Wednesday, September 8, 2010

ભયભીત અમેરિકા.....


સાવધાન રહેવું એટલે સાવચેત રહેવું, ચો તરફ નજર રાખવી, ગાફેલ ન રહેવું. પણ સાવચેતી દાખવવામાં અને સતત ડરતા રહેવામાં બહુ ફરક છે. કોઈ વ્યક્તિ, સમૂહ કે સંસ્થા નિર્ભયતાપૂર્વક અને વ્યવહારિકતા સાથે ખબરદાર રહી શકે છે પણ કાલ્પનિક ભયથી પીડાતો સમાજ અવ્યવહારિક પગલાં ઉઠાવે છે. વિશ્વમાં અત્યારે એકમાત્ર આર્થિક મહાસત્તા ગણાતું અમેરિકા પણ કાલ્પનિક ભયથી પીડાઈ રહ્યું છે અને તેને ડર છે-ઇસ્લામિક આતંકવાદનો. એકવીસમી સદીની શરૂઆતમાં જ અમેરિકા અલકાયદાના આતંકવાદી હુમલાનો ભોગ બન્યું અને જગત આખાને ધ્રુજાવતા આ દેશના છક્કાં છૂટી ગયા. તે પછી તેણે અફઘાનિસ્તાનને રગદોળી નાંખ્યું તે આપણે જાણીએ છીએ. અફઘાનિસ્તાનમાં લાદેનને મારવા હજારો નિર્દોષ બાળકો અને સ્ત્રીઓને હોમી દેનાર અમેરિકા દેખીતી રીતે બહાદુર લાગે છે, પણ હકીકતમાં આ રાષ્ટ્ર અત્યંત ભીરું છે અને તેનો ખુલાસો ત્યાંના જ અગ્રણી દૈનિક 'વોશિંગ્ટન પોસ્ટ'એ કર્યો છે.

વાત એમ છે કે અમેરિકામાં 9/11નો હુમલો થયા પછી ત્યાંની સરકારે આ પ્રકારના હુમલાનું પુનરાવર્તન ટાળવા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો નિર્ણય લીધો હતો. પણ બન્યું એવું કે સરકારે સાવધાની દાખવવામાં એવા પગલાં લીધાં છે જે ખરેખર હાસ્યાસ્પદ, બિનજરૂરી અને ખર્ચાળ છે. 'વોશિંગ્ટન પોસ્ટ'એ 'ટોપ સીક્રેટ અમેરિકા' નામનો એક પ્રોજેક્ટ ચલાવ્યો, જેમાં ડાના પ્રિસ્ટ અને વિલિયમ અર્કિને અમેરિકા 9/11ના હુમલા પછી કેટલું બદલાઈ ગયું તે માટે સૂચના એકત્ર કરી. ખાસ કરીને સરકારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા કેવાં પગલાં લીધા તેની જાણકારી લોકો સુધી પહોંચાડી, જેનો અભ્યાસ કરીને લોકો ચકિત થઈ ગયા. લાદેનથી ફફડી ઉઠેલી અમેરિકાની સરકારે કેવાં પગલાં લીધા તેના થોડા મુખ્ય પોઇન્ટ્સઃ

- 11 સપ્ટેમ્બર, 2001 પછી અમેરિકાની સરકારે આતંકવાદ સામે યુદ્ધ લડવા 263 સંગઠન નવા બનાવ્યાં અથવા જૂનાં સંગઠનોને ફરી સક્રિય કર્યા.

- જાસૂસી પર ખર્ચ થતી રકમમાં 250 ટકાનો વધારો કર્યો. અત્યારે અમેરિકાની સરકાર જાસૂસી સંસ્થાઓ પર દર વર્ષે 75 અબજ ડોલર ફાળવે છે. જોકે આ સરકારી આંકડો છે અને સરકારી આંકડા વાસ્તવિક ખર્ચ કરતાં ઓછા હોય તે સ્વાભાવિક છે.

- જાસૂસી કરતા અધિકારીઓને કામ કરવા 33 નવા સંકુલ બનાવવામાં આવ્યાં છે. આ ઇમારતો 1.7 કરોડ ચોરસ ફૂટમાં બનાવવામાં આવી છે, જે એક નહીં, બે નહીં પણ ત્રણ પેન્ટાગોન સમાન છે. પેન્ટાગોનના કેટલાંક અધિકારીઓ પણ અમેરિકાના સરકારના આ પ્રકારના નિર્ણયથી નારાજ છે અને આ સંકુલોની સુરક્ષા વધારવા બીજા સંકુલોનું નિર્માણ કરવું પડશે તેવી મજાક કરી રહ્યાં છે.

- વ્હાઇટ હાઉસથી પાંચ માઇલ દૂર 3.4 અબજ ડોલરના ખર્ચે એક મોટું સરકારી સંકુલ તૈયાર કરવામાં આવે છે, જે છેલ્લાં 50 વર્ષમાં અમેરિકામાં બની રહેલું સૌથી મોટું સરકારી સંકુલ છે. ડીપોર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી માટે તૈયાર થઈ રહેલા આ સંકુલમાં પેન્ટાગોન અને ડીપોર્ટમેન્ટ ઓફ વેટરન અફેર્સ પછી સૌથી વધુ અધિકારીઓ કામ કરશે. તેમાં એકસાથે 2,30,000 લોકો કામ કરી શકશે.

- સુરક્ષા માટે બનાવવામાં આવેલી આ નવી વ્યવસ્થામાં દરરોજ 136 રીપોર્ટ તૈયાર થાય છે. તેનો અર્થ એ થયો કે તેમાંથી થોડાં રીપોર્ટનો જ અભ્યાસ થઈ શકતો હશે. જે વરિષ્ઠ અધિકારીઓએ આ રીપોર્ટનો અભ્યાસ કર્યો છે તેઓ તેને સાધારણ ગણે છે. એક અધિકારીએ તો એટલે સુધી કહ્યું છે કે તેમાંથી અનેક રીપોર્ટ તો ગૂગલનો ઉપયોગ કરીને એક કલાકમાં બનાવી શકાય છે.

- અમેરિકાના 15 રાજ્યોમાં કાર્યરત 51 અલગ વ્યવસ્થા આતંકવાદી સંગઠનોને મળતી અને તેમના તરફથી આપવામાં આવતી ધનરાશિ પર નજર રાખે છે. પણ જોવાની ખૂબી એ છે કે આ વ્યવસ્થાઓ વચ્ચે સંકલનનો અભાવ છે. એક સંસ્થા બીજી સંસ્થાને જાણકારી કે સૂચના આપતી નથી.

- અમેરિકાના ફોન કોલ્સ કે બીજા પ્રકારના કમ્યુનિકેશન પર નજર રાખવા અને શંકાસ્પદ આદાનપ્રદાનને પકડવા 30,000 લોકોની નિમણૂંક કરવામાં આવી છે.

ભૂતકાળમાં અમેરિકાએ યુદ્ધની તૈયારીઓ કરી છે, કટોકટી જેવા અધિકારો પણ મેળવ્યાં છે અને ક્યારેક તેનો દૂરપયોગ પણ કર્યો છે. તેમ છતાં યુદ્ધ પૂર્ણ થયા પછી તેનો ત્યાગ કર્યો છે. પણ 9/11ના હુમલા પછી અમેરિકાએ અંતહિન યુદ્ધ શરૂ કર્યું હોય તેમ લાગે છે......

No comments: