Sunday, November 7, 2010

નૂતન વર્ષાભિનંદન....

દોસ્તો,

નૂતન વર્ષાભિનંદન.....આપ સહુના જીવનમાં સુખ અને શાંતિ સાથે સમૃદ્ધિ આવે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના....સુખ અને શાંતિ સાથે સમૃદ્ધિ આવકારદાયક છે...વધુ એક વર્ષ વિદાય થયું અને નવા વર્ષનું આગમન થયું.....ચાલો નવા વર્ષમાં જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવીએ....દરેક વ્યક્તિ જીવન પ્રત્યે બે પ્રકારનો અભિગમ ધરાવે છે...હકારાત્મક (Positive) અને નકારાત્મક (Negative)....કોઈ પણ કાર્ય હાથ ધરશો તો તેમાં સફળ થશો અથવા નિષ્ફળતા મેળવશો....સફળતા મળે ત્યારે છકી ન જવું અને વધુ સારું કામ કરવા સજ્જ થવું તેનું નામ હકારાત્મક અભિગમ...અને નકારાત્મક અભિગમ એટલે? નિષ્ફળતા મળે ત્યારે નાસીપાસ થવું અને બીજા પર દોષનો ટોપલો ઢોળવો....

* * * * *

આજકાલ સફળતા શબ્દની બોલબોલા છે....પણ સફળતા એટલે શું તે સમજવાની ફુરસદ ભાગ્યે જ કોઈની પાસે છે....અભિનેતા બનવા માગતા કલાકારો માટે મહાનાયક અમિતાભ બચ્ચન સફળતાનો માપદંડ છે તો ક્રિકેટર બનવા માગતા યુવાનો માટે સચિન તેંડુલકર....રાજકારણમાં કાઠું કાઢવા માટે યુવા કાર્યકારો નરેન્દ્ર મોદી જેવા સફળ રાજકારણી બનવા માગે છે તો કોઈ મહેનતુ કોંગ્રેસી કાર્યકર સોનિયા મેડમનો દરબારી બની ધન્ય થવા માગે છે.....પોલીસ અધિકારી બનવા માગતા યુવાનો માટે કિરણ બેદી સફળતાની પારાશીશી છે તો બેડમિન્ટન સ્ટાર બનવા માગતી યુવતી માટે સાનિયા નેહવાલ...અને ગુજરાતી લેખક માટે સફળતા એટલે? ચંદ્રકાંત બક્ષીની લેખનશૈલીની નકલ કરીને તેમના જેવી લોકચાહના મેળવવી! (કોઈને ખોટું લાગે તો એક...બેને સાડા ત્રણ)

હકીકતમાં જે તે ક્ષેત્રમાં સૌથી વધુ સંપત્તિ, માનપાન અને પ્રસિદ્ધ મેળવનાર વ્યક્તિ જેટલી સંપત્તિ અને પ્રસિદ્ધિ મેળવવી એટલે સફળતા એવું અત્યારે મોટાભાગના લોકો માને છે...પણ એક વ્યક્તિને પ્રાપ્ત થયેલી સફળતા અને લોકચાહના જેટલી સફળતા અને લોકોનો પ્રેમ બીજી વ્યક્તિને મળવો અશક્ય છે...અમિતાભનું સ્થાન મેળવવા ઘાંઘા થયેલા શાહરૂખને હાંસીપાત્ર થવું પડ્યું છે તેનાથી કોણ અજાણ છે...જે તે ક્ષેત્રમાં ટોચ પર બિરાજમાન વ્યક્તિઓના કાર્યનું વિશ્લેષણ કરશો તો એક વાત ઊડીને આંખે વળગશે...આયોજનબદ્ધ આકરી મહેનત....અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, નરેન્દ્ર મોદી, કિરણ બેદી, સાયના નેહવાલ, ચંદ્રકાંત બક્ષી, ધીરુભાઈ અંબાણી, નારાયણ મૂર્તિ....આ બધાએ સફળતા મેળવવા આયોજન સાથે અથાક મહેનત કરી છે.....મહેનતનો કોઈ વિકલ્પ નથી..અને યોજનાપૂર્વકની મહેનત એટલે સોને પે સુહાગા...

* * * * *

હરિવંશરાય બચ્ચન મારા પ્રિય કવિઓમાંના એક કવિ છે....નવા વર્ષ પર તેમણે લખેલી ઉલ્લાસસભર કવિતા....

વર્ષ નવ
હર્ષ નવ
જીવન ઉત્કર્ષ નવ....

નવ ઉમંગ
નવ તરંગ
જીવન કા નવ પ્રસંગ...

નવલ ચાહ
નવલ રાહ
જીવન કા નવ પ્રવાહ....

ગીત નવલ
પ્રીતિ નવલ
જીવન કી રીતિ નવલ
જીવન કી નીતિ નવલ
જીવન કી જીત નવલ......

1 comment:

Rajni Agravat said...

કોઈને ખોટું લાગે તો એક...બેને સાડા ત્રણ.... હં હં હં ..બાપુ ઘણી ખમ્મા! તમે તો હાથથી (કિ પેડ વડે)માર્શલ બોમ્બ ઠોકી દીધો.. તમે આવાને આવા ભડાકા કરતા રહો એવી શુભેચ્છા!