Tuesday, November 17, 2020

જીવન એટલે દરરોજ નવો સંઘર્ષ અને નવો અનુભવ

 


જીવન પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ ધરાવો છો?

જીવન એટલે સકારાત્મકતા, પોઝિટિવિટી. જીવન એટલે દરરોજ નવો સંઘર્ષ અને નવો અનુભવ. હું હંમેશા આશાવાદી રહું છું. મને ખાતરી છે કે, જીવન મને હંમેશા એક યા બીજી સારી ચીજો આપશે. હું જીવનને સંપૂર્ણપણે જીવવામાં માનું છું. દરેક વ્યક્તિના જીવનમાં ચડઊતર આવે છે. પણ આપણે એનાથી ગભરાઈ જવું ન જોઈએ. જિંદગી એકવાર મળે છે એને મન ભરીને માણવી જોઈએ. જીવનમાં મારી એક જ ઇચ્છા છે કે, હું જે કાંઈ કરું એ પ્રામાણિકતાપૂર્વક કરું. મારા માટે સંગીત મારી પૂજા છે. આ સાધનામાં મને સફળતા મળે એવું હું ઇચ્છું છું. ઈશ્વર અને પરિવારનો સાથ મળે તો જીવન જીવવાની મજા અનેરી હોય છે.

તમારા માટે સફળતા અને નિષ્ફળતા એટલે શું?

સફળતા એટલે મારો પરિવાર મારા પર ગર્વ કરે. મેં જે પ્રકારનાં ગીતો ગાયા છે અને દર્શકોએ જે પ્રેમ આપ્યો છે એ મારા માટે સફળતા છે. જો હું ગીતો ગાઉં અને લોકો એને પસંદ ન કરે તો મારા માટે એ નિષ્ફળતા છે. મેં ફક્ત 14 વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી. એ સમયે મને સંગીતના દિગ્ગજો સાથે કામ કરવાની તક મળી હતી. એમની પાસેથી શીખવાની તક મળી. મારું માનવું છે કે, હું દરરોજ કશું નવું શીખું – આ જ સફળતા છે.

જીવનમાં નિરાશાનો સામનો કેવી રીતે કર્યો?

પરિવારનો સાથસહકાર મળ્યો અને સંગીતે હંમેશા મુશ્કેલીમાંથી ઉગારી લીધી. સંગીતમાં અજીબ શક્તિ છે, જે તમને અંધકારમાં પણ આશાનું કિરણ દેખાડે છે. મારા માટે સંગીત જ મારી દુનિયા છે.

ચિંતારહિત જીવન જીવવાની ફિલોસોફી શું છે?

પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરો તો ચિંતારહિત જીવન જીવી શકાય. ધીરજ રાખો અને નિષ્ઠાપૂર્વક કામ  કરતા રહો. કોઈની સાથે સ્પર્ધા ન કરવી. સ્પર્ધા હંમેશા તણાવ પેદા કરે છે. તમે જે કોઈ કામ શ્રેષ્ઠતાપૂર્વક કરી શકો એને કરો. એમાં વધુને વધુ પારંગત બનો. બીજા વિશે નકારાત્મક વિચારો ન કરો. નેગેટિવિટીથી દૂર રહો.

તમારા માટે ખુશી શેમાં છે – ધનદોલત કે પ્રતિષ્ઠામાં?

મારી ખુશી મારો પરિવાર છે. જ્યારે હું મારી પ્રતિષ્ઠા જાળવી રાખીશ, ત્યારે જ મારો પરિવાર ખુશ રહેશે. રૂપિયાપૈસા મારાં માટે મારી જરૂરિયાત પૂરી કરવાનું માધ્યમથી વિશેષ કશું નથી. પ્રતિષ્ઠા જીવન જીવવાનું એક માધ્યમ છે.

તમારા જીવનનો વિચાર કરો તો કેવું લાગે છે?

મેં ફક્ત 14 વર્ષની વયે ટેલેન્ટ હંટમાં શરૂઆત કરી હતી. એમાંથી દેવદાસમાં બહુ મોટી તક મળી. જ્યારે હું 16 વર્ષની હતી, ત્યારે પહેલું ફિલ્મી ગીત બૈરી પિયા ગાયું હતું. એ મારા જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો. જ્યારે કોઈ ટેલેન્ટ શોની જજ બનું છું, ત્યારે એક લાંબી સફર ખેડી હોય એવું લાગે છે. આજે સંતોષ થાય છે કે, એક સામાન્ય છોકરી લોકો વચ્ચે પોતાની પ્રતિભાના જોરે જગ્યા ઊભી કરી શકી.

No comments: