Tuesday, September 14, 2010

બિહાર ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો વિરોધઃ જનતા દળ(યુ)-ભાજપની વ્યૂહાત્મક ચાલ...


બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. પણ આ ચૂંટણીનું પરિણામ શું આવશે તેના કરતાં વધારે આતુરતા નરેન્દ્ર મોદી ચૂંટણીના પ્રચારમાં જોડાશે કે નહીં તેને લઈને જાગી છે. મીડિયાના એક જૂથનું સ્પષ્ટપણે કહેવું છે કે બિહારમાં નીતિશકુમારના નેતૃત્વમાં ભાજપ-જનતા દળ (યુ)ની સરકાર બનશે તે નક્કી વાત છે. પણ મીડિયાનું ધ્યાન અત્યારે સંપૂર્ણપણે નરેન્દ્ર મોદી પર કેન્દ્રીત છે. મીડિયા માટે નરેન્દ્ર મોદી બ્રાન્ડ્સ છે અને મોદી સાથે સંબંધિત સમાચાર જોવા-સાંભળવામાં લોકોને રસ પડે છે. આ વાત ભાજપ અને જનતા દળ (યુ) સારી રીતે જાણે છે. સમાચાર માધ્યમો મુજબ, બિહારમાં ચૂંટણીના પ્રચારમાં નરેન્દ્ર મોદી જોડાય તેની સામે નીતિશકુમાર એન્ડ કંપનીને વાંધો છે. તમને થશે કે જનતા દળ (યુ)ના બેવડું ધોરણ છે. છેલ્લાં પાંચ વર્ષથી નીતિશકુમાર ભાજપ સાથે બિહારમાં સરકાર ચલાવે છે. ગોધરાકાંડ અને અનુગોધરાકાંડ થયો ત્યારે નીતિશકુમાર અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં મંત્રી હતા તો અચાનક ચૂંટણી સમયે જ તેમને મોદી સામે શું વાંધો પડ્યો? પણ રાજકારણમાં જે દેખાય છે તે ખરેખર વાસ્તવિકતા નથી હોતી અને રાજરમતો ક્યારેય ખુલ્લેઆમ રમાતી નથી.

હકીકતમાં ભાજપ સાથે સમજૂતી કરીને જનતા દળ (યુ)એ ખૂબ જ સમજીવિચારીને નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાની ચાલ ચાલી છે. તમને થશે કે તેનાથી આ બંને પક્ષના ગઠબંધનને શું ફાયદો? સામાન્ય રીતે ભાગીદારો વચ્ચે અંતરકલહ થવાથી સરવાળે બંનેને નુકસાન થાય. પણ રાજકારણમાં આવું સીધું અને સાદું ગણિત ચાલતું નથી. મારું એવું માનવું છે બિહારમાં આ વખતે આ બંને ભાજપ-જનતા દળ જાણીજોઇને ઉપરછલ્લી આંતરકલહ દેખાડી રહ્યાં છે અને તેનાથી આ ગઠબંધનની સ્થિતિ મજબૂત થશે. અહીં હું ગઠબંધન શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું. એટલે ભાજપ અને જનતા દળ(યુ) જોડાણ ચૂંટણી પછી વધુ મજબૂત બનશે એવું મારું માનવું છે. નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાથી જનતા દળ (યુ)ની મુસ્લિમ મતબેંક મજબૂત થશે જ્યારે મોદી મુદ્દો ચૂંટણી સુધી અદ્ધરતાલ લટકતો રહેવાથી ભાજપની પરંપરાગત મતબેંક જળવાઈ રહેશે.

એટલું જ નહીં મોદી મુદ્દો સતત સળગતો રહેવાથી લાલુપ્રસાદ યાદવનો રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને રામવિલાસ પાસવાનનો લોકજનશક્તિ પક્ષ જનમાનસમાં હાંસિયામાં ધકેલાઈ ગયો છે. બિહારમાં અત્યારે લોકોની ચર્ચાનું કેન્દ્ર નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર વિવાદે લઈ લીધું છે. વિપક્ષની બીજી મુશ્કેલી કોંગ્રેસ છે. બિહારમાં મૃતઃપ્રાય થઈ ગયેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા કોંગ્રેસે રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યાં છે. મીડિયા અને દંભી ધર્મનિરપેક્ષ પત્રકારો તેમના યુવરાજ રાહુલ ગાંધીને જીતાડવા કોંગ્રેસ કરતાં પણ વધારે પ્રયાસ કરી રહ્યાં છે. તેની અસર ભાજપ-જનતા દળ (યુ) કરતાં લાલુ અને રામવિલાસ પાસવાનની મતબેંક પર વધારે થશે અને તે પણ નુકસાનકારક. બનશે એવું કે બિહારમાં દલિત, યાદવ અને મુસ્લિમ મતબેંક જનતા દળ (યુ), કોંગ્રેસ, રાજદ અને લોજપા વચ્ચે વહેંચાઈ જશે. એટલું જ નહીં દલિત, યાદવ અને મુસ્લિમોનો ઝુકાવ જનતા દળ (યુ) તરફ વધુ રહેશે તેવા એંધાણ છે. આ પરિસ્થિતિમાં સૌથી વધારે ફાયદો ભાજપને થશે. તેની પરંપરાગત મતબેંક જળવાઈ તો રહેશે જ, પણ દલિત અને યાદવ મતબેંકમાંથી અમુક હિસ્સો પણ તેને મળશે....

No comments: