વાત પામેલા બોર્ડેસની છે. તમને થશે કે કોઈ વિદેશી અભિનેત્રીની વાત હશે, પણ ના આ વાત છે એક મિસ ઇન્ડિયાની. મિસ ઇન્ડિયા પામેલાસિંહ ચૌધરીની. પામેલા વર્ષ 1982માં મિસ ઇન્ડિયા બની હતી અને તેણે 1990ના દાયકાના અંતમાં બ્રિટિશ રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો.
પામેલસિંહ ચૌધરી ભારતીય સેનામાં મેજર તરીકે સેવા આપી ચૂકેલા મહિન્દરસિંહ કાદ્યાનની પુત્રી છે. તેનો જન્મ વર્ષ 1961માં થયો હતો. દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજમાં આ સુંદર વિદ્યાર્થીનીએ અભ્યાસ દરમિયાન જ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. મિસ ઇન્ડિયા બન્યા પછી તે યુરોપ જતી રહી અને ત્યાં તેણે શસ્ત્રોના સોદાગર હેનરી બોર્ડેસ સાથે લગ્ન કર્યાં હતા.
આ દરમિયાન પામેલા બ્રિટનમાં પણ રહી. અહીં તેણે અનેક સાંસદો, મંત્રીઓ અને વિશિષ્ટ લોકો સાથે અંતરંગ સંબંધો કેળવ્યાં હતા. તેમાં બ્રિટિશ અખબાર સંડે ટાઇમ્સના સંપાદક એન્ડ્રુસ નીલ અને બ્રિટનની રમતમંત્રી કોલિન મોનીહા પણ સામેલ હતા. પામેલા પાસે હાઉસ ઓફ કોમન્સ એટલે બ્રિટનની લોકસભાનો સિક્યુરિટી પાસ હતો. આ પાસ તેણે રાજકીય વગથી મેળવ્યો હતો. અહીં પામેલા ટોરી પક્ષના સાંસદ ડેવિડ શૉના રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. બ્રિટનના અખબારો ત્યારે પામેલા માટે કયો શબ્દ વાપરતા હતા જાણો છો? Alleged High Society Prostitute.
આ વિવાદ બહાર આવ્યો ત્યાં સુધી બ્રિટિશ સરકાર તેને ફક્ત એક સેક્સ કૌભાંડ જ માનતી હતી, પણ તે દરમિયાન એક વધુ ફણગો ફૂટ્યો. તે મુજબ પામેલાના સંબંધ લિબિયા સાથે હતા અને તે આ સામ્યવાદી શાસન વ્યવસ્થા ધરાવતા દેશ તરફથી બ્રિટનમાં જાસૂસી કરતી હતી. ખરેખર વાત એમ હતી કે લિબિયાના શાસક ગદ્દાફીના એક સગા અને લિબિયા સરકારના વરિષ્ઠ અધિકાર અલ ડૈમ અને પામેલા વચ્ચે પણ અત્યંત સુંવાળા સંબંધો હતા. ડૈમને મળવા પામેલા અનેક વખત લિબિયા પણ ગઈ હતી. ઉપરાંત તેઓ બંને પેરિસની અત્યંત વૈભવી હોટેલમાં નિયમિતપણે મળતાં હતાં.
બ્રિટિશ સરકાર તેના પર દબાણ વધારતી હતી, પણ પામેલા બહુ તૈયાર હતી. તેણે એક અખબારને મુલાકાત આપી સ્ફોટક જાહેરાત કરી દીધી કે જો તે સત્ય રજૂ કરશે તો બ્રિટનની સરકાર પડી જશે. અંગ્રેજો બહુ શાણા. તેમણે સરકાર બચાવી લીધી અને સાથેસાથે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અંગ્રેજોની આબરુના ધજાગરા પણ ન થયા. આ કૌભાંડ પછી વર્ષો સુધી પામેલા ગાયબ થઈ ગઈ હતી. પછી ભારત આવી પ્રોફેશનલ ફોટોગ્રાફર બની ગઈ હતી...
No comments:
Post a Comment