બાજીગર એટલે? ગુજરાતી લેક્સિકનમાં તેનો અર્થ આ પ્રમાણે આપવામાં આવ્યો છેઃ યુક્તિથી રમાડી જાણનાર, ખેલાડી, માકડાં વગેરેનો ખેલ કરનાર, મદારી. બાજીગર '21મી સદીના રાજેશ ખન્ના' શાહરૂખ ખાનની શરૂઆતની સફળ પુરવાર થયેલી ફિલ્મોમાંની એક હતી. બાલ્યાવસ્થામાં લાંબું વિચારવાની ક્ષમતા નહોતી, ફિલ્મની ગુણવત્તાનો જરાં સરખો પણ ખ્યાલ નહોતો ત્યારે આ ફિલ્મ અતિ મનોરંજક લાગી હતી. તેનો એક સંવાદ અતિ લોકપ્રિય થયો હતો. 'હાર કર જીતનેવાલે કો બાજીગર કહેતે હૈ...' ગયા મહિને પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આવ્યાં પછી મને આ સંવાદ વારંવાર યાદ આવે છે. દેશમાં અત્યારે બાજીગરી ચાલે છે. ભારતીય રાજનીતિમાં એક પછી એક બાજીગર આવે છે અને સફળતાના નવા માપદંડ સર કરે છે. પ્રજાને પણ મજા પડે છે. બાજીગરોના ખેલ જોઈને હરખે હરખે છેતરાય છે.
આવી જ બાજીગરી ગયા મહિને પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી. તેમાં અસમમાં કોંગ્રેસના 15 વર્ષના અણઘડ શાસનને પરિણામે ભાજપનો અતિ અપેક્ષિત વિજય થયો અને તેમાં નવાઈ પામવા જેવું કશું જ નથી. પણ આશ્ચર્યજનક બાબત એ છે કે બાકીના ચાર રાજ્યોમાં ભાજપને ફાયદો થવાના બદલે ખરેખર નુકસાન થયું છે. છતાં મોદીજનો તાળીઓ પાડી પાડીને કહે છે કે અસમ ઉપરાંત બાકીના ચારેય રાજ્યોમાં ભાજપને મસમોટો ફાયદો થયો છે અને હવે આ ચારેય રાજ્યોમાં ટૂંક સમયમાં ભાજપ સત્તાના શિખરે બિરાજમાન હશે. મોદીજનો અસમમાં વિજયની પ્રશંસા દશ મોઢે કરે છે. તેનાથી પણ વિશેષ તેઓ વીસ હાથથી કોંગ્રેસના પરાજય પર તાળીઓ પાડે છે. પણ જો તેઓને પૂછો કે બાકીના ચાર રાજ્યોમાં ભાજપને કેવી રીતે ફાયદો થયો તો તેઓ તેમની સ્વભાવગત વિશેષતા પર પાછાં ફરે છે અને તમને પૂછે છેઃ કોંગ્રેસ 60 વર્ષ શું કર્યું?
મોદીજનો ચાર રાજ્યો વિશે સાચું ચિત્ર જણાવશે નહીં અને તેમની પાસે આટલા ઊંડાણપૂર્વક વિશ્લેષણની અપેક્ષા રાખવી વ્યર્થ છે. પણ સાચું ચિત્ર શું છે તે હવે જોઈએ. સૌપ્રથમ વાત કરીએ 'સવાયા સામ્યવાદી' પુરવાર થયેલા મમતાદીદીના બંગાળની. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી ભારતીય રાજનીતિના સુપરસ્ટાર હતા અને દેશમાં 'અચ્છે દિન'ની લહેર હતી. આ લહેર પર સવાર ભાજપને લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 17 ટકા મત મળ્યાં હતાં. તેના પરથી ભાજપે અનુમાન હતું કે વિધાનસભાની ચૂંટણીમાં તેનો મતહિસ્સો વધશે. પણ મોદી સરકારની બે વર્ષની કામગીરી પછી ખરેખર શું થયું? બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં પરિણામો જાહેર થયા પછી ભાજપનો મતહિસ્સો વધવાને બદલે ઘટીને 10 ટકા થઈ ગયો છે. એટલે હકીકતમાં પશ્ચિમ બંગાળના પરિણામો તો મોદી સરકારની બે વર્ષની કામગીરીથી બંગાળની પ્રજા કેટલી ખુશ છે તેનો ચિતાર આપી દીધો છે.
તે જ રીતે કેરળમાં મોદીજનો ખાતું ખોલવા બદલ ગર્વ અનુભવે છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મતહિસ્સો વધ્યો હતો અને તે દ્રષ્ટિએ ભાજપ ચાર વિધાનસભાની બેઠકો પર સૌથી વધુ મત મેળવીને નંબર વન હતો. પણ ખરેખર વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ફક્ત એક જ બેઠક પર વિજય મળ્યો છે. વળી, ભાજપના પ્રવક્તા કેરળમાં 15 મતહિસ્સો મેળવવા પર ગર્વ અનુભવે છે, પણ હકીકતમાં તેઓ ભાજપના સહયોગીઓને પ્રાપ્ત થયેલા મતો પણ પોતાના જ ગણાવે છે. ખરેખર અહીં ભાજપનો મતહિસ્સો આંશિક વધીને 11 ટકા થયો છે. તામિલનાડુમાં સ્થિતિ શું છે? અહીં પણ પ્રજાએ મોદીસરકારની બે વર્ષની કામગીરી પર નિરાશા જ વ્યક્ત કરી છે. વર્ષ 2014માં મોદીના 'અચ્છે દિન'ના સૂત્રથી અંજાઈ ગયેલા તામિલનાડુના 6 ટકા મતદારોએ ભાજપને મત આપ્યો હતો, પણ વર્ષ 2016ની ચૂંટણીમાં તામિલનાડુમાં આવા મોદીજનોનો ઘટીને 3 ટકા રહ્યાં છે. છેલ્લે પોંડિચેર નામના એક નાનાં રાજ્યની વાત કરીએ. અહીં કોંગ્રેસનો વિજય થયો છે. (નાનાં રાજ્યમાં પણ કોઈ પણ પક્ષના વિજયની નોંધ તો લેવી જ જોઈએને!)
ભારત સંસ્કૃતિ અને રાજનીતિ ચાપલૂસપ્રધાન, ચમચાપ્રધાન છે. ગાંધીપરિવારના દરબારને 44 બેઠક સુધી પહોંચાડવામાં ચાપલૂસોની ભૂમિકા કાબિલેદાદ છે. પણ હવે મોદીજનોએ નવો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છેઃ ચાપલૂસી અને ચમચાગીરીમાં પણ કોંગ્રેસીજનોને પછાડીને નંબર 1 બનવાનું. વડાપ્રધાન મોદીએ આ ચમચાઓથી ચેતીને ચાલવા જેવું છે. ચમચાઓ, ચાપલૂસોએ વ્યક્તિ, સંસ્થા, રાજકીય પક્ષ અને દેશનું ક્યારેય હિત કર્યું નથી. તેમણે વ્યક્તિ, સંસ્થા અને દેશના ભોગે પોતાનાં જ હિતો સાધ્યાં છે. લોકશાહીની ચાલ બહુ વિચિત્ર છે. શહેનશાહ સત્તાના ગુમાનમાં મદમસ્ત હોય છે, ત્યારે પ્રજા સણસણતો તમાચો મારીને તેની આંખો ખોલે છે. જોકે મોદી ગુજરાતના મુખ્યમંત્રીની જેમ ભારતના વડાપ્રધાન તરીકે પણ નસીબદાર છે. હું ભારતના અત્યાર સુધીના શાસકોમાં મોદીને સૌથી વધુ નસીબદાર શાસક ગણું છું, કારણ કે તેમને પડકાર ફેંકી શકે એવો રાષ્ટ્રીય સ્તરનો ગણી શકાય એક પણ નેતા નથી. કદાચ એટલે જ મોદી બેફિકર છે અને ચાપલૂસો પોતાની જ આ ધૂનમાં મસ્ત છેઃ કોંગ્રેસે 60 વર્ષ શું કર્યું.....કોંગ્રેસ 60 વર્ષ શું કર્યું....
No comments:
Post a Comment