Tuesday, September 29, 2009

કિસ્સા કુર્સી કા...


હા, કિસ્સો ખુરશીની વાતનો છે અને સાથેસાથે ખુરશીની તાકાતનો અહેસાસ પણ કરાવે છે. સત્તાધારી માણસો લોકશાહીમાં પણ પોતાની તાકાતનો દૂરપયોગ કરી અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનું ગળું દબાવી દે છે તેનો પુરાવો આ કિસ્સો છે. વાત એમ છે કે, વર્ષ 1975માં એક ફિલ્મ બની હતી, જેનું નામ હતું કિસ્સા કુર્સી કા. રાજકીય વ્યંગ્ય રજૂ કરતી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા શબાના આઝમીએ ભજવી હતી. આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા અમૃત નાહટાએ કર્યું હતું અને ફિલ્મનું મુખ્ય પાત્ર સ્વ. ઇન્દિરા ગાંધીના રાજકીય જીવનને મળતું આવતું હતું. વર્ષ 1975માં આ ફિલ્મ રજૂ થવાની હતી, પણ તેની પહેલાં વાજપેયીજીએ જેમને મા દુર્ગા સાથે સરખાવ્યાં હતા તેવા ઇન્દિરા અમ્માએ કટોકટી લાદી દીધી હતી અને સરકારના દબાણ હેઠળ સેન્સર બોર્ડે ફિલ્મ રજૂ થવાની લીલી ઝંડી ન આપી.

સેન્સર બોર્ડના નિર્ણયને નાહટાએ અદાલતમાં પડકાર્યો. અદાલતે ચુકાદો આપ્યો કે ફિલ્મ રજૂ થાય તે પહેલાં ન્યાયાધીશોનો દેખાડવી. પણ બન્યું એવું કે અદાલત સામે ફિલ્મ રજૂ થાય તે પહેલાં જ તેની મૂળ પ્રિન્ટ ગાયબ થઈ ગઈ. કહેવાય છે કે, સંજય ગાંધીના ઇશારે તત્કાલિન સૂચના અને પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લએ મુંબઈથી ફિલ્મનો પ્રિન્ટ્સ જપ્ત કરાવી દિલ્હીની પાસે ગુડગાંવ સ્થિત મારુતિ ફેક્ટરીના સંકુલમાં રખાવી દીધી. પાછળથી બધી પ્રિન્ટ નષ્ટ કરાવી દીધી. તે પછી નાહટાનું શું થયું?

વર્ષ 1977ની ચૂંટણીમાં અમૃત નાહટા જનતા પક્ષની ટિકિટ પરથી સાંસદ બન્યા. તેમણે સંસદમાં માંગણી કરી કે, તેમની ફિલ્મની પ્રિન્ટ તેમને પાછી મળે. તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈ અને સૂચના-પ્રચારણા મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ આ કેસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો. સીબીઆઈના સંયુક્ત સચિવ નિર્મળકુમાર સિંહે આ કેસની તપાસ કરી અને સંજય ગાંધી અને વિદ્યાચરણ શુક્લ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. કેસની સુનાવણી થઈ અને દિલ્હીની એક સેશન્સ કોર્ટે બંને આરોપીઓને દંડ કરી સજા સંભળાવી. ગાંધી અને શુક્લએ સેશન્સ કોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો. તે સમયે મોરારાજી દેસાઈએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ચૌધરી ચરણસિંહ કોંગ્રેસના ટેકાથી જ વડાપ્રધાનની ગાદી પર સવાર થઈ ગયા હતા. બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ફિલ્મને લઇને નાહટા પોતે જ પોતાના આરોપોમાંથી ફરી ગયા. છેવટે સુપ્રીમ કોર્ટે પુરાવાના અભાવે સંજય ગાંધી અને વિદ્યાચરણ શુક્લને છોડી દીધા. પણ કિસ્સા કુર્સીના મામલાનું મહત્વ શું છે?

દેશમાં અદાલતે સજા ફટકાર્યા પછી પણ આરોપીઓને ચૂંટણી લડવાની પહેલી વખત મંજૂરી મળી હતી અને બંને ઉમેદવાર જીતી પણ ગયા. વર્ષ 1977માં અમૃત નાહટાએ ફરી તે જ સ્ક્રિપ્ટ પર કિસ્સા કુર્સી નામે જ ફિલ્મ બનાવી, પણ તે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ.

No comments: