાં બે રાષ્ટ્રોનું સર્જન થયું. ભારતમાતા આઝાદ તો થઈ ગઈ પણ તેનું એક અંગ છૂટું પડી ગયું હતું.
14મી ઓગસ્ટ, 1947ની મધરાતે સમગ્ર દુનિયા સૂતી હતી ત્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરએ બંધારણ સભામાં ઊભા થઈને કાવ્યાત્મક શૈલીમાં ભારતની આઝાદીનો શંખનાદ ફૂંક્યો હતો. ઐતિહાસક ઘોષણા કરતાં તેમણે કહ્યું હતું કે, ''વર્ષો પહેલાં આપણે પ્રારબ્ધને એક વચન આપ્યું હતું, આજે તે વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે...એવી ક્ષણ આવે છે..જ્યારે લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રની આત્માને વાણી મળે છે...''
ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું પણ લોહીલુહાણ અને હ્રદયમાં નફરત સાથે. વિભાજન સાથે લોકોના મન અને હ્રદય પણ જુદાં પડી ગયા. તે ઇતિહાસની સૌથી ભયાનક વિકૃત ઘટના હતી. આ લોહિયાળ વિભાજનમાં 13 લાખ લોકો માર્યા ગયા હતા, દોઢ કરોડ લોકો વિસ્થાપિત થયા હતા, 12.5 લાખ શરણાર્થીઓ ભારતમાં આવ્યા હતા, 90 લાખ શરણાર્થીઓ પંજાબમાંથી પાકિસ્તાન ગયા હતા અને એક લાખ મહિલાઓ પર બળાત્કાર થયો હતો.
આ લોહિયાળ વિભાજન જોઇને પાકિસ્તાનના ઉર્દૂ શાયર ફૈઝ અહમદ ફૈઝે પોતાની વેદના આ શબ્દોમાં વ્યક્ત કરી હતીઃ
યે દાગ દાગ ઉજાલા યે શબગુજીદા સહર,
યે વો સહર તો નહીં જિસકી આરઝૂ લેકર,
ચલે થે યાર કિ મિલ જાયેગી કહીં ન કહીં..

No comments: