Thursday, September 9, 2010

હોમી નૌશેરવાંજી સેઠના-બુદ્ધના ચહેરા પર સ્મિત ફરકાવનાર વિજ્ઞાની....


દેશના અખબારોમાં જેટલી જગ્યા 'પીપલી લાઇવ' ફિલ્મને લગતી વિવિધ બાબતોને મળી તેટલી જગ્યા દેશને પરમાણુશક્તિ સંપન્ન રાષ્ટ્ર બનાવવાનું હોમી ભાભાનું સ્વપ્ન સાકાર કરનાર વિજ્ઞાની ડૉ. સેઠનાના અવસાનને ન મળી. દેશમાં લોકોને સલમાન ખાનની વાહિયાત હરકતો જાણવામાં જેટલો રસ છે તેટલો રસ દેશની પ્રગતિમાં પોતાનું લોહીપાણી એક કરનાર વિજ્ઞાનીઓ વિશે જાણકારી મેળવવામાં નથી. મહાન ભારતીયોને ધર્મમાં જેટલો રસ છે તેટલી રુચિ વિજ્ઞાનમાં નથી. ભારતીયોને ફિલ્મ કલાકારોના, ક્રિકેટરોના, રાજકારણીઓના કે બાવાઓના નામ પૂછશો તો લાંબીલચક યાદી સાંભળવા મળશે, પણ વિજ્ઞાનીઓના નામ પૂછશો તો પાંચ નામ આપવામાં તતફફ થઈ જશે. એટલે જ ડૉ. હોમી નૌશેરવાંજી સેઠનાનું અવસાન થયું ત્યારે મોટા ભાગના હિંદુસ્તાનીઓને જાણ થાય છે કે-ઓહ્, સેઠના નામનો પણ એક વિજ્ઞાની હતો.

દેશ આઝાદ થયો ત્યારે પ્રસિદ્ધ વિજ્ઞાની હોમી જહાંગીર ભાભાએ દુનિયાના વિવિધ દેશોમાં કાર્યરત ભારતીય વિજ્ઞાનીઓને સ્વદેશ પરત ફરવાની ભાવભીની અપીલ કરી હતી. કેટલાંક વિજ્ઞાનીઓ પાછાં ફર્યા. તેમાં એક હતા-માન્ચેસ્ટરની ઇમ્પિરિયલ કેમિકલ કંપનીમાં કાર્યરત હોમી નૌશેરવાંજી સેઠના. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવા સેઠનામાં ભાભાને ઘણી સંભાવનાઓ દેખાઈ અન તેમના સાથીદાર બનાવી લીધા. આ બંને વિજ્ઞાની ભારતને પરમાણુશક્તિ સંપન્ન રાષ્ટ્ર બનાવવાના મિશનમાં લાગી ગયા. ભારતને પરમાણુરાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન ડૉ. હોમી ભાભાનું હતું, જે સેઠનાએ પૂર્ણ કર્યું હતું.

વર્ષ 1974માં સેઠનાએ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને જણાવ્યું કે તેમણે શાંતિપૂર્ણ ઉદ્દેશ સાથે પરમાણુ પરિક્ષણની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વડાપ્રધાને ગાંધીએ લીલી ઝંડી આપી દીધી અને પછી 18 મે, 1974ના રોજ સેઠનાએ કોડ વર્ડમાં ઇન્દિરા ગાંધીને સંદેશ મોકલ્યો-સ્માઇલિંગ બુદ્ધ (અડધા અંગ્રેજ થઈ ગયેલા ભારતીયો બુદ્ધા કહે છે). ભારતનું આ પ્રથમ પરમાણુ પરિક્ષણ અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું હતું. અમેરિકાના સંવેદનશીલ ઉપગ્રહ પણ તેનો અણસાર સુદ્ધાં મેળવી શક્યાં નહોતા. આ વિસ્ફોટ પછી કેટલીક મહાશક્તિઓ અને પડોશી રાષ્ટ્ર નારાજ થયા હતા. પણ ડૉ. સેઠના અત્યંત સ્પષ્ટ વિચારધારા ધરાવતા હતા કે ભારતે પરમાણુશક્તિ સંપન્ન રાષ્ટ્ર બનવું જોઈએ. દેશ સ્વબળે પ્રગતિ કરવાના માર્ગ સાથે કોઈ સમજૂતી ન કરવી જોઈએ તેવું તે માનતાં હતાં.

ડૉ. સેઠના ભારત પાછાં ફર્યા તે પછી ડૉ. હોમી ભાભાએ તેમને સમજાવીને કેરળના અલુવામાં ઇન્ડિયન રેર અર્થ્સ લિમિટડના પ્રમુખ બનાવ્યા હતા, જેમાં તેમણે મોનોઝાઇટ રેતીમાંથી દુર્લભ આણ્વિક પદાર્થો મેળવ્યાં હતાં. દરમિયાન તેઓ કેનેડા-ભારત રિએક્ટર (સાયરસ)ના પ્રોજક્ટ મેનેજર બન્યાં. તે પછી તેમણે 1959માં ટ્રોમ્બે સ્થિત પરમાણુ ઊર્જા સંસ્થામાં પ્રમુખ વિજ્ઞાની અધિકારીનું પદ સંભાળ્યું. આ સંસ્થા એટલે હાલનું ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર. તેમના અવિરત પ્રયાસ અને કુશળ નેતૃત્વના બળે 1959માં ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રમાં પ્લુટોનિયમ અલગ કરવા પ્રથમ રિએક્ટરનું નિર્માણ થઈ શક્યું. તેની ડીઝાઇન અને તેનું નિર્માણ સંપૂર્ણપણે ભારતીય વિજ્ઞાનીઓ અને ઇજનેરોએ કર્યું. આગળ જતાં આ રિએક્ટરમાંથી અલગ કરવામાં આવેલા પ્લુટોનિમમાંથી જે પરમાણુશક્તિ તૈયાર થઈ તેના વિસ્ફોટથી 18 મે, 1974માં પોખરણમાં બુદ્ધના ચહેરા પર સ્મિત ફરક્યું હતું. ડો. સેઠનાના માર્ગદર્શનમાં જ 1967માં ઝારખંડના જાદુગુડામાં યુરેનિયમ મેળવવા માટે રિએક્ટર લગાવવામાં સ્થાપિત કરવામાં આવ્યું. તેમણે તારાપુર પરમાણુ રિએક્ટરો માટે યુરેનિયમ ઇંધણના વિકલ્પ સ્વરૂપે મિશ્ર ઑક્સાઇડ ઇંધણ વિકસાવ્યું. પોખરણમાં પરમાણુ વિસ્ફોટ પછી અમેરિકાએ યુરેનિયમનો પુરવઠો પૂરો પાડવાનું બંધ કરી દીધું હતું. આ સમયે ફ્રાંસે યુરેનિયમ આપીને આપણી મદદ કરી, નહીં તો ડૉ. સેઠનાએ મિશ્ર ઓક્સાઇડથી તારાપુરનું પરમાણુ રિએક્ટર ચલાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

તે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના પ્રખર હિમાયતી હતા. 1958માં સંયુક્ત રાષ્ટ્રે જીનિવામાં આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું હતું, જેના ઉપસચિવ સેઠનાને બનાવવામાં આવ્યાં હતાં. તેઓ સંયુક્ત રાષ્ટ્રની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય હતા અને 1966થી 1981 સુધી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યાં છે. 1966માં તેઓ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના ડિરેક્ટર બન્યાં અને 1972થી 1983 સુધી પરમાણુ ઊર્જા પંચના અધ્યક્ષ રહ્યાં. આ પદ પર હોમી ભાભા પછી સૌથી વધુ સમય રહેવાનું બહુમાન સેઠના ધરાવે છે. તેમણે ભારતીય પરમાણુ ઊર્જા કાર્યક્રમને નવી ગતિ પ્રદાન કરી હતી.. આજે ભારતને પરમાણુશક્તિ સ્વરૂપે દુનિયામાં માન્યતા મળી છે તો તેમાં ડૉ. ભાભા પછી સૌથી વધારે યોગદાન ડૉ. સેઠનાનું જ છે.

3 comments:

Alpesh Bhalala said...

Good job done!! Thanks.

Anonymous said...

કેયુર ભાઈ, ડો.શેઠના વિષે નો ખુબ સરસ લેખ, આ સાથે આવાજ અદ્ભુત વૈજ્ઞનિક રાજા રામન્ના પણ યાદ આવી ગયા, આવા સર્વ ભારતીય વૈજ્ઞાનિકો ને સો સો સલામ !

Envy said...

Keyurbhai, tamaro gusso vyabji che pan tema ferfar thava ni asha khub ochi che. Abhinandan saras post mate.