Wednesday, September 9, 2009

નાઇન..નાઇન...નાઇન...નાઇન...!

ગ્રહ કેટલા છે? નવ. ખંડ કેટલાં છે? નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ કેટલા દિવસ ચાલે છે? નવ. આજે તારીખ કઈ છે? નવ. કેટલામો મહિનો ચાલે છે? નવમો. વર્ષ કયું છે? એકવીસમી સદીનું નવમું. આજે વાર કયો છે? બુધવાર. બુધવાર એટલે અંગ્રેજીમાં Wednesday. તેમાં અક્ષરોની સંખ્યા કેટલી છે? નવ. અત્યારે અંગ્રેજી કેલેન્ડરનો નવમો મહિનો September ચાલે છે. તેના અક્ષરોની સંખ્યા પણ કેટલી છે? નવ. યસ, ઇટ્સ નાઇન..નાઇન...નાઇન...નાઇન...! It's happen only in 1,000 years!

હિંદુ ધર્મમાં પવિત્ર અને ગૂઢ ગણાતો નવ એક એવો અંક છે જેનો ગુણાકાર બીજા કોઈ પણ અંક કે સંખ્યા સાથે કરો ત્યારે જે સંખ્યા મળે તેના અંકનો સરવાળો કરો તો મૂળ અંક નવ જ મળે. જેમ કે, 9 * 2 = 18 (8 + 1 =9), 9 * 3 = 27 (7 + 2 =9), 9 * 9 = 81 (1 + 8 =9). આખા અંકમાં નવનો અંક ફરતો નથી. મિત્રો પણ નવના આંક જેવો મળે તો જ મજા આવે. આ અંક જેવો અચળ અને અડગ છે તેવી રીતે મૈત્રીની ગાંઠ પણ મજબૂત અને અખંડ રહેવી જોઇએ. બે કે વધુ મિત્રોના જૂથને તોડવા તેમાં પ્રવેશી ગયેલા અને હું બધા કરતા ચડિયાતો છું તેવું દેખાડવાનો સભાનપણે સતત પ્રયાસ કરતા બગલાઓની સિફતતાપૂર્વકની ચાલોને સમજી મૈત્રીનું કવચ અખંડ રહેવું જોઇએ.

ભારતીય અંકજ્યોતિષ શાસ્ત્ર મુજબ, નવ અંક ધરાવતા જાતકો આક્રમક સ્વભાવ ધરાવે છે અને પડકાર ઝીલી લે છે. તેઓ 1,3,6 અને 9 અંક ધરાવતી વ્યક્તિ સાથે લગ્નગ્રંથિથી જોડાય છે અને 1,3,7 અને 9 અંક ધરાવતી વ્યક્તિ સાથે પ્રેમની મજા માણી શકે છે.

નવ વિશે વિશેષ જાણકારી મેળવવા ભગવદ્ગોમંડળમાં નજર નાંખી તો નવના નવથી વધારે રસપ્રદ અર્થ જાણવા મળે છે. નવ એટલે ઉશીનર રાજાનો એક દિકરો. અત્યારે અફઘાનિસ્તાનના કંદહારની આસપાસનો પ્રદેશ ઉશીનર નામે ઓળખાતો હતો. પુરુ અને યાદવ વંશમાં ઉશીનર નામે રાજા થઈ ગયા. તેમાંથી એક રાજાના પુત્રનું નામ નવ હતું. નવ નામે એક કરવેરો પણ હતા. મધ્યયુગમાં બિકાનેર રાજ્યના તાઝીમી પટ્ટેદારો ખેડૂતો પાસેથી આ કરવેરો ઉઘરાવતાં હતા. તાઝીમી એટલે તાજીમી અને તાજીમી એટલે માનનીય.

નવ નામની એક વનસ્પતિ પણ છે,જે સામાન્ય વાતચીતમાં રાતી સાટોડી નામે ઓળખાય છે. સાટોડીની વેલ હોય છે, જે મોટા ભાગે ઉકરડા ઉપર અને વિશેષ કરીને રેતાળ જમીનમાં બહુ ઉગે છે. તેના પાન તાંદળજાની ભાજીનાં જેવા ઘટ્ટ હોય છે. તેમાં નાનાં ઘંટના આંકારનાં સફેદ, રાતાં અને ગુલાબી રંગના ફૂલ થાય છે. તેનાં મૂળ દવામાં વપરાય છે. સાટોડી મુખ્યત્વે બે પ્રકારની હોય છે-ધોળી સાટોડી અને રાતી સાટોડી. ધોળી સાટોડીના બધા અંગ ધોળા હોય છે અને તેને ધોળાં ફૂલ આવે છે જ્યારે રાતી સાટોડીને રાતાં ફૂલ આવે છે. રાતી સાટોડીનું શાક થાય છે.

નવથી શરૂ થતાં રૂઢિપ્રયોગો પણ છે. જેમ કે, નવ કુળ નાગનું ઉચ્છેદ ગયું, ત્યારે અળશિયાનું રાજ થયું, નવ ગજના નમસ્કાર, નવ ગજની જીભ, નવનું સાડીતેર થવું....Sachin Tendulkarમાં તેંદુલકરના સ્પેલિંગના અક્ષર કેટલાં છે..નવ...ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ...આ બંને શબ્દના કુલ અક્ષર કેટલાં...નવ...ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે આંદોલન કરનાર લોકનાયક જયપ્રકાશ નારાયણ..બે શબ્દ નવ અક્ષર...

3 comments:

Unknown said...

Cool.. બે હાથની પહેલી આંગળી વળી દઈએ અને બાકીની આંગળીઓ સીધી રાખીએ તો નવ એક નવ .. હવે બીજી આંગળી વળી દો, એક બાજુ એક આંગળી રહેશે પછી વળેલી આંગળી અને પછી ૮ આંગળીઓ મતલબ ૧૮ ! હવે ત્રીજી આંગળી વાળો ... બાળકોને નવ એકાનો ઘડીયો શીખવાડવો ખુબા સરળ ! ના સમજાય તો મને મેઈલ કરવો.

Anonymous said...

@અલ્પેશ ભાલાળા,

મને ન સમજાયુ - મેઈલ કરશો.

Anonymous said...

કેયુરભાઈ


અભિનંદન શાયદ પોસ્ટની તમારી આ બીજી સદી છે!

બ્લોગમાં ઘણીબધી પોસ્ટ વાંચી ગયો છું, સરસ છે એ સર્ટીફિકેટની તો જરૂર જ નથી. આપના વિશે અમુક સવાલ છે - તમે પત્રકાર છો? કયા છાપા-મેગેઝિનમાં છો ?કે ફ્રિ-લાન્સ છો? ઓરકુટ એકાઉન્ટ છે?

ઇફ યુ લાઇક ટુ રિપ્લાય યા તો મને મેઈલ કરજો યા ઓરકુટ પર જવાબ આપજો અને યા તો એક પોસ્ટ જ બનાવી દેજો.


ફરી એકવાર અભિનંદન.

(i don't mind f u delete this after read )