Friday, November 27, 2009

વિનૂ માંકડથી શ્રીસંતઃ ટેસ્ટ કિક્રેટમાં વિજયની સેન્ચુરી....


સફળતા બે પ્રકારની હોય છે-એક અંગત કે વ્યક્તિગત સફળતા અને બીજી સામૂહિક સફળતા, જેને ટીમવર્ક પણ કહેવાય છે. સામૂહિક સફળતાની સરખામણીમાં અંગત સફળતા મેળવવી સહેલી છે. વ્યક્તિગત સફળતાનો આધાર મનુષ્યની પોતાની ક્ષમતા પર હોય છે જ્યારે સામૂહિક સફળતાનો આધાર ટીમના તમામ સભ્યોની સામૂહિકતાની ભાવના અને તેમની વચ્ચેના તાલમેલ પર હોય છે. અંગત સફળતા વ્યક્તિગત ક્ષમતાનું પ્રતિક છે જ્યારે સામૂહિક સફળતા ટીમ વર્ક વ્યક્ત કરે છે અને કાનપુરમાં ટીમ ઇન્ડિયાએ તેની ટેસ્ટ ક્રિકેટની અત્યાર સુધીની સફરમાં વિજયની સદી ફટકારી છેલ્લાં દાયકામાં ટીમની વધી રહેલી તાકાતના દર્શન કરાવ્યાં છે. કાનપુરના ગ્રીન પાર્કમાં ભારતીય ટીમે શ્રીલંકાની ટીમ સામે એક ઇનિંગ્સ અને 144 રને ભવ્ય વિજય મેળવી તેના એકસોમા ટેસ્ટ વિજયને યાદગાર બનાવી દીધો છે. પણ પહેલા ટેસ્ટ વિજયથી એકસોમા ટેસ્ટ વિજય સુધીની આ સફર અત્યંત સંઘર્ષમય અને રોમાચંક રહી છે.

ટીમ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં પદાર્પણ અંગ્રેજના જમાનામાં કર્યું હતું. વર્ષ 1932માં મહાત્મા ગાંધીજી અંગ્રેજો સામે સવિનય કાનૂનભંગની ચળવણ ચલાવતા હતા ત્યારે ગુલામ ભારતની પહેલી ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, પણ 1930 અને 1940ના દાયકામાં ભારતીય ટીમને એક પણ વિજય મળ્યો નહોતો. આ બંને દાયકા દરમિયાને તેને કુલ 11 ટેસ્ટમાં પરાજ્યનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને પહેલી વખત વિજયનો સ્વાદ વિજય હઝારેના નેતૃત્વમાં ફેબ્રુઆરી, 1952 ચાખવા મળ્યો હતો. મદ્રાસમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને એક ઇનિંગ્સ અને આઠ રને હાર આપી ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત વિજયનો સ્વાદ ચાખ્યો હતો. એક આડ વાત કરી લઉં. ટીમ ઇન્ડિયાના પહેલા અને એકસોમા એમ બંને વિજયમાં થોડીઘણી સમાનતા છે.

ટીમ ઇન્ડિયાએ પહેલો વિજય મેળવ્યો એક ઇનિંગ્સ અને આઠ રને મેળવ્યો હતો તો એકસોમો વિજય પણ એક ઇનિંગ્સ અને 144 રને મેળવ્યો છે. આ બંને ટેસ્ટ મેચ ચાર દિવસમાં પૂર્ણ થઈ ગઈ છે. બંને ઐતિહાસિક મેચમાં ભારતને વિજયની વરમાળા પહેરાવવામાં બોલરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ટીમ ઇન્ડિયાને ટેસ્ટમાં પ્રથમ વિજયની ભેટ એક ગુજરાતી ઓલરાઉન્ડરે ધરી હતી. મૂળવંતરાય હિમ્મતલાલ માંકડ ઉર્ફે વિનૂ માંકડે ઇંગ્લેન્ડના પહેલા દાવમાં પપ રનમાં આઠ વિકેટ અને બીજા દાવમાં 53 રનમાં ચાર વિકેટ ઝડપી એમ કુલ 12 વિકેટ ઝડપી હતી. તેની જેમ જ એકસો વિજયની ભેટ પણ એક બોલરે જ ધરી છે. શ્રીસંતે મેચમાં કુલ સાત વિકેટ ધરી શ્રીલંકાની હાર નિશ્ચિત કરી દીધી હતી. મૂળ વાત પર પાછાં ફરીએ...

1950ના દાયકામાં ભારતીય ટીમને છ વિજય અને 17 પરાજ્ય મળ્યાં જ્યારે 1960ના દાયકામાં નવ વિજય અને 21 પરાજ્ય થયા હતા. 1970ના દાયકામાં ભારતીય ટીમે 10 કરતાં વધારે ટેસ્ટ મેચમાં વિજયની વરમાળા પહેરી હતી. આ દાયકામાં ભારતીય ટીમે 17 ટેસ્ટ મેચમાં વિજય અને 19 ટેસ્ટમાં પરાજ્ય મેળવ્યો હતો. ટીમ માટે 1980ના દાયકો અત્યંત ખરાબ પુરવાર થયો. આ દાયકામાં ભારતીય ટીમ કુલ 81 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં માત્ર 11 ટેસ્ટમાં તેનો વિજય થયો જ્યારે 21 મેચમાં તેને પરાજ્યનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જોકે 1990ના દાયકામાં ભારતીય ટીમ તેનો દેખાવ સુધારવામાં સફળ રહી હતી. આ દાયકામાં ટીમે 18 મેચમાં વિજય મેળવ્યો હતો.

ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં વિજયની અર્ધીસદી શ્રીલંકા સામે જ જાન્યુઆરી, 1994માં લખનૌમાં પૂરી કરી હતી. આ રીતે તેને 50 ટેસ્ટ વિજય મેળવતાં 62 વર્ષ લાગ્યા હતા. જોકે તે પછી બીજા 50 ટેસ્ટ વિજય મેળવવા માત્ર 15 વર્ષ જ લાગ્યાં છે અને તેમાં પણ છેલ્લો દાયકો ભારતીય ટીમ માટે સોનેરી પુરવાર થયો છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતીય ટીમ 102 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 39 ટેસ્ટમાં તેનો વિજય થયો છે જ્યારે 27 ટેસ્ટમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યા પછી આ એકમાત્ર એવો દાયકો છે જેમાં ભારતીય ટીમે હાર કરતાં જીત વધારે મેળવી છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ભારતનો આ છઠ્ઠો ટેસ્ટ વિજય છે.

ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન સૌરવ ગાંગુલી છે. ગાંગુલીના નેતૃત્વમાં ભારતનો 21 ટેસ્ટમાં વિજય થયો છે જ્યારે મોહમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વમાં 14, સુનીલ ગાવસ્કર અને પટૌડીના નેતૃત્વમાં નવ, રાહુલ દ્રવિડના નેતૃત્વમાં આઠ અને બિશનસિંઘ બેદીના નેતૃત્વમાં છ વિજય પ્રાપ્ત કર્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિજય ઓસ્ટ્રેલિયાએ મેળવ્યાં છે. તેણે અત્યાર સુધી 713 ટેસ્ટ મેચમાં 332 વિજય પ્રાપ્ત કર્યાં છે. ઇંગ્લેન્ડને 310, વિન્ડિઝને 152, દક્ષિણ આફ્રિકાને 120 અને પાકિસ્તાને 103 ટેસ્ટ મેચમાં વિજયની વરમાળા પહેરી છે.

No comments: