Tuesday, September 29, 2009

હકનું બીજ ફરજ છે


હકનું બીજ ફરજ છે. આપણે બધા આપણી ફરજ અદા કરીએ તો હક તો આપણી પાસે જ છે. જો ફરજ છોડીને હકને બાઝવા જઈશું તો તે ઝાંઝવાના નીર જેવા છે. જેમ તેની પાછળ જઈએ તેમ તે નાસે છે. જે પ્રજાએ હકનું સેવન કર્યું છે તે પ્રગતિ કરી શકી નથી. તે જ પ્રજા વિકાસ સાધી શકી છે જેણે ફરજ અદા કરી છે. ફરજના પાલનમાંથી તેમને હક મળી રહ્યા. હકની આશા ન રાખનાર હક મેળવે છે અને હકની વાત કરનાર પડે છે એ ન્યાય છે.

જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો સરખો હક જેટલો પશુપંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને છે. દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેનો ઈલાજ જાણી લેવાનો જ હોય છે. મારાં અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે અને એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો ઈલાજ છે.

અહિંસક સ્વરાજમાં લોકોએ પોતાના હક જાણવાપણું નથી હોતું પણ પોતાના ધર્મ જાણવા પાળવાપણું અવશ્ય હોય છે. કોઈ ફરજ એવી નથી કે જેને છેડે કંઈક હક ન હોય. ખરા હક કે અધિકાર એ કે જે કેવળ પાળેલા ધર્મમાંથી ઉત્પન્ન થાય છે. જૂઠું બોલવાનો, મારપીટ કરવાનો અધિકાર તો સહુને છે, પણ તે અધિકારનો અમલ કરતાં અમલ કરનારને તેમ જ સમાજને નુકસાન જાય છે. પણ જે જૂઠું ન બોલવાનો એટલે સત્યનો ને મારપીટ ન કરવાનો એટલે અહિંસાનો ધર્મ પાળે છે તેને જ પ્રતિષ્ઠા મળે છે તે તેને ઘણા અધિકાર અપાવે છે.

સેન્ટર પોઇન્ટઃ પ્રજાનું સ્વરાજ એટલે પ્રત્યેક વ્યક્તિના સ્વરાજમાંથી ઉત્પન્ન થયેલું પ્રજાસત્તાક રાજ્ય. આવું રાજ્ય એ કેવળ પ્રત્યેક વ્યક્તિની ફરજના પાલનમાંથી જ ઉત્પન્ન થાય છે. આ સ્વરાજમાં કોઈને પોતાના અધિકારનો ખ્યાલ સરખોય હોતો નથી. અધિકાર આવશ્યક હોય ત્યારે તેની મેળે દોડી આવે છે.

No comments: