Friday, June 3, 2011

મમતા દીદીઃ તઘલખનો આત્મા હજુ ભટકે છે...


પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્યમંત્રી મમતા દીદી તેમના તુંડમિજાજ અને પહેલા બોલો, પછી તોલોની કાર્યશૈલીમાં માને છે તેનાથી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વાકેફ છે. પણ હવે તેમણે રાઇટર્સ બિલ્ડિંગમાં પ્રવેશ કરીને જે નિર્ણયો જાહેર કર્યાં છે તે જાણીને ડાબેરીઓ હસી રહ્યાં છે અને ઉચ્ચ સરકારી અધિકારીઓ મોહમ્મત તઘલખનો આત્મા હજુ ભટકી રહ્યો છે તેવી ગુસપુસ કરી રહ્યાં છે.

વાત એમ છે કે, બંગાળમાં અત્યાર સુધી બે સરકારી ભાષા હતી-અંગ્રેજી અને બંગાળી. વ્યાવહારિક રીતે સરકારી કામકાજની ભાષા અંગ્રેજી જ છે. પણ દીદીએ હવે અન્ય પાંચ ભાષાઓને સરકારી ભાષાનો દરજ્જો આપ્યો છે. આ રીતે બંગાળમાં કુલ સાત સરકારી ભાષા થઈ ગઈ છે. મોમતાજીએ ઉર્દૂ, પંજાબી, નેપાળી, ઓલ-ચીકી, ઉડિયા અને હિન્દીને સામેલ કરી છે. તેમના આ તઘલખી નિર્ણયથી સરકારી કામકાજમાં અવ્યવસ્થા વધશે, કારણ કે સરકારી કર્મચારીઓને નેપાળી, પંજાબી કે ઓલ-ચીકી ભાષા ફરજિયાત શીખવી પડશે.

પશ્ચિમ બંગાળની કુલ વસતી અંદાજે નવ કરોડ છે. તેમાં 2.30 કરોડ મુસ્લિમો છે, જેમાંથી પાંચ ટકા પણ રોજિંદા કામકાજ માટે ઉર્દૂનો ઉપયોગ કરતાં નથી. તે જ રીતે ઓલ-ચીકી સંથાલ આદિવાસીઓની ભાષા છે, જેને વર્ષ 1925માં પંડિત રઘુરામ મુર્મૂએ તૈયાર કરી હતી અને અત્યારે બંગાળની એક પણ શાળામાં તેને શીખવવામાં આવતી નથી. અહીં સંથાલ આદિવાસીઓની કુલ વસતી અંદાજે 22.8 લાખ છે. ઉપરાંત રાજ્યમાં નેપાળીઓની વસતી આઠ લાખ, પંજાબીઓની ચાર લાખ અને ઉડિયા ભાષીઓની ફક્ત એક લાખ છે. તો પછી મમતા દીદીએ આ પ્રકારનો નિર્ણય કેમ લીધો?

બહુ વિચારવાની જરૂર નથી. દેશના રાજકીય પક્ષો અને નેતાઓમાં લઘુમતી સમાજનું તુષ્ટિકરણ કરવાની ફેશન છે અને મમતા દીદી પણ તેમાંથી બાકાત નથી. તેઓ બંગાળના નાનામાં નાના લઘુમતી સમાજને તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડીને તેમને મતબેન્ક બનાવવા માંગે છે. બંગાળમાં મુસ્લિમ સમાજ સૌથી મોટો લઘુમતી સમુદાય છે અને સ્વાભાવિક રીતે મમતા દીદીએ તેમને ખુશ કરવા સૌથી વધુ જાહેરાત કરી છે. હવે આ જાહેરાત પર એક નજર નાંખીએઃ

- અમર બંગાળી કવિ નજરુલ ઇસ્સામના જીવન અને તેમની રચના પર વ્યાપક સંશોધન કરવા નજરુલ ઇસ્લામ એકેડમી સ્થાપિત કરવામાં આવશે. રાજ્ય સરકારે આ એકેડમી માટે જગ્યા અને નાણાં પૂરાં પાડશે.

- કોલકાતા સ્થિત આલિયાહ યુનિવર્સિટીનું નામ બદલીને આલિયાહ મદરસા યુનિવર્સિટી કરવામાં આવશે અને આ માટે વિધાનસભામાં ખરડો રજૂ કરવામાં આવશે.

- રાજ્યના તમામ કબ્રસ્તાનો ફરતે ચાર દિવાલ બનાવીને તેને સંરક્ષણ પૂરું પાડશે.

તેમની આ પ્રકારની જાહેરાતોથી સૌથી વધુ લાલચોળ ડાબેરીઓ છે. અત્યાર સુધી પશ્ચિમ બંગાળના મુસ્લિમો ડાબેરીઓની મતબેન્ક ગણાતાં હતાં. મમતા કોઈ પણ હિસાબે ડાબેરીઓને ફરી બેઠાં થવા દેવા માંગતા નથી. ડાબેરીઓનો પરાજય થયો છે, પણ બંગાળમાં તેમનો પાયો મજબૂત છે તેનાથી દીદી વાકેફ છે. આ કારણે જ તેમણે ડાબેરીઓના ગઢના પાયા પર પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી છે. પણ તેમાં નુકસાન તો છેવટે દેશને જ છે….

1 comment:

Umang Bhatt said...

રાજ્યના તમામ કબ્રસ્તાનો ફરતે ચાર દિવાલ બનાવીને તેને સંરક્ષણ પૂરું પાડશે.

this is really funny