26 નવેમ્બર એક તારીખ છે, પણ તે ફક્ત એક તવારીખ જ નથી. તેની સાથે એક ઇતિહાસ હંમેશ માટે જોડાઈ ગયો છે અને સાથેસાથે અનેક સવાલો પણ. ભલે આ ઇતિહાસ ફક્ત એક વર્ષ જૂનો હોય અને તેને યાદ કરવા કોઈ વિશેષ પ્રયાસની જરૂર ન હોય, પણ 26 નવેમ્બરને ભૂલી ન જ શકાય તે અહેસાસ પણ જરૂરી છે. એક વર્ષ અગાઉ દેશની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઈ પર નાપાક પાકિસ્તાનમાંથી દસ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ફક્ત દસ આતંકવાદીઓએ 60 કલાક આખા દેશને બાનમાં લઈ લીધો હતો. ચોક્કસ, તે અનુભવ આતંકવાદ અને આતંકવાદીઓની તાકાતનો હતો. પણ શું તે હુમલો આપણી નબળાઈનું ઉદાહરણ નહોતો?
આતંકવાદીઓ સામેના તે મુકાબલામાં આપણી બહાદુરીનો અધ્યાય પણ જોડાયેલો છે. આપણા પોલીસ કર્મચારીઓ, સૈનિકો અને નાગરિકોએ પ્રાણની આહુતિ આપી આતંકવાદનો સામનો કર્યો હતો. તે દિવસે વાતાવરણમાં ભય હતો, પણ તેની સાથેસાથે તેને પરાસ્ત કરવાનો એક જુસ્સો પણ હતો. દસ આતંકવાદીઓએ સેંકડો નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા તેની પીડા હંમેશા થશે, પણ મુંબઈવાસીઓ અને સુરક્ષા દળોએ જે હિમ્મત સાથે તે આતંકવાદીઓનો સામનો કર્યો તેના પર પણ ગર્વ થશે.
એક વર્ષ અગાઉ આતંકવાદીઓને નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યાં પછી એક લાખથી વધારે મુંબઈવાસીઓ તાજમહલ હોટલ સામે ભેગા થયા હતા. તેમણે આતંકવાદ સામે ઝૂકી નહીં જવાના, શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જવા દેવાના અને દરેક મોરચે આતંકવાદ સામે લડવાના શપથ લીધા હતા. પણ સવાલ એ છે કે આતંકવાદ સામે મુકાબલો કરવા જે માનસિકતાની જરૂર હોય છે, તે આપણી અંદર છે? જરૂરી માનસિકતા એટલે આપણે એક હકારાત્મક વિચારસરણી વિકસિત કરીએ. આ હુમલા પછી દેશમાં રાષ્ટ્રીયતાની એક લહેર ઉઠશે તેવી આશા હતા. આપણે વધુ પ્રામાણિક બનવાનો પ્રયાસ કરીશું તેવી અપેક્ષા હતી. પણ કેટલી ઝડપથી રાષ્ટ્રપ્રેમનો જુસ્સો ઓગળી ગયો? કેટલી ઝડપથી મુંબઈ હુમલાને ભૂલી ગયા?
આપણી રાષ્ટ્રીયતા અને જવાબદારીના અહેસાસનું એક ઉદાહરણ આપણને ચાલુ વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી અને ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું. તાજમહેલ હોટલની સામે ભેગા થઈને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેનારા લોકોમાંથી કેટલાં લોકો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા ગયા હતા? મુંબઈના અડધા કરતાં વધારે મતદારોને આ બંને ચૂંટણીમાં મતદાન કરવું જરૂરી લાગ્યું નહોતું. એવું નથી કે દુનિયાના અન્ય લોકશાહી દેશોમાં આપણા દેશની સરખામણીમાં વધારે મતદાન થાય છે. હુમલા પછી ન્યૂસ ચેનલોના કેમેરા સામે રાજકારણીઓ વિરૂદ્ધ ગુસ્સો પ્રગટ કરનાર મુંબઈવાસીઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સારું એવું મતદાન કરશે તેવી અપેક્ષા હતી, પણ સૂરસૂરિયું થઈ ગયું. રાજકારણીઓ પણ પોતાના અંગત સ્વાર્થમાં આ હુમલાને કેવી રીતે ભૂલી ગયા તેનું એક ઉદાહરણ આપું.
મુંબઈ પર હુમલો થયો ત્યારે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી આર આર પાટિલ હતા. હુમલા પછી આ પાટિલ મહોદયે કેવું નફ્ફટ વિધાન કર્યું હતું તેને યાદ કરીએ. મુંબઈ જૈસે બડે શહેરોમાં ઐસે છોટે-છોટે હાદસે હોતે રહેતે હૈ...પાટિલસાહેબ માટે મુંબઈ હુમલો નાનો બનાવ હતો. પ્રજાને રોષને પગલે ગૃહ મંત્રી પદેથી તેમને દૂર કરાયાં હતા. પણ હમણાં ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપીને ફરી બહુમતી મળતાં પાટિલ મહાશયને ફરી ગૃહ મંત્રી બનાવવામાં આવ્યાં છે. આ હુમલાને એક વર્ષ થાય તે પહેલાં તેમનું ગૃહ મંત્રી પદે પુનરાગમન થયું છે. પ્રશ્ન એ છે કે કોંગ્રેસ અને એનસીપી હુમલા સમયે પાટિલને ગૃહ મંત્રી તરીકે અયોગ્ય કે નાલાયક સમજતા હતા તો પછી તેમને ફરી ગૃહ મંત્રી શા માટે બનાવવામાં આવ્યાં?
તે ઉપરાંત અનેક પ્રશ્નો જાગે છે. એક વર્ષ અગાઉ થયેલા હુમલામાંથી આપણે શું શીખ્યા? મુંબઈ પોલીસ આ પ્રકારના હુમલાનો સામનો કરવા સજ્જ નહોતી તો શું અત્યારે તૈયાર છે? અત્યંત નબળા બુલેટપ્રૂફ જેકેટોને કારણે કુશળ પોલીસ અધિકારીઓ શહીદ થયા હતા. અત્યારે તો એ જેકેટ જ ગાયબ થઈ ગઈ છે, જેને પહેરીને આપણા એક જાંબાઝ પોલીસ અધિકારીએ તેના પ્રાણની આહૂતિ આપી હતી. સરકારે હુમલા પછી પોલીસ કર્મચારીઓ માટે અત્યાધુનિક બુલેટપ્રૂફ જેકેટની વ્યવસ્થા કરી છે? સરકારે મુંબઈ હુમલા માટે જાસૂસી એજન્સીઓની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી હતી તો અત્યારે આપણી જાસૂસી સંસ્થાઓ આ પ્રકારના હુમલાઓ રોકવા સક્ષમ છે? સૌથી વધુ મહત્વપૂર્ણ સવાલ એ છે કે આતંકવાદ સમજવા અને તેનો મુકાબલો કરવા જનમાનસમાં કેટલી સમજણ છે? દેશના વિવિધ ભાગોમાં થઈ રહેલા હુમલા પ્રત્યે આપણે કેટલા સાવધ છીએ?
નબળા સમાજ અને રાષ્ટ્રમાં જ આતંકવાદ મૂળિયા જમાવી શકે છે. પ્રશ્ન માત્ર બાહ્ય પરિબળો ફેલાવવામાં આવતા આતંકવાદનો જ નથી. સવાલ એ તમામ પરિબળો સામે લડવાનો છે, જે આપણા રાષ્ટ્રને નબળું બનાવે છે. ધર્મ, જાતિ, ભાષા અને પ્રાંતના નામે પોતાના રોટલાં શેકતાં નીતિભ્રષ્ટ રાજકારણીઓ પણ આપણા દેશ અને સમાજને નબળો પાડી રહ્યાં છે. એટલે આપણે આતંકવાદી હુમલાના શહીદોને સલામ કરી રહ્યાં છીએ ત્યારે પોતાના અંગત સ્વાર્થ માટે આપણને, આપણા સમાજને અને આપણા હિંદુસ્તાનને નબળો પાડતા તમામ પરિબળો સામે લડવાનો સંકલ્પ કરવો જરૂરી છે.
1 comment:
તે દિવસે વાતાવરણમાં ભય હતો, પણ તેની સાથેસાથે તેને પરાસ્ત કરવાનો એક જુસ્સો પણ હતો.
કેટલી ઝડપથી રાષ્ટ્રપ્રેમનો જુસ્સો ઓગળી ગયો?
આતંકવાદ સામે મુકાબલો કરવા જે માનસિકતાની જરૂર હોય છે, તે આપણી અંદર છે?
કેટલાં લોકો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા ગયા હતા?
.
.
હમમમ.. કદી જવાબ નથી મળવાનાં એવા સવાલ! છતાં કોઇપણ સવાલનો એક જવાબ હોય શકે કે "હમ નહી સુધરેંગે ! "
Post a Comment