Wednesday, September 16, 2009

માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક

ના, આને માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક કહેવાય. વાવણી બીજા કોઈ કરે અને લણણી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી કરે તો તેને માસ્ટરસ્ટ્રોક નહીં, મોદીસ્ટ્રોક કહેવાય. થોડી વધુ સ્પષ્ટતા કરીએ. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદીજીની આશ્ચર્યજનક રીતે વરણી થઈ. આપણને આશ્ચર્ય લાગ્યું, પણ બિચારા અમિત શાહને તો આંચકો લાગ્યો છે. શાહસાહેબ કો ઝટકા અર્થાત મોદીસ્ટ્રોક ક્યું લગા?

તેના માટે ભૂતકાળમાં ડોકિયું કરી લઇએ. જીસીએના પ્રમુખપદની ગાદી બહુ દૂર નથી તેનો સંકેત ચાલુ વર્ષે નરેન્દ્રકાકાને 29 મેના રોજ મળી ગયો હતો. તે દિવસે ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ-અમદાવાદની ચૂંટણી યોજાઈ હતી. તેના કુલ 171 મતમાંથી અમિત શાહના જૂથની પેનલનો 138 મત સાથે વિજય થયો હતો અને નરહરી અમીન જૂથની પેનલનો માત્ર 32 મત સાથે શરમજનક પરાજય થયો હતો. તેની સાથે જ જીસીએમાં અમીનયુગનો અંત આવ્યો હતો. રમતજગતના અભ્યાસુઓ અને જીસીએમાં થઈ રહેલી હિલચાલ પર નજર રાખતાં નિષ્ણાતો જીસીએના નવા પ્રમુખ અમિત શાહ જ બનશે તેવું દ્રઢપણે માનતા હતા. કદાચ અમિત શાહ પણ પોતાને જીસીએના પ્રમુખ જ માનતા હતા અને તેવું માને તે સ્વાભાવિક છે. તેનું કારણ ભાજપના જ સૂત્રો પાસેથી જાણવા મળ્યું.

સૂત્રોએ જણાવ્યું કે, જીસીએમાંથી અમીન જૂથને દૂર કરવાનો વિચાર મૂળે અમિત શાહનો છે. તેઓ ક્રિકેટની રમત અને તેમાં રમતાં સટ્ટાથી સારી રીતે વાકેફ છે. મિત્રો, તેઓ ગૃહપ્રધાન હોવાના નાતે તેઓ સટ્ટા વિશે જાણકારી ધરાવે છે, બીજો કોઈ અર્થ નથી. ક્રિકેટ સોના આપતી મરઘી જેવો ધંધો (હવે તેમાં રમત ક્યારેક જ જોવા મળે છે) છે અને ગંદા હૈ પર ધંધા હૈ જેવી રમતમાં ગુજરાતના સર્વેસર્વા બનવાનું સ્વપ્ન શાહસાહેબ સેવતા હતા. અમિત શાહની ધારણા એવી હતી કે, મોદીસાહેબની નજર વડાપ્રધાનની ગાદી પર હોવાથી જીસીએની ખુરશીમાં તેમને રસ નહીં પડે. પણ તેમની ધારણા ખોટી પડી. તેમને મોદીજીનો મંત્ર ખબર નથીઃ જહાં ગાદી વહાં મોદી...પણ મોદીજીએ ઉતાવળ ન કરી. તેમને ફિલ્ડિંગ અમિત શાહને જ ભરવા દીધી. બેટિંગ કરવાનું આવશે ત્યારે મેદાનમાં ઉતરી જઇશું તેવું તેમણે નક્કી કર્યું હતું. અને થયું પણ એવું જ.

29 મેના રોજ અમીનજૂથનો પરાભવ થયો તે પછી 19 જૂનના રોજ જીસીએના સેક્રેટરી તરીકે અમીનના વિશ્વાસુ મનાતા સુધીર નાણાવટીએ રાજીનામું આપ્યું. તે પછી 22 જૂનના રોજ જીસીએની કારોબારીમાંથી સભ્યપદેથી વલસાડના કાંતિભાઈ દેસાઈ, ગાંધીનગરના મેહુલભાઈ પટેલ, સુરતના હનીફભાઈ પટેલે રાજીનામા ધરી દીધા. અમિત શાહના પ્રમુખ બનવા આડેના તમામ વિઘ્નો દૂર થઈ ગયા હતા. દરમિયાન 29 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટે 15 સપ્ટેમ્બર સુધીમાં જીસીએની ચૂંટણી કરવાનો આદેશ આપ્યો. 15 સપ્ટેમ્બરના રોજ મોટેરા સ્ટેડિયમમાં અમિત શાહની વરણી લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. પણ શાહસાહેબને હજુ થોડી વધુ ધીરજ ધરવાનો આદેશ મળ્યો.

પ્રાપ્ત જાણકારી મુજબ, જીસીએમાં શાહજૂથનો દબદબો પ્રસ્થાપિત થઈ ગયો હતો. શાહસાહેબે વાવણી કરી હતી અને લણણી કરવાની તૈયારીમાં હતા ત્યારે તેમને આંચકો લાગ્યો. મોદીસાહેબે પોતે ક્રિકેટના મેદાનમાં ઉતરવાની ઇચ્છા વ્યક્ત કરી. પછી શાહસાહેબ પાસે પોતાના ગળા માટે તૈયાર કરેલી વરમાળા મોદીકાકાના ગળામાં પહેરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ પ્રકારના સ્ટ્રોકને માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક કહેવાય.

ચલતે-ચલતેઃ ક્રિકેટના મેદાનની લંબાઈ કેટલી છે તેની પણ જાણકારી ન ધરાવતા ક્રિકેટ બોર્ડના સર્વેસર્વા થઈ ગયા છે- કિર્તી આઝાદ, ભૂતપૂર્વ ક્રિકેટર

No comments: