Thursday, November 26, 2009

કછડો બારે માસ....


રવિવારથી ગુરુવારની રજા મળી. રજા ક્યારે મળશે તે નક્કી નહોતું. પણ રજા મળતા પિંજરામાંથી પંખી છૂટે તેમ અમદાવાદની બહાર નીકળી ગયો. આયોજન વિના અને લાંબી રજા વિના ગુજરાતની બહાર જવું શક્ય નહોતું એટલે બારે માસ રળિયામણા કછડા ભેગા થઈ જવાનું નક્કી કર્યું. એ બહાને સગાસંબંધીઓને મળવાની અને એક સામાજિક પ્રસંગે હાજરી આપવાની પણ ઇચ્છા હતી. કહેવાય છે કે-

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કછડો બારે માસ.

હા મુંજો કછડો બારે માસ. કચ્છ મને કાયમ આકર્ષે છે. ખબર નહીં પણ ત્યાં મને અજાણ્યું લાગતું નથી. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો અને ભારતનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે. (વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો લડાખ છે) આ જિલ્લામાં દરિયો છે, અહીં ચાંદી જેવી રેતીથી પથારાયેલું રણ છે, ઊંચા-નીચા ડુંગરો છે અને તેની તળેટીમાં વસેલા રળિયામણા ગામ છે. કચ્છની પોતાની અસ્મિતા છે, પોતાનું આગવું વ્યક્તિત્વ છે. કચ્છ એટલે?

કચ્છનો સંસ્કૃત ભાષામાં અર્થ બેટ થાય છે. ભગવદ્વોમંડલમાં કચ્છના કુલ 31 અર્થ આપ્યાં છે. તેમાં પહેલો અર્થ છે આકાશનું ઢાંકણ, પાંચમો અર્થ છે કાચબાની ઢાલ, સાતમો અર્થ છે કિનારાનો પ્રદેશ, આઠમો અર્થ છે કિનારો, કાંઠો, તટ, દસમો અર્થ છે ખાડી, 15મો અર્થ છે દરિયાની ભૂમિ, 30મો અર્થ છે સિંધ અને કાઠિયાવાડ વચ્ચે આવેલો એ નામનો દેશ, 31મો અર્થ છે પાણીનું ખાબોચિયું. આ બધા અર્થ કચ્છની ભૌગલિકતા વ્યક્ત કરે છે. કચ્છમાં પ્રવેશ કરો ત્યારે માળિયાની ખાડી આવે. કચ્છની એક તરફ કાઠિયાવાડ છે તો બીજી તરફ પાકિસ્તાનનો સિંધ પ્રદેશ છે. દરિયામાં ભરતી આવે ત્યારે ગુજરાતની તળભૂમિ અને કચ્છ વચ્ચે ઓછા ઊંડાણવાળો રેતાળ ભાગ પાણીથી છવાઈ જાય છે અને દરિયાના દર્શનની ભ્રાંતિ ઊભી થાય છે.

કચ્છનો ઉલ્લેખ પુરાણ કાળ જેટલો જૂનો છે. વિષ્ણુના દસ અવતાર માંહેનો બીજો અવતાર કચ્છાવતાર તરીકે જાણીતો છે. કચ્છાવતારની કથા કંઈક આવી છે. જળપ્રલય વખતે મૂલ્યવાન પદાર્થનો નાશ થયેલો જોઈ તેની શોધ માટે ભગવાન વિષ્ણુએ કૂર્મનું સ્વરૂપ ધારણ કર્યું. કૂર્મ રૂપે તેઓ ક્ષીરસાગરને તળિયે બેઠા અને સમુદ્રમંથન માટે રવૈયો બનાવેલા મંદરાચળ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો. દેવો અને દૈત્યો બંનેએ મળીને વાસુકી નાગનું નેતરું બનાવ્યું અને મોંની તરફ દૈત્યો અને પૂછડાંની તરફ દેવોએ રહીને ક્ષીરસાગરનું મંથન કર્યું. તેમાંથી ચૌદ રત્નો નીકળ્યાં. કચ્છની વાત પર પાછાં ફરીએ.

કચ્છની બોલી કચ્છી તરીકે જાણીતા છે. તેને જાડેજી ભાષા પણ કહેવાય છે. તેની વિશેષતા એ છે કે તે બોલાય છે, પણ લખાતી નથી. તેમાં 'દ'ની જગ્યાએ 'ધ', 'મ'ને સ્થાને 'ભ' અને 'ત'ને બદલે 'દ' બોલાય છે. આ બોલી બહુ નિરાળી છે. નાના બાળકોનું કુટુંબ 'કચ્ચા કુંબા' કહેવાય છે. વિક્રમ સંવતની જેમ કચ્છી સંવત પણ છે. તેને 'કચ્ચા સંવત' કહેવાય છે. તેની શરૂઆત ઇસ્વી સન 24 કે 25થી થઈ હોવાનું મનાય છે. અત્યારે કચ્ચા સંવત 1984 કે 1985મી ચાલે છે. અહીં ઉંમરલાયક થતી કુંવારી છોકરીને 'કચ્ચી આસામી' કહેવાય છે. કચ્છી સાહિત્યના સંરક્ષણ માટે ગુજરાત સરકારે કચ્છી સાહિત્ય અકાદમીની રચના પણ કરી છે.

શનિવારે અંજાર પહોંચ્યા. અહીં મારા માસી રહે છે. રવિવારે અંજારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપી, જેસલતોરલની સમાધિ જોઈ, છત્રપાળ દાદાના દર્શન કર્યા......

No comments: