Tuesday, September 15, 2009

'કિસ્મતવાલે' નરેન્દ્રકાકા

વીસમી સદીના અંતિમ દાયકાની શરૂઆતમાં એક હિંદી ફિલ્મ આવ્યું હતું. તેનું શીર્ષક હતું 'કિસ્મતવાલા'. નસીબદાર લોકોની ખાસિયત શું હોય છે? તેમના માટે આગળ વધવા સંજોગો અનુકૂળતા કરી આપે છે. આ પ્રકારના લોકો વિપરીત સંજોગો કે કસોટીનો સામનો પોતાની ક્ષમતા વડે કરી શકતા નથી, પણ તેમને નસીબ જ ઉગારી લે છે. ગુજરાતની નાની-મોટી કોઈ પણ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એન્ડ મંડળીનો વિજય થાય છે ત્યારે મારા મનમાં એક શબ્દ સ્ફૂરે છેઃ કિસ્મતવાલે કાકા.

ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સોમવારે ફરી એક વખત નસીબના બળિયા પુરવાર થયા. નરેન્દ્રકાકાને સ્વપ્યનેય ખ્યાલ નહોતો કે વિધાનસભાની પેટાચૂંટણીમાં સાત બેઠકમાંથી પાંચ પર વિજય થશે. કોંગ્રેસના પરાજયથી તેઓ મોંમા આંગળી નાંખી ગયા હશે અને પોતાના પક્ષને મળેલા વિજયને લઇને મનોમન અલ્લાહનો આભાર માનતા હશે. વાત કરીએ આપણી સાડી પાંચ કરોડ ભોળીભટાક જનતાના સ્વામી નરેન્દ્રકાકાને લાગેલા વિજયી આંચકાની...

ગુજરાતમાં વર્ષ-2007ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રાપ્ત થયેલા વિજય પછી નરેન્દ્રકાકાને વાયુ થઈ ગયો હતો. કિટલીની જેમ ગરમ રહેતી તેમની ચમચામંડળીએ પણ ચાલુ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમને અડવાણી પછી વડાપ્રધાનપદના દાવેદાર જાહેર કરી દીધા. પણ ગુજરાતની જનતાનો પારાવાર પ્રેમ તેમને એમ કાંઈ ગાંધીનગર ન છોડવા દે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી 20 બેઠક ભેટ ધરવાનું વચન મોદીકાકાએ આપ્યું હતું. પણ ગુજરાતીઓ સમજુ પુરવાર થયા. તેમને લાગ્યું કે આટલી બેઠકો મોદીજીને આપીશું તો તેઓ દિલ્હી ભાગી જશે અને ભાજપનો 15 બેઠક પર વિજય થયો. આ પહેલો આંચકો અને હવે વાત કરીએ બીજા આંચકાની...

લોકસભાની ચૂંટણી પછી તરત જ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી હતી. આ ચૂંટણીને મોદીકાકાએ પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો. લોકસભાની ચૂંટણીમાં પરાજય મળતાં ધુંધવાયેલા મોદી અંકલ બદલો લેવા જૂનાગઢમાં મેદાને પડ્યાં. તેમણે પાંચ મુસ્લિમોને ટિકીટ આપી અડવાણીની જેમ મુસ્લિમોના હ્રદય જીતવાનો પ્રયાસ કર્યો. મુસ્લિમ ઉમેદવારોએ ટિકીટ લીધી, મુસ્લિમ સમાજે હંમેશની જેમ દેશમાં મુસ્લિમ લીગને મળતી આવતી નીતિ ધરાવતા કોંગ્રેસને સાથ આપ્યો. જૂનાગઢમાં કોંગ્રેસનું શાસન આવ્યું. આ આંચકો પચાવે તે પહેલાં જ સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપના દંભી હિંદુવાદીઓને પછડાટ મળી. એક પછી એક પરાજયમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નહોતો. અહીં આપણે મોદીકાકાની એક ખાસિયત જાણી લઇએ. તેઓ વિજયનો શ્રેય લેવાનું ચૂકતાં નથી અને મુશ્કેલીમાં મોં સંતાડવાનું ભૂલતાં નથી. વિધાનસભાની પેટાચૂંટણીમાં તેમની આ ખાસિયત બહાર આવી ગઈ હતી.

આ પેટાચૂંટણીમાં જે સાત બેઠકો પર ચૂંટણી થઈ તેમાંથી છ બેઠકો કોંગ્રેસ પાસે હતી અને માત્ર એક બેઠક પર દંભી હિંદુવાદી ભાજપનો કબજો હતો. આ સંજોગોમાં કોંગ્રેસના વિજયના સંજોગો ઉજળા હતા. તેને ધ્યાનમાં રાખીને મોદીજીએ ચૂંટણીમાં રસ જ નહોતો લીધો. કોંગ્રેસની નબળાઈનો લાભ લઈ તાલુકા પંચાયતોની ચૂંટણીને પણ પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવતા મોદીકાકાને પેટાચૂંટણીમાં પરાજ્ય મળવાનો ડર હતો. તેમણે બધી જવાબદારી પુરુષોત્તમ રૂપાલાને સોંપી દીધી. પણ બન્યું એવું કે કોંગ્રેસની આંતરિક ફૂટફાટ એટલી બધી જબરદસ્ત સાબિત થઈ કે ભાજપને બગાસું ખાતા પાંચ બેઠક પર પતાસું મળી ગયું.

જસદણ બેઠક પર કોંગ્રેસના સાંસદ કુંવરજી બાવળિયાએ તેમની પુત્રી ભાવનાબહેનને ટિકીટ આપવાની જીદ કરી ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે આ બેઠક મેળવવા ભાજપને બહુ મહેનત કરવી નહીં પડે. હકકીતમાં અહીં કોંગ્રેસ ભાજપના ઉમેદવાર ભરતભાઈ બોધરાને ટિકટી આપવા માગતો હતો. પણ કુંવરજીકાકાએ દિકરી માટે ટિકીટ મેળવી પણ બેઠક ગુમાવી. ભરતભાઈની ઇચ્છા પણ કોંગ્રેસની ટિકીટ પર જ ચૂંટણી લડવાની હતી. તે જ રીતે ચોટીલામાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ ઝીંઝરીયાના અવસાનથી ખાલી પડેલી બેઠક પર તેમના પુત્ર મનોજ ઝીંઝરીયાને ટિકીટ આપી સામે ચાલીને પરાજયની વરમાળા પહેરી લીધી. મનોજભાઈને રાજકારણ સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી. સમી-હારીજની બેઠક ભાજપે મૂળે કોંગ્રેસી અને અપરાધિક રેકર્ડ ધરાવતા ભાવસિંહ રાઠોડનો ઊભા રાખ્યાં હતા. તેની સામે કોંગ્રેસે સ્થાનિક ઉમેદવારને બદલે અમદાવાદથી દિનેશ રાઠોડને ચૂંટણી લડવા મોકલ્યાં. ખરેખર જેને હાર જ મેળવવી હોય તેને કોણ રોકી શકે...દાંતા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પણ અહીં પક્ષે મુસ્લિમ ઉમેદવાર નુરભાઈ ઉમતિયાને ટિકીટ આપી. જૂનાગઢમાં પાંચ મુસ્લિમોને ટિકીટ આપનાર દંભી હિંદુવાદી ભાજપે અહીં અંબાજી મંદિરનો વહીવટ મુસ્લિમના હાથમાંથી રોકવા કોંગ્રેસને મત ન આપો તેવો પ્રચાર કર્યો. પછી તો જય માતાજી કરી ભોળી જનતાએ ભગવો લહેરાવી દીધો.

ખરેખર મોદીનું બુલડોઝર ફરી વળ્યું હોત (દિવ્ય ભાસ્કરની હેડલાઇન) કે મોદીનો પંજામરોડ (સંદેશની હેડલાઈન) હોત તો કોડીનારની બેઠક ભાજપ જાળવી શક્યું હોત. આ બેઠક વર્ષ 1995થી ભાજપ પાસે હતી, પણ કોંગ્રેસના ઉમેદવાર ધીરશી બારડનો વિજય થયો છે. આ વિજયથી પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયેલા મોદીકાકા હવે તેનો શ્રેય લેવા મેદાને પડ્યાં છે. તેમણે આજથી વિધાનસભા પેટાચૂંટણીનો વિજયોત્સવ શરૂ થઈ રહ્યો છે. ખરેખર આ વિજયોત્સવ પણ ધન્ય છે.....જય માતાજી

1 comment:

Soham Shah said...

It seems that you are quite anti-bjp and anti-Modi .. But there are many people in this country who can give you company for that ..

Well, that's true that modi even did not campaign for a single seat in this bye-poll but do you really think lion has to go out and roar in Guajarat .. Sirf, Naam hi kaafi hai !!

And it's not naseeb or kismat that is winning for Modi . It's his sheer hardwork, dedication and progressive vision that is doing the trick .. People of India did not understand it but people of gujarat know that ..