Tuesday, November 11, 2008

મને દંભીઓ બિલકુલ પસંદ નથી



મોટાભાગના લોકો અન્ય વ્યક્તિઓનાં-ખાસ કરીને પોતાની જ આસપાસના સગાસંબંધીઓ અને મિત્રોનાં-સારો ગુણોનું દર્શન કરીને કે તેમની પ્રશંસા સાંભળીને ઇર્ષાની આગમાં બળી ઊઠે છે. આ સત્ય હકીકત છે અને તેનો સ્વીકાર કરવો જ રહ્યો. ઇર્ષાનો જન્મ સ્પર્ધામાંથી થાય છે અને આપણને સ્પર્ધાત્મક બનવાનો ગુણ તો બાળપણથી જ મળે છે.
બાળપણથી જ મોટાભાગના માતાપિતા તેમના બાળકોને શિક્ષણસહિત દરેક ક્ષેત્રમાં અન્ય બાળકો કરતાં આગળ રહેવાની સલાહ આપતાં હોય છે. તમે જોયું હશે કે, મોટાભાગના માતાપિતા તેમના બાળકો પાસે દરેક ક્ષેત્રમાં નંબર-વન રહેવાની અપેક્ષા સેવે છે. આ રીતે તેઓ પોતાના જ બાળકોને તેમના મિત્રોના પ્રતિસ્પર્ધી બનાવી દે છે. બાળક પર સ્પર્ધાનું મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થાય છે. તે પોતાના જ સાથીદારની પ્રશંસા સાંભળી શકતું નથી. બાળપણથી જન્મેલી આ માનસિકતા કાયમ માટે ઘર કરી જાય છે. આ જ માનસિકતા પરોક્ષ રીતે અન્ય વ્યક્તિના દોષદર્શન માટે જવાબદાર હોય છે.
આ કારણે જ જ્યારે પોતાના સાથીદારની પ્રગતિ થાય છે ત્યારે મોટાભાગનાં લોકો તેને ઉપર-ઉપરથી અભિનંદન આપતા હોય છે, પણ પાછળથી ધુમાડા કાઢતાં હોય છે. આ એક પ્રકારનો દંભ છે અને મને દંભી લોકો બિલકુલ પસંદ નથી. પરંતુ અમુક લોકો એવા હોય છે કે તેમને દંભી જીવન જીવવાની ટેવ હોય છે અને દંભ તેમના જીવનનો અભિન્ન હિસ્સો બની જાય છે. આ પ્રકારની વ્યક્તિઓ પોતાનાં જ મિત્રોની પ્રગતિ સમયે બે ચહેરા ધારણ કરે છે. એક, ફૂલગુલાબી ચહેરો અને બીજો, કાળા ડિબાંગ વાદળ જેવો ચહેરો. તેઓ પોતાના મિત્રો સામે તો ફૂલગુલાબી ચહેરો રાખીને ફરતાં હોય છે, પણ તે એક નકાબ હોય છે અને તેની પાછળ વાસ્તવિક ચહેરો હોય છે અને તે કાળોમેશ હોય છે. ઇર્ષાની આગમાં સળગી-સળગીને તેનો ચહેરા પર કાલિમા છવાઈ જાય છે.

No comments: