Wednesday, November 17, 2010

દોસ્તો,
આજે સવારે ‘અક્સ’ ફિલ્મ જોઈ. અમિતાભ બચ્ચન, મનોજ વાજપેયી, રવિના ટંડન અને નંદિતા દાસ મુખ્ય ભૂમિકામાં છે અને નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મહેરાનું. ફિલ્મને બોક્સઓફિસ પર જોઈએ તેવી સફળતા મળી નહોતી. પણ મારી મનપસંદ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ એક સારો સંદેશ આપે છે. જગતમાં લૌકિક અને અલૌકિક બંને પ્રકારની શક્તિનું અસ્તિત્ત્વ છે. આપણી આસપાસ શુભ અને અશુભ તત્વો હાજર છે, દૈવી અને આસુરી તત્ત્વોનું અસિતત્ત્વ છે. દૈવી અને આસુરી બંને પ્રકારના તત્ત્વોમાં આપણને પ્રભાવિત કરવાની તાકાત છે, પણ તેનાથી પણ વધારે તાકાત આપણી ઇચ્છાશક્તિમાં છે તે સંદેશ આ ફિલ્મ આપે છે.

ફિલ્મમાં મનોજ વાજપેયીએ રઘુ નામના અપરાધીની ભૂમિકા ભજવી છે. તેને વડાપ્રધાનની હત્યા કરવાની સુપારી આપવામાં આવે છે. પોલીસ અધિકારી મનુ વર્મા એટલે કે અમિતાભ બચ્ચન તેને પકડીને ફાંસીના માંચડા સુધી પહોંચાડે છે, પણ તેનો દુષ્ટ આત્મા અમિતાભને વશ કરી લે છે. તે પછી રઘુ અમિતાભના શરીરનો ઉપયોગ કરી તેને ફાંસની સજા આપનાર જસ્ટિસ ચૌધરી અને અન્ય ત્રણ લોકોની હત્યા કરે છે. નંદિતા દાસ તેના પતિ અમિતાભના વ્યવહારમાં આવેલા પરિવર્તનને અનુભવે છે અને તેને કંઈક અજુગતું લાગે છે. છેવટે તે ધર્મનું શરણ લે છે. તે એક સ્વામીની મદદ લે છે. બંને પતિપત્ની સ્વામી પાસે જાય છે અને સ્વામી શું કરે છે?

આ સ્વામી તાંત્રિક નથી. અત્યંત ધર્મપરાયણ અને વાસ્તવવાદી છે. તેમને કોઈ સ્વાર્થ નથી કે મોહ નથી. તે અમિતાભને સમજાવે છે કે મનુષ્યની દરેક સમસ્યાનું સમાધાન તેને પોતાને જ કરવું પડે છે. ઇશ્વર કોઈને કોઈ સ્વરૂપે આપણને માર્ગ ચીંધે છે, પણ તેના પર ચાલવું તો આપણે જ પડે છે. મનુષ્યની ઇચ્છાશક્તિ જ તેની સૌથી મોટી તાકાત છે અને તેને મજબૂત બનાવવા સ્વામીજી અમિતાભને સમજાવે છે. સાથેસાથે તેઓ આસુરી આત્મા વિશે સમજાવે છે કે દિવસ દિવસ ન હોય અને રાત રાત ન હોય ત્યારે આસુરી શક્તિઓ નિર્બળ બની જાય છે. આ રીતે તેઓ અમિતાભને આ પ્રકારના સંજોગો ઊભો થાય ત્યારે રઘુની દુષ્ટ આત્મામાંથી મુક્તિ મેળવવાનો ઉકેલ સૂચવે છે અને છેવટે અમિતાભ રઘુની દુષ્ટ આત્મામાંથી મુક્તિ મેળવે છે.....અને આ આત્મા અમિતાભના જૂનિયર અધિકારના શરીરમાં પ્રવેશી જાય છે....અહીં ફિલ્મનો અંત આવી જાય છે...

આ ફિલ્મ સરસ સંદેશ આપે છે. જગતમાં દૈવી તત્ત્વો અને આસુરી તત્ત્વો એકસાથે અસ્તિત્વ ધરાવે છે. જરૂર છે તેને ઓળખવાની અને શુભ તત્ત્વોને અપનાવવાની. અમિતાભ બચ્ચન અને મનોજ વાજપેયીનો દમદાર અભિનય ફિલ્મનું હાર્દ છે....ફિલ્મના સંવાદ અદ્ભૂત છે....આ ફિલ્મ બીજી વખત જોઈ....આ ફિલ્મની એક ખાસિયત છે...બીજી વખત....ત્રીજી વખત...વધુ ને વધુ વખત આ ફિલ્મ જોશો તેમ તેમ તમને સમજાશે.....

No comments: