Friday, November 21, 2008

ઉફ્! અભિપ્રાય, અભિપ્રાય અને અભિપ્રાય!


તે તો હિંદુવાદી છે.
તે ભાજપનો ચેલો છે.
તે તો કોંગ્રેસી છે.
તે તો છહ્મ-ધર્મનિરપેક્ષ છે.
તેનો સ્વભાવ બહુ ખરાબ છે.
તે ઇર્ષાળુ છે.
તેનું કેરેક્ટર જરાં નબળું છે.
તે તો નરેન્દ્ર મોદીનો ભગત છે.
તે તો આપણા બોસ્સનો ચમચો છે.
તેને હંમેશા તંત્રીઓની આજુબાજુ જ રહેવાનું પસંદ છે।


ઉફ્! અભિપ્રાય, અભિપ્રાય અને અભિપ્રાય! દરરોજ કેટકેટલા લોકો વિશે કેટકેટલા અભિપ્રાય અજાણતા અને કમને સાંભળવા મળે છે. માણસને અભિપ્રાય વિના જીવતાં જ નથી આવડતું તેવું લાગે છે. કોઈ વ્યક્તિની સાથે બે-પાંચ દિવસનો સંગ શું થઈ જાય કે તેને આખેઆખો જાણી લેવાનો વહેમ માણસના મનમાં ઘર કરી જાય છે. વહેમનું કોઈ ઓસડ નથી. ખરેખર માણસના મનમાં એક વખત વહેમ ઘર કરી જાય પછી તેને કોઈ દૂર કરી શકતું નથી.
હકીકતમાં આપણે કોઈ વ્યક્તિને કોઈ વિષય પર પૂરેપૂરો જાણી શકીએ નહીં. હા તેની સાથેના થોડા સંગથી તેની વિચારધારા વિશે બહુ આછો ખ્યાલ આવે. પણ આ ખ્યાલમાં તટસ્થતા કેટલી? આપણા ખ્યાલ આપણી સામાજિક-માનસિક પૃષ્ઠભૂમિ પર રચાય છે. આ પૃષ્ઠભૂમિથી દૂર રહીને જ તટસ્થ અભિપ્રાય રજૂ કરવાની ક્ષમતા બહુ ઓછા લોકો પાસે હોય છે.
આપણા અભિપ્રાય માત્ર આપણા અનુભવને આધારે રચાયા હોય છે. જો આપણને કોઈ વ્યક્તિથી સારો અનુભવ(હકીકતમાં આપણને અનુકૂળ) થાય તો આપણે તેના નામના રાસડા લેવાં મંડીએ અને તેનો આપણને ખરાબ (આપણને પ્રતિકૂળ) અનુભવ થાય તો કૂતરો બિલાડીની પાછળ પડે તેમ તેની પાછળ પડી જઈએ છીએ.
ખરેખર તો આપણે જ્યાં સુધી કોઈ વ્યક્તિને સારી રીતે જાણતા ન હોય કે ત્યાં સુધી તેના વિશે કોઈ પણ વ્યક્તિ વિશે અભિપ્રાય આપવાનો અધિકાર જ નથી. જ્યાં સુધી આપણી પાસે કોઈ બાબત વિશે પૂરેપૂરી માહિતી ન હોય ત્યાં સુધી તેના વિશે ચુકાદા ગમે તેના માથા પર મારવાનો આપણને કોઈ અધિકાર નથી. આ પ્રકારના ઠેરઠેર અભિપ્રાયનો વરસાદ કરતાં અભિપ્રાયોના સ્વામીઓને જ્યારે હું મળું છું ત્યારે મને વિદ્યાપીઠના મારા પ્રાધ્યાપક અશ્વિન ચૌહાણ યાદ આવી જાય છે. હું જ્યારે વિદ્યાપીઠમાં પત્રકારત્વનો અભ્યાસ કરતો ત્યારે અમારા પ્રાધ્યાપક અશ્વિન ચૌહાણ લેક્ચરમાં કહેતાં કે, ''આપણે બધાં અભિપ્રાયશૂરા છીએ.''

No comments: