ઇન્દિરા, ઇન્દિરા, ઇન્દિરા! અત્ર, તત્ર સર્વત્ર, ઇન્દિરા! 31 ઓક્ટોબરે 'પ્રિયદર્શિની' ઇન્દિરા ગાંધીની હત્યાને 25 વર્ષ પૂર્ણ થયા. અખબારો, ન્યૂસ ચેનલો, મેગેઝિન્સ..ઇન્દિરા, ઇન્દિરા, ઇન્દિરા...તમે રાષ્ટ્રીય મીડિયા પર નજર નાંખો તો એક વાત ઉડીને આંખે વળગશે કે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયની જાહેરાત સિવાય બીજે ક્યાંય દેખાયા નહોતા. કોઈ રાષ્ટ્રીય ખાનગી ન્યૂસ ચેનલ પર કે જાણીતા રાષ્ટ્રીય અખબાર કે મેગેઝિનમાં સરદાર ક્યાંય નહોતા. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ ઇન્દિરાને શહીદ ગણાવતી જાહેરાતની સરખામણીમાં સરદારની જાહેરાતનું કદ નાનું કરી નાંખ્યું. જોકે દિલ્હીની ગાદી પર ગાંધી પરિવાર સત્તાનશીન હોય ત્યારે આવી બાબતોની નવાઈ ન લાગવી જોઇએ. ગાંધી-નેહરુ પરિવારની એક ખાસિયત છે. તેઓ પ્રતિભા કરતાં ચમચાગિરીને વધુ પ્રાધાન્ય આપે છે અને મોતીલાલ નહેરુના વંશજોની આ નબળાઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ સિદ્ધાર્થ પટેલ બહુ સારી રીતે જાણે છે.
તેમણે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથી અને સરદાર જંયતિના દિવસે જાણી જોઇને સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીને સમકક્ષ નેતા ગણાવ્યાં. પોતાનો સ્વાર્થ સાધવા ઇતિહાસ સાથે ચેડા કરવાનો અધિકાર માત્ર કલમખોર ઇતિહાસકારોનો નથી. હવે રાજકારણીઓ પણ તેમના રંગે રંગાઈ ગયા છે. સિદ્ધાર્થ પટેલને મન સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધી વચ્ચે કોઈ ફરક નથી. તેમનું માનવું છે કે, સરદાર પટેલે દેશને એકતાંતણે બાંધ્યો અને ઇન્દિરા ગાંધીએ દેશની અખંડતા જાળવવા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. તેનો સીધો અર્થ એ થયો કે સરદારે જે કામ દેશ માટે કર્યું તેવું જ કામ ઇન્દિરા ગાંધીએ તેમના શાસનકાળ દરમિયાન કર્યું. ખરેખર?
સરદારે દેશને એક કર્યો તેમાં કોઈ બેમત નથી. ચોક્કસ, તેઓ અખંડ ભારતના શિલ્પી હતા. પણ ઇન્દિરા ગાંધીએ દેશની અખંડતા જાળવવા તેમના પ્રાણનું બલિદાન આપ્યું તે વાત સંપૂર્ણપણે સાચી નથી. તેમાં અર્ધસત્ય છે અને કોંગ્રેસ સહિત અનેક વિદ્વાનો આ પ્રકારના અર્ધસત્યો આપણા માનસમાં ઘૂસાડવા પ્રયાસ કરી રહ્યાં છે. આ વિદ્વાનો ખરેખર ગાંધી-નેહરુ દરબારના ચારણો છે અને તેઓ તેમનું બુદ્ધિધન અત્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે આગળ વધારવા ભાતભાતના પેંતરા કરવામાં વાપરી રહ્યાં છે. ગાંધીજી કહેતા કે સત્ય કરતાં અર્ધસત્ય વધારે ખતરનાક છે. કમનસીબે અત્યારે આપણા સમાજમાં અર્ધસત્ય હાવી થઈ ગયું છે.
ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા હતા તેમાં કોઈ બેમત નથી. પણ સરદાર અને ઇન્દિરાના રાષ્ટ્રપ્રેમની સરખામણી કરવી એ સરદારનું અપમાન છે. સરદાર નખશીખ રાષ્ટ્રપ્રેમી હતા. તેમના જીવનમાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાને કોઈ સ્થાન નહોતું. વડાપ્રધાન કે અન્ય કોઈ પદની તેમને લાલસા નહોતી. ગાંધીજીના એક ઇશારે તેમણે દેશના વડાપ્રધાનપદને ઠોકર મારી દીધી હતી. તેમના લોખંડી મનોબળના પ્રતાપે 554 રજવાડા એકછત્ર હેઠળ આવ્યાં હતા. તેમની દ્રઢતાથી પ્રતાપે દેશ મજબૂત થયો. જ્યારે ઇન્દિરા ગાંધીના લોખંડી મનોબળ અને દ્રઢતાથી તેમના વારસદારો અને ચાટુકરો જ મજબૂત થયા હતા, દેશ તો નહીં જ. તેઓ રાષ્ટ્રપ્રેમી હતા, પણ વ્યક્તિગત મહત્વકાંક્ષાની આગળ તેમનો દેશપ્રેમ ગૌણ બની જતો હતો. બાંગ્લાદેશના સર્જન દરમિયાન તેમના રાષ્ટ્રપ્રેમના દર્શન થયા હતા, પણ કટોકટી સમયે તેમના વ્યક્તિત્વમાંથી એક સરમુખત્યારની ગંધ આવતી હતી.
સરદાર રાજનીતિજ્ઞ હતા અને ઇન્દિરા નખશીખ રાજકારણી હતા. સરદાર દીર્ઘદ્રષ્ટા હતા અને લાંબા સમયગાળે દેશના હિતને ધ્યાનમાં લઇને નિર્ણયો લેતા હતા જ્યારે ઇન્દિરા ગાંધીનું રાજકારણ સત્તાકેન્દ્રી હતું. તેઓ ટૂંકા ગાળાના વ્યક્તિગત સ્વાર્થને સંતોષવા લાંબા ગાળે દેશનું અહિત કરવાની (અ)પરિપક્વતા ધરાવતા હતા. ભિંડરાનવાલેનું સર્જન તેનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમનામાં સરદાર જેટલી હિમ્મત હતી, પણ સરદારની જેમ વૈચારિક પરિપક્વતા નહોતી.
અત્યારે મીડિયા ઇન્દિરા ગાંધીની જે સિદ્ધિઓના ભરપેટ વખાણ કરી રહ્યું છે તેમાંની મોટા ભાગની સિદ્ધિ લાંબા ગાળે રાષ્ટ્ર માટે હાનિકારક પુરવાર થઈ છે. તેમણે બાંગ્લાદેશનું સર્જન કરી દક્ષિણ એશિયામાં લોકશાહીને મજબૂત કરી હતી અને પાકિસ્તાનના ટુકડાં કરી નાંખ્યાં હતાં. પણ પછી સીમલા કરારમાં થાપ ખાઈ ગયા. એટલું જ નહીં બાંગ્લાદેશી વસાહતીઓ આજે પણ આપણા ઘરજમાઈ બનીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપી પાકિસ્તાનના નાપાક ઇરાદા પાર પાડી રહ્યાં છે. તે જ રીતે પંજાબમાં ભિંડરાનવાલેનું સર્જન તેમણે પોતાનો રાજકીય સ્વાર્થ સંતોષવા કર્યું હતું અને તેમની હત્યા તેની ચરમસીમા હતી...
સરદાર અને ઇન્દિરા મારા પ્રિય નેતા છે, પણ બંને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. એક સાચા દેશપ્રેમી, રાજનીતિજ્ઞ તરીકે સરદાર વંદનીય છે, આદરણીય છે જ્યારે એક સરમુખત્યાર મહિલા રાજકારણી તરીકે ઇન્દિરા આકર્ષે છે...બાકી બંનેની સરખામણી કરીને આપણા સરદારનું અપમાન કરવા જેવું પાપ તો ન જ કરી શકાય......
1 comment:
હા, કેયુરભાઈ મને તો એ દિવસે એમ જ લાગ્યુ હતું કે 25 વર્ષ નહી પણ આજે જ બનાવ બન્યો છે! ગાંધી પરિવારની આધળી ભક્તિના કરતા લોકો ઇન્દીરા ગાંધી માટે માન હોય તો યે અણગમો ઉપજાવવાનું કામ કરે છે.
Post a Comment