Friday, November 28, 2008

હોંશે હોંશે અનુસ્વાર મૂકીએ


અનુસ્વાર મૂકવાની પગદંડી નીચે દર્શાવવામાં આવી છે જેને મારા જેવા ઠોઠિયા-ઠોબારા અને ભૂલથી પત્રકાર થઈ ગયેલાં તમામ મિત્રોએ અનુસરવીઃ

સૌપ્રથમ ભાષામાં અનુસ્વાર જેવું કંઈ છે તેને સંપૂર્ણપણે ભૂલી જાઓ

હવે તમારા પ્રૂફ રીડર જે હોય તેનું નામ પાંચ વખત લો

આ નામ લેવાની એક ચોક્કસ રીત છે। જેમ કે, ઓમ અને નમઃ વચ્ચે તમારા પ્રૂફ રીડરનું નામ કે તેની અટક મૂકીને સંપૂર્ણ શ્લોકનું ઉચ્ચારણ પાંચ વખત કરો

ત્યારબાદ આખી મેટર લખી નાંખો।

જો જો ભૂલથી પણ કોઈ શબ્દને માથે ટપકું મૂકી તેને સૌભાગ્યવાન ન બનાવી દેતા

ત્યારબાદ અનુસ્વારરૂપી ટપકાં હાથમાં લો

ફરી તમારા પ્રૂફ રીડરનું નામ પાંચ વખત લો

આ વખતે તમારા પ્રૂફ રીડરનું નામ લેવાનો શ્લોક અલગ છે

તેમાં તમારે હર હર મહાદેવની જગ્યાએ હર હર પછી તમારા પ્રૂફ રીડરનું લાડકું નામ કે તેની અટક બોલવાની છે

પછી ટપકાંની મુઠ્ઠીવાળો હાથ પાછળ લઈ જાઓ

ફરી 'હર હર પ્રૂફ રીડર' હર કરીને તમારી મુઠ્ઠીમાં રહેલા ટપકાંનો હર્ષભેર મેટર પર છંટકાવ કરી દો

હવે જુઓ તમારા જે શબ્દોના નસીબમાં સૌભાગ્યવાન થવાનું લખ્યું હશે તેના પર અનુસ્વાર સવાર થઈ ગયો હશે

ખાસ સૂચનાઃ આ નિયમોનો ઉપયોગ માત્ર ને માત્ર મારા જેવા કક્કા-બારખડીનો ક,ખ,ગ,ઘ,ચ,છ,જ,ઝ,ત,થ,દ,ધ,પ,ફ,બ,ભ,ય,ર,લ,વ,ન,મ...ન જાણતા હોય તેવા પત્રકારો અને લેખકોએ કરવો.

Monday, November 24, 2008

અલ્લાહ મહેરબાન તો ધોની પહેલવાન


કહેવાય છે કે, જબ ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. આજકાલ ખુદા ભારતીય ક્રિકેટ ટીમના યુવા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર વારી ગયા હોય તેવું લાગે છે. તેનો પુરાવો ક્રિકેટપ્રેમીઓને ફરી એક વખત બેંગ્લોરમાં મળી ગયો. ગઇકાલે ત્યાં ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે ચોથી એકદિવસીય મેચ રમાઈ હતી. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી આ મેચમાં નસીબની દેવીએ ધોનીને સાથ આપ્યો.
ભારતે પહેલાં દાવમાં 22 ઓવરમાં 166 રન બનાવ્યાં હતા. ડકવર્થ-લૂઇસના નિયમ મુજબ અંગ્રેજોને એટલી જ ઓવરમાં 198 રન કરવાનો લક્ષ્યાંક મળ્યો. તેમણે આ લક્ષ્યાંક પાર પાડવાનો પ્રયાસ પણ કર્યો અને 22 ઓવરમાં 178 રન બનાવ્યા પણ છેવટે જીત તો ભારતની જ થઈ. તેનો કેપ્ટન પીટરસન વિચારતો હશે કે ભારત જેટલી જ ઓવરમાં અમે વધુ રન બનાવ્યાં તો પણ આબરૂના પાળિયા જ થઈ ગયા.
ધોનીનો નસીબ અત્યારે સોળે કળાએ ખીલ્યું છે. તે ટીમમાં આવ્યો અને નસીબજોગે ગાંગુલીના વળતાં પાણી શરૂ થયા. તે પછી તેના પ્રતિસ્પર્ધી યુવરાજે ગાંગુલી પ્રત્યે વફાદારી દાખવી અને કિમ શર્મા તથા દીપિકા પાદુકોણે જેવી અભિનેત્રીઓ સાથે તેના પ્રેમપ્રકરણો ચગતાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેને કેપ્ટન જેવી જવાબદારી નહીં સોંપવાનો નિર્ણય કર્યો.
ધોનીને નસીબ કેવું સાથે આપે છે તેનો વધુ એક દાખલો આપણને ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં મળી ગયો છે. વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયેલા ક્રિકેટના મહાકુંભ સમાન વિશ્વકપમાં રાહુલ દ્રવિડની આગેવાની હેઠળ ભૂંડા હાલે ભારતીય ટીમનો પરાજય થયો હતો. તે પછી સચિન, ગાંગુલી અને દ્રવિડ વિનાની ભારતીય ટીમ ધોનીની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ રમવા ગઈ. ત્યારે ભારતીય ક્રિકેટપ્રેમીઓ સહિત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને ધોની મંડળી પાસેથી કોઈ મોટી અપેક્ષા નહોતી. પણ ધોનીની મંડળી યેન-કેન પ્રકારે ફાઇનલમાં પહોંચી ગઈ જ્યાં તેનો મુકાબલો આપણા પારંપરિક હરિફ પાકિસ્તાનની ટીમ સામે હતો. તેમાં પાકિસ્તાન જીતવાની અણી ઉપર હતું ત્યારે મિસ્બાહની વિકેટની પાછળ ફટકો મારવાની લાલચે ભારતને વિજયની ભેટ ધરી દીધી. તે પછી આ ખોટા ફટકાનો અફસોસ મિસ્બાહના ચહેરા પર જોવા જેવો હતો. તેણે એક મુલાકાતમાં કહ્યું હતું કે, ''મેં સામેથી વિજયનો કોળિયો ભારતની ટીમના મોંમાં મૂકી દીધો હતો.''
એક આડ વાત કરી લઇએ. બેંગ્લોરમાં જે ઇંગ્લેન્ડને ડકવર્થ-લૂઇસનો નિયમ વાહિયાત લાગ્યો હશે તે જ નિયમના કારણે વર્ષ 1992માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં રમાયેલા પાંચમા વિશ્વકપની સેમી-ફાઇનલમાં ઇંગ્લેન્ડનો દક્ષિણ આફ્રિકા સામે વિજય થયો હતો.
22 માર્ચ, 1992ના રોજ સીડનીમાં રમાયેલી આ સેમી-ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે પહેલો દાવ લઈ 45 ઓવરમાં છ વિકેટના ભોગે 252 રન બનાવ્યાં હતા. તે સમયે દક્ષિણ આફ્રિકાની ટીમ વિશ્વકપ જીતવા માટે ડાર્ક હોર્સ ગણાતી હતી અને ઇંગ્લેન્ડને પછાડી દેશે તેવી પૂરેપૂરી શક્યતા હતા. આફ્રિકાના બેટ્સમેનોએ 42.5 ઓવરમાં છ વિકેટના ભોગે 231 રન બનાવી લીધા હતા. બરોબર તે સમયે જ મેઘરાજાની સવારી આવી પહોંચી અને આફ્રિકાના નસીબ પર પાણી ફરી વળ્યું. વરસાદના કારણે 12 મિનિટ રમત બંધ રહી પણ આ સમય આફ્રિકા માટે કમનસીબ પુરવાર થયો. મેચ ફરી શરૂ થઈ ત્યારે ડકવર્થ-લૂઇસના નિયમ મુજબ આફ્રિકાને જીતવા એક બોલમાં 22 રનનો અશક્ય લક્ષ્યાંક ધરી દેવામાં આવ્યો.
ભલભલી સારી ટીમની મહેનત પર પાણી ફેરવી દેનારો ડકવર્થ-લૂઇસ નિયમ ફ્રેન્ક ડકવર્થ અને ટોની લૂઇસની જોડીએ બનાવ્યો હતો. તેમાંથી ફ્રેન્ક ડકવર્થ કન્સલ્ટન્ટ સ્ટેટેસ્ટિશ્યિન હતો અને રોયલ સ્ટેટેસ્ટિકલ સોસાયટીના માસિક ન્યૂઝ મેગેઝિન આરએસએસ ન્યૂઝના એડિટર હતા તો ટોની લૂઇસ બ્રિસ્ટલની વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડ યુનિવર્સિટી ખાતે કમ્પ્યુટર સ્ટડીઝ અને મેથેમેટિક્સ વિભાગના મેથેમેટિક્સના લેકચરર હતા તેમજ ઓપરેશનલ રીસર્ચ સોસાયટીના પશ્ચિમ શાખાના ચેરમેન હતા.

Friday, November 21, 2008

ઉફ્! અભિપ્રાય, અભિપ્રાય અને અભિપ્રાય!


તે તો હિંદુવાદી છે.
તે ભાજપનો ચેલો છે.
તે તો કોંગ્રેસી છે.
તે તો છહ્મ-ધર્મનિરપેક્ષ છે.
તેનો સ્વભાવ બહુ ખરાબ છે.
તે ઇર્ષાળુ છે.
તેનું કેરેક્ટર જરાં નબળું છે.
તે તો નરેન્દ્ર મોદીનો ભગત છે.
તે તો આપણા બોસ્સનો ચમચો છે.
તેને હંમેશા તંત્રીઓની આજુબાજુ જ રહેવાનું પસંદ છે।


ઉફ્! અભિપ્રાય, અભિપ્રાય અને અભિપ્રાય! દરરોજ કેટકેટલા લોકો વિશે કેટકેટલા અભિપ્રાય અજાણતા અને કમને સાંભળવા મળે છે. માણસને અભિપ્રાય વિના જીવતાં જ નથી આવડતું તેવું લાગે છે. કોઈ વ્યક્તિની સાથે બે-પાંચ દિવસનો સંગ શું થઈ જાય કે તેને આખેઆખો જાણી લેવાનો વહેમ માણસના મનમાં ઘર કરી જાય છે. વહેમનું કોઈ ઓસડ નથી. ખરેખર માણસના મનમાં એક વખત વહેમ ઘર કરી જાય પછી તેને કોઈ દૂર કરી શકતું નથી.
હકીકતમાં આપણે કોઈ વ્યક્તિને કોઈ વિષય પર પૂરેપૂરો જાણી શકીએ નહીં. હા તેની સાથેના થોડા સંગથી તેની વિચારધારા વિશે બહુ આછો ખ્યાલ આવે. પણ આ ખ્યાલમાં તટસ્થતા કેટલી? આપણા ખ્યાલ આપણી સામાજિક-માનસિક પૃષ્ઠભૂમિ પર રચાય છે. આ પૃષ્ઠભૂમિથી દૂર રહીને જ તટસ્થ અભિપ્રાય રજૂ કરવાની ક્ષમતા બહુ ઓછા લોકો પાસે હોય છે.
આપણા અભિપ્રાય માત્ર આપણા અનુભવને આધારે રચાયા હોય છે. જો આપણને કોઈ વ્યક્તિથી સારો અનુભવ(હકીકતમાં આપણને અનુકૂળ) થાય તો આપણે તેના નામના રાસડા લેવાં મંડીએ અને તેનો આપણને ખરાબ (આપણને પ્રતિકૂળ) અનુભવ થાય તો કૂતરો બિલાડીની પાછળ પડે તેમ તેની પાછળ પડી જઈએ છીએ.
ખરેખર તો આપણે જ્યાં સુધી કોઈ વ્યક્તિને સારી રીતે જાણતા ન હોય કે ત્યાં સુધી તેના વિશે કોઈ પણ વ્યક્તિ વિશે અભિપ્રાય આપવાનો અધિકાર જ નથી. જ્યાં સુધી આપણી પાસે કોઈ બાબત વિશે પૂરેપૂરી માહિતી ન હોય ત્યાં સુધી તેના વિશે ચુકાદા ગમે તેના માથા પર મારવાનો આપણને કોઈ અધિકાર નથી. આ પ્રકારના ઠેરઠેર અભિપ્રાયનો વરસાદ કરતાં અભિપ્રાયોના સ્વામીઓને જ્યારે હું મળું છું ત્યારે મને વિદ્યાપીઠના મારા પ્રાધ્યાપક અશ્વિન ચૌહાણ યાદ આવી જાય છે. હું જ્યારે વિદ્યાપીઠમાં પત્રકારત્વનો અભ્યાસ કરતો ત્યારે અમારા પ્રાધ્યાપક અશ્વિન ચૌહાણ લેક્ચરમાં કહેતાં કે, ''આપણે બધાં અભિપ્રાયશૂરા છીએ.''

Wednesday, November 19, 2008

શું હું તને પ્રેમ કરું છું?



સૂરજના કિરણોમાં તું,
ચંદ્રની ચાંદનીમાં તું.
વાદળોનાં મહાસાગરમાં તું,
મહાસાગરની લહેરોમાં તું.
લીલાછમ વૃક્ષોનાં પર્ણોમાં તું,
બાગમાં ખીલતાં પુષ્પોમાં તું.
પુષ્પોની કળીઓમાં તું,
કળીઓની મહેંકમાં તું.
મારા નયનોમાં તું,
તેમાંથી વહેતાં અશ્રુઓમાં તું.
મારી યાદોમાં તું,
મારી વાતોમાં તું.
બસ તું, તું અને તું,
શું હું તને પ્રેમ કરું છું?

કાશ્મીરનું જોડાણ અને લોહિયાળ સંઘર્ષનું બીજારોપણ


મુઘલ બાદશાહ જહાંગીરે કહ્યું હતું કે, ''પૃથ્વી પર જો કોઈ સ્વર્ગ હોય તો તે કાશ્મીર જ છે, કાશ્મીર જ છે અને કાશ્મીર જ છે.'' આ સ્વર્ગ સમાન કાશ્મીરને ભારત પાસેથી પચાવી પાડવા પાકિસ્તાન છેલ્લાં 60 કરતાં વધારે વર્ષથી નાપાક જંગ લડી રહ્યું છે. તેમાં લાખો નિર્દોષ હિંદુ-મુસ્લિમો હોમાઈ ગયા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદના કેન્દ્ર સમાન કાશ્મીર 27મી ઓક્ટોબર, 1947ના રોજ ભારત સાથે જોડાયું હતું. ભારત સરકાર દ્વારા હસ્તાક્ષર થયા હોય તેવા કોઈ બીજા કાનૂની દસ્તાવેજથી ભારતીય ઉપખંડમાં આટલો લોહિયાળ વિવાદ નહીં ઊભા થયો હોય જેટલો કાશ્મીરના મહારાજા હરિ સિંહ અને ભારતના તત્કાલિન ગર્વનર જનરલ લોર્ડ માઉન્ટબેટન વચ્ચે 27મી ઓક્ટોબરના રોજ હસ્તાક્ષરિત જોડાણના દસ્તાવેજથી થયો છે. તેને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ચાર યુદ્ધ છેડાઈ ચુક્યાં છે અને મુઝાહિદ્દીનોએ છેડેલા આતંકવાદમાં 70,000થી વધારે લોકો માર્યા ગયા છે.
ભારતની સ્વતંત્ર્તા સમયે જમ્મુ-કાશ્મીરના શાસક રાજા હરિ સિંહ હતા જે પોતાના રળિયામણા રાજ્યનું ભારત કે પાકિસ્તાન એક પણ રાષ્ટ્ર સાથે જોડાણ કરવા ઇચ્છતા નહોતા. તે સમયે કાશ્મીરમાં મુખ્ય રાજકીય પક્ષ મુસ્લિમ કોન્ફરસ (પાછળથી નેશનલ કોન્ફરન્સ) હતો જેનું નેતૃત્વ શેખ અબ્દુલ્લા કરતાં હતા. કાશ્મીરી પંડિતો, શેખ અબ્દુલ્લા અને ત્યાંના મોટાભાગના મુસ્લિમો કાશ્મીર ભારત સાથે જોડાય તેવું ઇચ્છતાં હતા. પણ દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને આધારે રચાયેલા પાકિસ્તાનને આ મંજૂર નહોતું. તે સમયે કાશ્મીરની વસતીમાં 77 ટકા મુસ્લિમો હતો. કોઈ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર ભારત સાથે જોડાય તે પાકિસ્તાનના શાસકોથી સહન ન થયું અને ત્યાંથી શરૂ થયો લોહિયાળ જંગ જે આજે પણ ચાલુ છે.
ભારત 15મી ઓગસ્ટે આઝાદ થયું. તે પછી કાશ્મીર બાબતે 'જે સે થે' સ્થિતિ જાળવી રાખવાની શરતનું ભારતે પાલન કર્યું, પાકિસ્તાન બહુ સમય પોતાના બદઇરાદાને છૂપો રાખી શક્યું નહીં. તેના સૈનિકોએ 20મી ઓક્ટોબરે કાશ્મીર પર આક્રમણ કરી દીધું. શરૂઆતમાં તો હરિ સિંહે ભારત પાસેથી મદદ માંગી નહીં, પણ પાકિસ્તાની સૈન્યના વધતા જોરને જોઇને તેમણે 27મી ઓક્ટોબરે ભારતના ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનને સહાય કરવાની વિનંતી કરી. માઉન્ટબેટને સહાય કરવાની તૈયારી તો બતાવી પણ ભારત સાથે કાશ્મીરના જોડાણની શરતે. હરિ સિંહે તે જ દિવસે ભારત સાથેના જોડાણ માટે હસ્તાક્ષર કરી દીધા.

Tuesday, November 18, 2008

ભારતનું લોહિયાળ વિભાજન




અંગ્રેજો આવ્યા. તેમણે ભારતનાં અનેક રાજા-રજવાડાંને એક કરી હિંદુસ્તાનનો નકશો તૈયાર કર્યો. પરંતુ જ્યારે અંગ્રેજો ભારત છોડીને જશે ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે સાંસ્કૃતિક રીતે અખંડ હિંદુસ્તાનનાં લોહિયાળ ભાગલા પડી જશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વર્ષ 1942માં જ્યારે અંગ્રેજોને ભારત છોડવાનું આહ્વવાન કર્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ''હિંદુસ્તાનને ઇશ્વરના ભરોસે છોડી દો..કાં અરાજકતાને હવાલે કરી દો.'' ત્યારે તેમને ખ્યાલ પણ નહોતો કે અંગ્રેજો ભારતને અલવિદા કહેશે ત્યારે હિંદુસ્તાન ખરેખર તેના ઇતિહાસની સૌથી મોટી અરાજકતાનું સાક્ષી બનશે. અંગ્રેજો લાલ કિલ્લો છોડીને ચાલ્યાં ગયા અને હિંદુસ્તાનમાંથી ભારત અને પાકિસ્તાન નામનાં બે રાષ્ટ્રોનું સર્જન થયું. ભારતમાતા આઝાદ તો થઈ ગઈ પણ તેનું એક અંગ છૂટું પડી ગયું હતું.
14મી ઓગસ્ટ, 1947ની મધરાતે સમગ્ર દુનિયા સૂતી હતી ત્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરએ બંધારણ સભામાં ઊભા થઈને કાવ્યાત્મક શૈલીમાં ભારતની આઝાદીનો શંખનાદ ફૂંક્યો હતો. ઐતિહાસક ઘોષણા કરતાં તેમણે કહ્યું હતું કે, ''વર્ષો પહેલાં આપણે પ્રારબ્ધને એક વચન આપ્યું હતું, આજે તે વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે...એવી ક્ષણ આવે છે..જ્યારે લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રની આત્માને વાણી મળે છે...''
ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું પણ લોહીલુહાણ અને હ્રદયમાં નફરત સાથે. વિભાજન સાથે લોકોના મન અને હ્રદય પણ જુદાં પડી ગયા. તે ઇતિહાસની સૌથી ભયાનક વિકૃત ઘટના હતી. આ લોહિયાળ વિભાજનમાં 13 લાખ લોકો માર્યા ગયા હતા, દોઢ કરોડ લોકો વિસ્થાપિત થયા હતા, 12.5 લાખ શરણાર્થીઓ ભારતમાં આવ્યા હતા, 90 લાખ શરણાર્થીઓ પંજાબમાંથી પાકિસ્તાન ગયા હતા અને એક લાખ મહિલાઓ પર બળાત્કાર થયો હતો.
આ લોહિયાળ વિભાજન જોઇને પાકિસ્તાનના ઉર્દૂ શાયર ફૈઝ અહમદ ફૈઝે પોતાની વેદના આ શબ્દોમાં વ્યક્ત કરી હતીઃ
યે દાગ દાગ ઉજાલા યે શબગુજીદા સહર,
યે વો સહર તો નહીં જિસકી આરઝૂ લેકર,
ચલે થે યાર કિ મિલ જાયેગી કહીં ન કહીં..

Friday, November 14, 2008

કેવા ખોટા ખ્યાલોમાં રાચો છો...


કેવા ખોટા ખ્યાલોમાં રાચો છો,
હા, તમે ભરમમાં રાચો છો।

એક અમથા હાસ્યને પ્રેમ સમજો છો,
પ્રેમને સમજ્યાં વિના પ્રેમને ઝંખો છો।

પ્રેમીઓનો પંથ ખડો કર્યો હોવાના ગુમાનમાં ગરજો છો,
વેરાન રણમાં ગુલાબના ગોટા ખીલે તેવું સમજો છો।

બહુ સમજદાર હોવાના વહેમમાં ફરો છો,
આંખનું કાજળ ગાલે ઘસો છો।

આવા જ વહેમોમાં જવાની વીતી ગઈ,
છતાં પોતાને લજામણીનો છોડ સમજો છો.

Tuesday, November 11, 2008

પ્રેમને કેવું બંધન?



ખબર નથી
તારી અને મારી ને
મારી અને તારી વચ્ચે
શો સંબંધ છે?
પણ
હું જાણું છું કે
તારી અને મારી ને
મારી અને તારી
આંખો સતત
એકબીજાને ઝંખે છે.
આંખોથી આંખો ચોરાવી
તું મને જુએ છે
અને
ચૂપકીદીથી
હું તને જોઈ લઉં છું.
હું જાણું છું કે
તારી અને મારી ને
મારી અને તારી પર
ચોકીપહેરો છે
દુનિયા અને દુનિયાદારીનો.
પણ
પ્રેમને કેવું બંધન?
આવ
મારી અને તારી ને
તારી અને મારી વચ્ચે
ઊભી કરેલી દિવાલને
નેસ્તોનાબૂદ કરી નાંખીએ
અને
જતાં રહીએ પેલે પાર
જ્યાં મારા અને તારા ને
તારા અને મારા સિવાય
બીજું કોઈ ન હોય.

મને દંભીઓ બિલકુલ પસંદ નથી



મોટાભાગના લોકો અન્ય વ્યક્તિઓનાં-ખાસ કરીને પોતાની જ આસપાસના સગાસંબંધીઓ અને મિત્રોનાં-સારો ગુણોનું દર્શન કરીને કે તેમની પ્રશંસા સાંભળીને ઇર્ષાની આગમાં બળી ઊઠે છે. આ સત્ય હકીકત છે અને તેનો સ્વીકાર કરવો જ રહ્યો. ઇર્ષાનો જન્મ સ્પર્ધામાંથી થાય છે અને આપણને સ્પર્ધાત્મક બનવાનો ગુણ તો બાળપણથી જ મળે છે.
બાળપણથી જ મોટાભાગના માતાપિતા તેમના બાળકોને શિક્ષણસહિત દરેક ક્ષેત્રમાં અન્ય બાળકો કરતાં આગળ રહેવાની સલાહ આપતાં હોય છે. તમે જોયું હશે કે, મોટાભાગના માતાપિતા તેમના બાળકો પાસે દરેક ક્ષેત્રમાં નંબર-વન રહેવાની અપેક્ષા સેવે છે. આ રીતે તેઓ પોતાના જ બાળકોને તેમના મિત્રોના પ્રતિસ્પર્ધી બનાવી દે છે. બાળક પર સ્પર્ધાનું મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થાય છે. તે પોતાના જ સાથીદારની પ્રશંસા સાંભળી શકતું નથી. બાળપણથી જન્મેલી આ માનસિકતા કાયમ માટે ઘર કરી જાય છે. આ જ માનસિકતા પરોક્ષ રીતે અન્ય વ્યક્તિના દોષદર્શન માટે જવાબદાર હોય છે.
આ કારણે જ જ્યારે પોતાના સાથીદારની પ્રગતિ થાય છે ત્યારે મોટાભાગનાં લોકો તેને ઉપર-ઉપરથી અભિનંદન આપતા હોય છે, પણ પાછળથી ધુમાડા કાઢતાં હોય છે. આ એક પ્રકારનો દંભ છે અને મને દંભી લોકો બિલકુલ પસંદ નથી. પરંતુ અમુક લોકો એવા હોય છે કે તેમને દંભી જીવન જીવવાની ટેવ હોય છે અને દંભ તેમના જીવનનો અભિન્ન હિસ્સો બની જાય છે. આ પ્રકારની વ્યક્તિઓ પોતાનાં જ મિત્રોની પ્રગતિ સમયે બે ચહેરા ધારણ કરે છે. એક, ફૂલગુલાબી ચહેરો અને બીજો, કાળા ડિબાંગ વાદળ જેવો ચહેરો. તેઓ પોતાના મિત્રો સામે તો ફૂલગુલાબી ચહેરો રાખીને ફરતાં હોય છે, પણ તે એક નકાબ હોય છે અને તેની પાછળ વાસ્તવિક ચહેરો હોય છે અને તે કાળોમેશ હોય છે. ઇર્ષાની આગમાં સળગી-સળગીને તેનો ચહેરા પર કાલિમા છવાઈ જાય છે.

Wednesday, November 5, 2008

હવે મુસલમાનોએ એક થઇને સત્તા મેળવવાનો નિર્ણય કર્યો છેઃ સૈયદ અહમદ બુખારી


દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ દેશના મુસલમાનોને એક અલગ રાજકીય પક્ષ બનાવવવાનું આહ્વાન કર્યું છે। એટલું જ નહીં તેમણે મુસલમાનોને એક થઈ દિલ્હીના લાલ કિલ્લા પર ઇસ્લામિક સલ્તનતની સ્થાપના ફરીથી કરવાની પણ આડકતરી રીતે હાકલ કરી છે।
બુખારીએ હિંદી પખવાડિક સાપ્તાહિક 'તહેલકા'ને આપેલી મુલાકાતમાં ભારતમાં મુસલમાનો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું કહેતાં જણાવ્યું હતું કે, ''દેશમાં મુસલમાનોને જીવતા સળગાવી દેવામાં આવે છે, તેમના કામધંધા બરબાદ કરી દેવામાં આવે છે અને તેમની સાથે મારપીટ કરવામાં આવે છે. હું હંમેશા કહું છું કે ભારતના મુસલમાનોએ રાજકીય તાકાત બનવું પડશે..આ દેશમાં માત્ર તે જ લોકોને માન-સન્માન મળે છે જેમની પાસે રાજકીય તાકાત હોય છે...એક વખત મુસલમાનો પાસે તે રાજકીય તાકાત આવી જશે પછી આપણે અધિકારો છીનવી પણ શકીશું..હવે અમે એક થઇને સત્તા મેળવવાનો નિર્ણય કર્યો છે.''
તેમણે મુસલમાનો માટે અલગ રાજકીય પક્ષની જરૂર શા માટે છે તેનું કારણ સમજાવતા કહ્યું હતું કે, ''દલિતો પાસે બસપા છે, હિંદુઓ પાસે ભાજપ છે. કોંગ્રેસ પણ એક હિંદુ પક્ષ જ છે. તે ધર્મનિરપેક્ષ નથી. છેલ્લાં 60 વર્ષથી અમે હિંદુ નેતાઓ અને તેમના પક્ષોને સમર્થન આપ્યું છે. પણ તેમણે અમારા હિતો માટે કશું જ કર્યુ ન હોવાથી અમારી પાસે અમારી હિતો સાધવા કયો રસ્તો બચ્યો છે?''