Tuesday, November 9, 2010

ફૂટબોલ, કાર્નિવલ, એમેઝોન અને સાંબાની દેશની ગોરિલા રાષ્ટ્રપતિ


યુવાનીમાં તેમણે ગોરિલા લડાઈ લડી, પકડાઈ ગઈ અને સેનાનો ત્રાસ વેઠ્યો. ત્રણ વર્ષ જેલમાં રહી. તેમાંથી છૂટીને અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો. પી.એચડી કરવાની ઇચ્છા હતી, પણ પૂરી ન થઈ. પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પણ ન મળી. ગ્રીક થિયેટર અને ડાન્સનો શોખ હતો અને તે પણ અધૂરો રહ્યો. રાજનીતિમાં સક્રિય થઈ અને સફળતા મળી. પહેલાં ઊર્જા મંત્રી બની. પછી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જીતી ગઈ. વાત છે બ્રાઝિલની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ડિલ્મા રૌસેફની, જે જાન્યુઆરીમાં શપથ લેશે

રૌસેફનો જન્મ 14 જાન્યુઆરી, 1947ના રોજ થયો હતો. 14 વર્ષની વયે શિક્ષક પિતાની છત્રછાયા ગુમાવી. 16 વર્ષની વયે માર્ક્સવાદી બની. 20 વર્ષની વયે પત્રકાર ક્લાડિયો ગલીનો સાથે લગ્ન કર્યા. 1981માં છૂટાછેડા લીધા અને કાર્લોસ ફ્રેન્કલિન સાથે લગ્ન કર્યા. 30 વર્ષની વયે માતા બની. બ્રાઝિલની સૈન્ય સરમુખત્યારશાહી સામે સંઘર્ષ કરવામાં યુવાની પસાર થઈ ગઈ. અનેક જુલ્મો સહન કર્યા, સંઘર્ષ કર્યો, ઘર-પરિવાર દાવ પર લાગી ગયું અને છેવટે રાજનીતિમાં શિખર સ્પર્શી કર્યું.

ફૂટબોલ, કાર્નિવલ, એમેઝોન અને સાંબાના દેશ બ્રાઝિલની પહેલી મહિલા રાષ્ટ્રપતિ રૌસેફ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશે એક બાબતમાં સામ્યતા હોવાનું કહેવાય છે. રોસૈફના વિરોધીઓનું કહેવું છે કે 'સરમુખત્યારશાહી સંઘર્ષ કરનાર રૌસેફ પોતે જ સરમુખત્યાર છે. તે લોકતાંત્રિક છે, પણ તમે તેમની સાથે સંપૂર્ણપણે સહમત હો ત્યાં સુધી.' નરેન્દ્ર મોદીના વિરોધીઓ પણ તેમના વિશે આવો જ અભિપ્રાય આપે છે. રૌસેફ અત્યંત મૂડી છે. તે જે માને છે ક્યારેક તેનાથી વિપરીત આચરણ પણ કરે છે. તેમણે બ્રાઝિલમાં ગર્ભપાતના કાયદાનું સમર્થન કર્યું છે, પણ સાથેસાથે તેઓ પોતાને 'પ્રો-લાઇફ' કાર્યકર્તા માને છે. તેમણે ગે-મેરેજનો વિરોધ કર્યો છે, પણ સજાતિય અધિકારોની હિમાયત કરી છે.

રૌસેફની સામે બ્રાઝિલના અર્થતંત્રને મજબૂત બનાવવાનો મોટો પડકાર છે. બ્રાઝિલનું અર્થતંત્ર વિશ્વનું આઠમું મોટું અર્થતંત્ર છે. તેની જીડીપી દર વર્ષે પાંચ ટકાના દરે વધી રહી છે અને તેમાં વૃદ્ધિ કરવાનો પડકાર રૌસેફને ઉઠાવવાનો છે. બ્રાઝિલમાં ગરીબ અને ધનિક વર્ગ વચ્ચેનું અંતર વધી રહ્યું છે, જેને ઓછું કરવાની જવાબદારી પણ રૌસેફ પર છે. દેશમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની વૃદ્ધિ થઈ રહી છે, પણ સાથેસાથે વીજળીના પુરવઠાની ખેંચ છે. તે દૂર કરવા બ્રાઝિલ સરકારે વર્ષ 2020 સુધીમાં ત્રણ પરમાણુ ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી છે. તેનો અમલ કરવા રૌસેફે કમર કસવી પડશે. દેશમાં ખાંડ મોંઘી છે, ઝૂંપડપટ્ટીઓ વધી રહી છે તેમજ દેશી-વિદેશી ઋણ વધારે છે. રૌસેફે ચૂંટણીમાં બેકારી, બેરોજગારી અનો મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું અને યુવાનોની તેમના પ્રત્યે અપેક્ષા વધી ગઈ છે....

No comments: