Wednesday, November 19, 2008

કાશ્મીરનું જોડાણ અને લોહિયાળ સંઘર્ષનું બીજારોપણ


મુઘલ બાદશાહ જહાંગીરે કહ્યું હતું કે, ''પૃથ્વી પર જો કોઈ સ્વર્ગ હોય તો તે કાશ્મીર જ છે, કાશ્મીર જ છે અને કાશ્મીર જ છે.'' આ સ્વર્ગ સમાન કાશ્મીરને ભારત પાસેથી પચાવી પાડવા પાકિસ્તાન છેલ્લાં 60 કરતાં વધારે વર્ષથી નાપાક જંગ લડી રહ્યું છે. તેમાં લાખો નિર્દોષ હિંદુ-મુસ્લિમો હોમાઈ ગયા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદના કેન્દ્ર સમાન કાશ્મીર 27મી ઓક્ટોબર, 1947ના રોજ ભારત સાથે જોડાયું હતું. ભારત સરકાર દ્વારા હસ્તાક્ષર થયા હોય તેવા કોઈ બીજા કાનૂની દસ્તાવેજથી ભારતીય ઉપખંડમાં આટલો લોહિયાળ વિવાદ નહીં ઊભા થયો હોય જેટલો કાશ્મીરના મહારાજા હરિ સિંહ અને ભારતના તત્કાલિન ગર્વનર જનરલ લોર્ડ માઉન્ટબેટન વચ્ચે 27મી ઓક્ટોબરના રોજ હસ્તાક્ષરિત જોડાણના દસ્તાવેજથી થયો છે. તેને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ચાર યુદ્ધ છેડાઈ ચુક્યાં છે અને મુઝાહિદ્દીનોએ છેડેલા આતંકવાદમાં 70,000થી વધારે લોકો માર્યા ગયા છે.
ભારતની સ્વતંત્ર્તા સમયે જમ્મુ-કાશ્મીરના શાસક રાજા હરિ સિંહ હતા જે પોતાના રળિયામણા રાજ્યનું ભારત કે પાકિસ્તાન એક પણ રાષ્ટ્ર સાથે જોડાણ કરવા ઇચ્છતા નહોતા. તે સમયે કાશ્મીરમાં મુખ્ય રાજકીય પક્ષ મુસ્લિમ કોન્ફરસ (પાછળથી નેશનલ કોન્ફરન્સ) હતો જેનું નેતૃત્વ શેખ અબ્દુલ્લા કરતાં હતા. કાશ્મીરી પંડિતો, શેખ અબ્દુલ્લા અને ત્યાંના મોટાભાગના મુસ્લિમો કાશ્મીર ભારત સાથે જોડાય તેવું ઇચ્છતાં હતા. પણ દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને આધારે રચાયેલા પાકિસ્તાનને આ મંજૂર નહોતું. તે સમયે કાશ્મીરની વસતીમાં 77 ટકા મુસ્લિમો હતો. કોઈ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર ભારત સાથે જોડાય તે પાકિસ્તાનના શાસકોથી સહન ન થયું અને ત્યાંથી શરૂ થયો લોહિયાળ જંગ જે આજે પણ ચાલુ છે.
ભારત 15મી ઓગસ્ટે આઝાદ થયું. તે પછી કાશ્મીર બાબતે 'જે સે થે' સ્થિતિ જાળવી રાખવાની શરતનું ભારતે પાલન કર્યું, પાકિસ્તાન બહુ સમય પોતાના બદઇરાદાને છૂપો રાખી શક્યું નહીં. તેના સૈનિકોએ 20મી ઓક્ટોબરે કાશ્મીર પર આક્રમણ કરી દીધું. શરૂઆતમાં તો હરિ સિંહે ભારત પાસેથી મદદ માંગી નહીં, પણ પાકિસ્તાની સૈન્યના વધતા જોરને જોઇને તેમણે 27મી ઓક્ટોબરે ભારતના ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનને સહાય કરવાની વિનંતી કરી. માઉન્ટબેટને સહાય કરવાની તૈયારી તો બતાવી પણ ભારત સાથે કાશ્મીરના જોડાણની શરતે. હરિ સિંહે તે જ દિવસે ભારત સાથેના જોડાણ માટે હસ્તાક્ષર કરી દીધા.

No comments: