અમેરિકાના બીજા રાષ્ટ્રપ્રમુખ જોહન એડમ્સના પત્ની એબિગેઇલ એડમ્સ સ્ત્રીસ્વાતંત્ર્યના હિમાયતી હતા. તેમણે પુરુષોને એક મજાની સલાહ આપતાં કહ્યું છે કે, તમે સ્ત્રીઓ કે મહિલાઓની દરકાર નહીં કરો અને તેમને સાચવશો નહીં તો તમારે ચોક્કસ બળવાનો સામનો કરવો પડશે. મહારાષ્ટ્રના રાજકીય રંગમંચના સુપરસ્ટાર બાલસાહેબ કેશવરામ ઠાકરેને કદાચ આ વાતની જાણ નહીં હોય.
મહારાષ્ટ્રના જાણીતા ઠાકરે પરિવારના હાઇપ્રોફાઇલ પુત્રવધુ સ્મિતા ઠાકરેએ શિવસેના વિરૂદ્ધ બળવાનું રણશિંગુ ફૂંકી દીધું છે. ગયા અઠવાડિયે તેમણે મરાઠી દૈનિક લોકસત્તામાં લેખ લખી મહારાષ્ટ્ર વિધાનસભાના ઇતિહાસમાં રાજ ઠાકરેના ગુંડાઓએ જે શરમજનક પ્રકરણ ઉમેર્યુ તે બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. આ લેખમાં તેમણે મહારાષ્ટ્રીયનોને ભાષા પ્રત્યેનું સંકુચિત વલણ છોડી અંગ્રેજી અને અન્ય ભાષાઓ પ્રત્યે નફરત ફેલાવતા પરિબળોથી દૂર રહેવાની સલાહ આપી હતી. પણ આ સલાહ પાછળનો આશય સમાજનું ભલું કરવા કરતાં અંગત ફાયદો મેળવવાનો વધારે હતો.
છેલ્લાં બે દાયકાથી માતોશ્રીમાં બાલ ઠાકરેની છત્રછાયામાં રહેતાં અને સેનાના હિંસક અને તોફાની રાજકારણનો ભરપૂર ફાયદો ઉઠાવનાર સ્મિતા ઠાકરેના આ બદલાયેલા વલણથી શિવસૈનિકો સિવાય અનેકને આશ્ચર્ય લાગ્યું હતું. તેમણે સોનિયા ગાંધી અને કોંગ્રેસીજનોનો યુવરાજ રાહુલ ગાંધીની ભરપેટ પ્રશંસા કરી ત્યારે આ લેખની પાછળનો આશય સ્પષ્ટ થયો હતો. મેડમ સ્મિતા સેના સાથે છેડો ફાડી હવે મેડમ સોનિયાના દરબારી બનવા માગે છે. માતોશ્રી છોડી તેઓ હવે દસ જનપથમાં પ્રવેશ કરવા માગે છે. નારાયણ રાણે, રાજ ઠાકરે જેવા ભૂતપૂર્વ અને મનોહર જોશી જેવા સદાબહાર શિવસૈનિકોને સ્મિતા ઠાકરેના આ વલણથી બિલકુલ આશ્ચર્ય લાગ્યું નથી.
સ્મિતા ઠાકરે પહેલેથી જ મહત્વાકાંક્ષી છે. 1985ની આજુબાજુ તેઓ સેન્ટુર હોટેલમાં રીસેપ્શનિસ્ટ હતા. આ ફાઇવ સ્ટાર હોટલમાં આવતા ધનિક અને વગદાર મહેમાનોની જેમ તેઓ હાઈ પ્રોફાઇલ સેલિબ્રિટી બનવા માગતા હતા. દરેક ધનિકની પાછળ ફરતાં સ્વામાન વગરના સ્વાર્થી જી હજુરિયા રાખવાનો તેમને પણ શોખ હતો. તે સમયે મહારાષ્ટ્રના રાજકારણમાં બાલ ઠાકરેનો સૂરજ સોળે કળાએ ખીલ્યો હતો. સ્મિતાનો પરિચય બાલ ઠાકરેના બીજા નંબરના પુત્ર જયદેવ સાથે થયો. પરિચયે પ્રેમનું સ્વરૂપ ધારણ કર્યું અને સ્મિતાએ 1987માં માતોશ્રીમાં પ્રવેશ કર્યો. વર્ષ 1995માં મહારાષ્ટ્રમાં પહેલી વખત સેના-ભાજપની યુતિ સરકાર રચાઈ. તેનું રીમોટ કન્ટ્રોલ બાલાસાહેબના હાથમાં હતું, પણ ક્યારે કયા બટન દબાવવા તેનો ફેંસલો સ્મિતા ઠાકરે કરતાં હતા. કોઇક કારણસર જયદેવ પિતા બાલાસાહેબથી દૂર થઈ ગયો હતો, પણ સ્મિતાએ તેમના સસરા સાથે સારો તાલમેલ બેસાડી દીધો હતો. મહારાષ્ટ્રમાં સેના-ભાજપની સરકાર વખતે સ્મિતાનો કેટલો દબદબો હતો તેનું એક ઉદાહરણ આપું.
આ સરકારના મુખ્યમંત્રી પહેલાં મનોહર જોશી હતા. વર્ષ 1999માં તેમના સ્થાને નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવાયા હતા. રાણેને મુખ્યમંત્રી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા સ્મિતા ઠાકરેએ જ ભજવી હતી. રાણેએ પણ આ અહેસાનનો બદલો વાળ્યો હતો. તેમણે મુખ્યમંત્રી બનીને પહેલું કામ સ્મિતાના બિનસરકારી સંગઠન મુક્તિ ફાઉન્ડેશનને અંધેરીમાં 1,720 ચોરસ મીટરના એક પ્લોટની ભેટ ધરી હતી. આ જમીન મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ એક શોપિંગ સેન્ટર બનાવવા અનામત રાખી હતી અને તેમાંથી સરકારને રૂ. 50 કરોડની આવક થવાની હતી. તે સમયે આઇએએસ, આઇપીએસ અને સરકારી તંત્ર સ્મિતાના ઇશારે નાચતું હતું. બોલીવૂડ તેમના એક ફોન પર ધ્રુજી જતું હતું. તેનો એક કિસ્સો અત્યંત જાણીતો છે.
ફિલ્મના સેટ પર કાયમ મોડો પડવા માટે જાણીતા ગોવિંદાની એક ફિલ્મ હસીના માન જાયેલી થોડા વર્ષ પહેલાં આવી હતી. આ ફિલ્મનું નિર્માણ સ્મિતા ઠાકરેએ કર્યું હતું. તેના શૂટિંગમાં શરૂઆતમાં ગોવિંદો તેની આદત પ્રમાણે મોડો જ પહોંચતો હતો. આ વાતની જાણ નિર્દેશકે સ્મિતાને કરી. પછી તેમણે ગોળમટોળ ગોવિંદાને એક ફોન કર્યો. તે પછી ફિલ્મનું નિર્માણ થયું ત્યાં સુધી ગોવિંદો સેટ પર પાંચ મિનિટ વહેલા પહોંચી જતો હતો. બોલીવૂડની નાની-મોટી કોઈ પણ પાર્ટીનું પહેલું આમંત્રણ સ્મિતાને પહોંચાડવું પડતું હતું. પણ સમય હંમેશા મહેરબાન રહેતો નથી.
વર્ષ 1999 અને 2004ની વિધાનસભાની ચૂંટણીઓમાં સેના-ભાજપની હાર થઈ. 2004માં જયદેવ ઠાકરે સાથે છૂટાછેડા લીધા. જયદેવ માતોશ્રી છોડી બીજે રહેવા ચાલ્યો ગયો પણ સ્મિતાએ બાળકો સાથે શ્વસુર સાથે રહેવાનું પસંદ કર્યું. થોડા સમયે પહેલાં તેઓ જૂહુમાં એક વૈભવી મકાનમાં રહેવા ગયા છે. તેમની પોતાની હાઇપ્રોફાઇલ સેલિબ્રિટી બનવાની ઇચ્છા-આકાંક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, પણ તેમનો દબદબો ઓછો થઈ ગયો છે. ચાલુ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સેનાનો કારમો પરાજય થયો છે. સ્મિતા હવે પોતાનું અને પુત્ર રાહુલનું રાજકીય ભવિષ્ય સુરક્ષિત કરવા માગે છે. તેમને સેનાનો સૂર્યોદય થવાની કોઈ તક દેખાતી નથી. કોંગ્રેસનો સૂર્ય ઝળહળી રહ્યો છે. કોંગ્રેસ પણ શિવસેનાને સંપૂર્ણપણે ખતમ કરવા માગે છે. રાજ ઠાકરેને ઢાલ બનાવ્યાં પછી હવે કોંગ્રેસીજનોની નજર સ્મિતા પર છે....
2 comments:
એક સુધારો. મહારાષ્ટ્રની પ્રથમ સેના-ભાજપ યુતિ સરકારના પહેલા મુખ્યમંત્રી મનોહર જોશી હતા જે સમય જતાં એનડીએ સરકારમાં લોકસભાનું સ્પીકરપદ પણ પામ્યા. મુરલી મનોહર જોશી તો અલાહાબાદના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા.
બિનીત મોદી (અમદાવાદ)
E-mail: binitmodi@gmail.com
બિનીતભાઈ સુધારો સૂચવવા બદલ આભાર. મનોહર જોશીને બદલે ભૂલથી મુરલી મનોહર જોશી લખાઈ ગયું હતું.
Post a Comment